<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

રાજકોટમાં જન્માષ્ટમીના ભવ્ય લોકમેળામાં સ્ટોલ અને પ્લોટની ફાળવણી માટે અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર દ્વારા ડ્રો તથા હરરાજીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો

નાયબ કલેકટર કચેરી ખાતે આગામી તા.૨૦થી ૨૮ જુલાઈ દરમિયાન અરજીપત્રકો મેળવી શકાશે ; તા.૧થી ૬ ઓગસ્ટ સુધી ચાલશે ખાણીપીણી, આઈસ્ક્રીમ અને યાંત્રિક રાઈડ્સના પ્લોટની હરરાજીની પ્રક્રિયા

રાજકોટ: લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે આગામી તા.૨થી ૬ સપ્ટેમ્બર સુધી યોજાનારા પાંચ દિવસીય પરંપરાગત ભવ્ય જન્માષ્ટમી લોકમેળાના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લોકમેળામાં રમકડાં, ખાણી-પીણીના સ્ટોલ તેમજ મનોરંજનની વિવિધ ચકરડી અને યાંત્રિક રાઈડ્સના પ્લોટ મેળવવા ઈચ્છતા અરજદારો માટે સમિતિના અધ્યક્ષ અને નાયબ કલેકટર દ્વારા ફોર્મ વિતરણ, ડ્રો તેમજ હરરાજીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

 

 ઇન્ડિયન બેંક ખાતેથી નિયત સમયમાં ફોર્મ મેળવી ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે સબમિટ કરવાના રહેશે:

લોકમેળામાં સ્ટોલ કે પ્લોટ મેળવવા માટે ફોર્મ ભરવા ઇચ્છુક અરજદારો તા. ૨૦ જુલાઈથી ૨૮ જુલાઈ સુધીમાં ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ ખાતેથી સવારના ૧૧:૦૦ કલાકથી બપોરના ૧૬:૦૦ કલાક દરમિયાન અરજીપત્રક મેળવી શકશે. અરજી ફક્ત નિયત ફોર્મમાં જ સ્વીકારવામાં આવશે. આ ફોર્મ સાથે જુદી જુદી કેટેગરીની નિયત કિંમતની પૂરેપૂરી રકમ, ટેક્સની સૂચિત રકમ તેમજ ડિપોઝિટની પૂરેપૂરી રકમ મળીને "અધ્યક્ષશ્રી, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ"ના નામનો કુલ રકમનો સિંગલ ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) સાથે જોડીને ફોર્મ જમા કરાવવાનું રહેશે. લોકમેળાનો સત્તાવાર નકશો નાયબ કલેક્ટર કચેરી, રાજકોટ (શહેર-૧) પ્રાંત, જૂની કલેકટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર કચેરી સમય દરમિયાન જોઈ શકાશે.

 

 વિવિધ કેટેગરીના સ્ટોલ અને પ્લોટની હરરાજીનું તારીખવાર સમયપત્રક:

લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા તમામ સ્ટોલ અને પ્લોટના ડ્રો તથા હરરાજી પ્રક્રિયા નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ (શહેર-૧), જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલા મીટીંગ રૂમ ખાતે નીચે મુજબના સમયપત્રક અનુસાર યોજવામાં આવશે:

 

 તા. ૦૧ ઓગસ્ટ (શનિવાર, સવારે ૧૧:૦૦ કલાકે): કેટેગરી-બી હેઠળ રમકડાના ૧૦૦ સ્ટોલ અને કેટેગરી-સી હેઠળ ખાણીપીણીના ૦૮ સ્ટોલ માટેની પ્રક્રિયા હાથ ધરાશે.

 તા. ૦૧ ઓગસ્ટ (શનિવાર, સવારે ૧૧:૩૦ કલાકે): કેટેગરી-જે હેઠળ મધ્યમ ચકરડીના ૩ પ્લોટ અને કેટેગરી-કે હેઠળ નાની ચકરડીના ૨૪ પ્લોટ માટે હરરાજી યોજાશે.

 તા. ૦૪ ઓગસ્ટ (મંગળવાર, સવારે ૧૧:૩૦ કલાકે): કેટેગરી-એ હેઠળ ખાણીપીણી/એક્સપો/એક્ઝિબિશન/વિવિધ શો તથા પ્રદર્શન માટેના ૨ પ્લોટ અને બી૧/કોર્નર ખાણીપીણીના ૪૦ પ્લોટની હરરાજી થશે.

 તા. ૦૫ ઓગસ્ટ (બુધવાર, સવારે ૧૧:૩૦ કલાકે): મોટા આકર્ષણ સમાન યાંત્રિક રાઈડ્સની કેટેગરી-ઈના ૫, કેટેગરી-એફના ૩, કેટેગરી-જીના ૨૦ અને કેટેગરી-એચના ૬ પ્લોટની હરરાજી હાથ ધરાશે. યાંત્રિક કેટેગરીમાં ફોર્મ ભરનારા અરજદારો ઈ, એફ, જી અને એચ તમામ કેટેગરીની હરરાજીમાં ભાગ લઈ શકશે.

 તા. ૦૬ ઓગસ્ટ (ગુરૂવાર, સવારે ૧૧:૩૦ કલાકે): કેટેગરી-એક્સ હેઠળ આઈસ્ક્રીમના ૧૭ પ્લોટ માટે હરરાજી થશે. આ કેટેગરી-એક્સની હરરાજીમાં કોઈ પણ વ્યક્તિ કે કંપની ભાગ લઈ શકશે તેમજ પોતાની બ્રાન્ડ કે આઈસ્ક્રીમ કંપનીની જાહેરાત સ્ટોલ પર કરી શકશે.

 

 મુલાકાતીઓ માટે રાઈડ્સના મહત્તમ પ્રવેશદર નિર્ધારિત કરાયા:

મેળામાં આવતી જનતાને આર્થિક નુકસાન ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા રાઈડ્સના ટિકિટ દર પણ અગાઉથી નક્કી કરી દેવામાં આવ્યા છે. જે મુજબ કેટેગરી-જે (મધ્યમ ચકરડી) અને કેટેગરી-કે (નાની ચકરડી) માટેનો પ્રવેશદર મહત્તમ રૂ. ૩૫ પ્રતિ વ્યક્તિ રાખવાનો રહેશે. જ્યારે કેટેગરી ઈ, એફ, જી અને એચ હેઠળ આવતી તમામ મોટી યાંત્રિક રાઈડ્સની આઈટમો માટેનો પ્રવેશદર મહત્તમ રૂ. ૫૦ પ્રતિ વ્યક્તિ લેવાનો રહેશે તેમ અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ (શહેર-૧)ની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(8:12 PM IST)