News of Wednesday, 28th October 2026
બેંગલુરુની કંપની સામેનો કોમર્શિયલ દાવો મંજૂર કરી બાકી રકમ વ્યાજ અને ખર્ચ સહિત ચૂકવવા આદેશ

રાજકોટ, તા.૨૮: વેપારી વ્યવહારમાં માલની ખરીદી કર્યા બાદ બાકી લેણાંની ચુકવણી ન કરવાના મામલે રાજકોટની અદાલતે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં એન્જિનિયર્ડ પોલિમર્સ (ઈન્ડિયા) પ્રા. લિ.ના પક્ષમાં દાવો મંજૂર કર્યો છે. અને અદાલતે બેંગલુરુ સ્થિત વેલંકાની ઇલેક્ટ્રોનિક્સ પ્રા. લિ. ને રૂ.૩,૭૫,૪૧૭ ની બાકી રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે એન્જિનિયર્ડ પોલિમર્સ (ઈન્ડિયા) પ્રા. લિ. તથા બેંગલુરુ સ્થિત વેલંકાની ઇલેક્ટ્રોનિક્સ પ્રા. લિ. બંને કંપનીઓ વચ્ચે લાંબા સમયથી વેપારી વ્યવહારો ચાલતા હતા. વાદી કંપની દ્વારા પ્રતિવાદી કંપનીને માલ સપ્લાય કરવામાં આવ્યો હતો, પરંતુ તેની બાકી રકમની ચુકવણી કરવામાં ન આવતાં વસૂલાત માટે વાદી દ્વારા સીનીયર એડવોકેટશ્રી જી. આર. ઠાકર નો મારફત કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.
વાદી કંપની દ્વારા બાકી લેણાંના સમર્થનમાં ઇન્વોઇસ, કોમ્પ્યુટરાઇઝ્ડ લેજર એકાઉન્ટ તથા બંને પક્ષો વચ્ચે થયેલા ઈ-મેઇલ વ્યવહાર સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ, પ્રતિવાદી કંપનીએ માલની ગુણવત્તા અને બાકી રકમ અંગે વાંધા રજૂ કર્યા હતા. જોકે, અદાલતે રેકોર્ડ પરના દસ્તાવેજો, ઈ-મેઇલ વ્યવહાર અને ઉપલબ્ધ પુરાવાઓનું મૂલ્યાંકન કરી એડવોકેટ ગાર્ગી જી. ઠાકર દ્વારા લંબાણ પૂર્વકની દલીલો તેમજ રજૂ કરેલા સર્વોચ્ચ અદાલત તથા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈને વાદી કંપનીનો દાવો માન્ય રાખ્યો હતો.
પ્રતિવાદી કંપનીએ રૂ.૩,૭૫,૪૧૭ ની રકમ ઉપરાંત દાવો દાખલ થયાની તારીખ ૧૫ જૂન, ૨૦૧૯ થી સંપૂર્ણ યુકવણી થાય ત્યાં સુધી વાર્ષિક ૬ ટકા વ્યાજ ચૂકવવાનું રહેશે. આ ઉપરાંત, પ્રતિવાદીને વાદી કંપનીનો કોર્ટ ખર્ચ પણ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ચુકાદો વેપારી વ્યવહારોમાં બાકી લેણાંની વસૂલાત માટે દસ્તાવેજી પુરાવા, હિસાબી વિગતો અને પક્ષકારો વચ્ચેના પત્રવ્યવહારના મહત્ત્વને ઉજાગર કરે છે.
આ કેસમાં વાદી કંપની તરફથી સીનીયર એડવોકેટ શ્રી જી. આર. ઠાકર, ગાર્ગી જી. ઠાકર, અક્ષિત જી. ઠાકર, જીંકલ રૈયાણી તથા કળપાલ ઠાકર રોકાયેલા હતા.
(2:38 PM IST)










