<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

રંગીલા રાજકોટિયન્સ... રેઈનકોટ અને છત્રી કાઢી લો ! આજે પૂર્વ-દક્ષિણ વિસ્તારમાં મેઘો મંડાશે : અનરાધાર વરસાદની આગાહી

રંગીલું રાજકોટ હવે ઓફિશિયલી ચોમાસાના રંગે રંગાશે : સાંજે કાળાડિબાંગ વાદળોની ફોજ જામશે : હળવા ઝાપટા નહીં પણ સારો વરસાદ પડશે

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧ :  રાજકોટવાસીઓ માટે ખુશખબર છે. રંગીલું રાજકોટ હવે ઓફિશિયલી ચોમાસાના રંગે રંગાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજકોટ શહેર અને જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે.

ખાસ કરીને રાજકોટના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં આજે મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહી છે. સાંજ પડતા જ આકાશમાં કાળાડિબાંગ વાદળોની ફોજ જામશે અને ગમે ત્યારે ધબધબાટી બોલાવી શકે છે. આજે માત્ર હળવા ઝાપટાં નહીં, પણ અનરાધાર મેઘમહેર વરસવાની શક્યતા છે.

છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગરમી અને બફારાથી ત્રસ્ત રાજકોટિયન્સ માટે આ સમાચાર રાહત લઈને આવ્યા છે. તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. 

તો રાજકોટવાસીઓ, રેઈનકોટ અને છત્રી તૈયાર કરી લો. કારણ કે આજે આકાશમાંથી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે.

(9:25 AM IST)