News of Wednesday, 29th April 2026
ભાજપનું બૂલડોઝરઃ રાજકોટ શહેર-જીલ્લામાં ૩૦૭ ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ
૧૬.૬૬ ટકા મતો પણ ન મળ્યાઃ જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના-૧૮ અને આપના- ૧૫ ઉમેદવારોની ડીપોઝીટ ખાલસા... : રાજકોટ મહાપાલીકામાં કોંગ્રેસના-૪૬ અને આપના- ૬૨ ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત કરી લેતું તંત્ર.. : વિજેતા ઉમેદવારોની વિગતો ગેઝેટમાં પ્રસિધ્ધ અર્થે મોડીરાત્રે અધીકારીને ગાંધીનગર દોડાવતા કલેકટરઃ ઉપયોગમાં લેવાયેલા તમામ EVM સીલ કરી વેરહાઉસમાં મૂકી દેવાયા..

રાજકોટ, તા.૨૯: રાજકોટ- શહેર-જીલ્લામાં ભાજપનું બુલડોઝર ફરી વળતા ં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ ૩૦૭ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઈ છે. ચુંટણી પંચના નિયમ મુજબ કુલ મતના ૧૬.૬૬ ટકા મત મેળવવામાં ઉમેદવારો નિષ્ફળ જાય તો ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલી ડિપોઝીટ જપ્ત કરવામાં આવે છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકમાં કુલ ૨૩૬ ઉમેદવારો ચુંટણી જંગમાં ઉતર્યા હતા. તેમા રવિવારે મહાપાલિકામાં કુલ ૫૧.૫૯ ટકા મતદાન થયું હતું. એસઆરઆઈ બાદ થયેલ મતદાનમાં મામુલી વધારો થયો હતો. રાજકોટમાં ત્રિ-પાંખીયા જંગમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મતદારોને અંક કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
રાજકોટ મહાપાલિકામાં હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં કુલ ૨૩૬ ઉમેદવારોમાંથી ભાજપના ૭૨ ઉમેદવારોને બાદ કરતા કોંગ્રેસના ૪૬ ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના ૬૨ ઉમેદવારો કુલ મતના ૧૬.૬૬ ટકા મત મેળવવામાં નિષ્ફળ જતા તમામ ૧૦૮ ઉમેદવારની ડિપોઝીટજપ્ત કરવામાં આવી છે. જેમાં અપક્ષ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતની ૩૯ બેઠકમાંથી ૧૦૯ ઉમેદવારો ચુંટણી લડ્યા હતા. તેમાં આજે ઉમેદવારોની મત ગણતરી કરવામાં આવતા ૩૬ ઉમેદવારોને બાદ કરતા કોંગ્રેસના ૧૮ અને આમ આદમી પાર્ટીના ૧૫ ઉમેદવારોની ડિપોઝીટ ખાલસા કરવામાં આવી છે.
દરમિયાન ભાજપના ૬૫ અને કોંગ્રેસના-૭ તથા જીલ્લા તાલૂકા પંચાયત, ગોંડલ નગરપાલિકાની વિજયી બનેલા ઉમેદવારોના નામ સહિતની તમામ વિગતો ગેઝેટમાં પ્રસિધ્ધ કરવા અર્થે રાજકોટ કલેકટરની સૂચના બાદ એક સ્પે. અધીકારી ગતમોડી રાત્રે હાજર ચૂંટણીપંચ સમક્ષ તમામ રીપોર્ટ આપવા અર્થે દલડી ગયા છે.
બીજી બાજુ મતગણત્રી પૂર્ણ થતા રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલ તમામ EVM ને સીલ કરી ગઇકાલે સાંજે જ કોર્પોરેશનના ઇવીએમ વેર હાઉસ-કેનાલ રોડ ખાતે મૂકી દેવાયાનું સુત્રોએ ઉમેર્યુ હતું
(3:07 PM IST)










