News of Wednesday, 28th October 2026
ભાજપ-કોંગ્રેસનો સામસામે વિરોધઃરેસકોર્ષ રોડ બન્યો રાજકીય અખાડો
રાજકોટના રેસકોર્સ રોડ પર કોંગ્રેસ કાર્યાલયને પોલીસે ઘેરો ઘાલ્યો : કોંગ્રેસના કાર્યકરો પોલીસની વાન ઉપર ચડી ગયાઃ બેરિકેડ તોડવાનો પ્રયાસ થતાં ધક્કામુક્કી

રાજકોટ, તા.૨૮: શહેરના રેસકોર્સ રોડ પર ગઇકાલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘર્ષણનો માહોલ સર્જાયો હતો. ભાજપના કાર્યક્રમ સામે વિરોધનો સૂર ઉઠાવનારા કોંગ્રેસના કાર્યકરોને રોકવા પોલીસે કોંગ્રેસ કાર્યાલય આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે, પોલીસના ઘેરાવ છતાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઊતરી આવતાં ભારે હોબાળો મચ્યો હતો. એક તબક્કે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થતાં સમગ્ર વિસ્તાર રાજકીય અખાડામાં ફેરવાઈ ગયો હતો.
રેસકોર્સ રિંગરોડ પર આવેલા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સાંજના સમયે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા હતા. ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવા માટે કાર્યાલયની બહાર નીકળવાનો પ્રયાસ કરતાં જ પોલીસે તેમને અટકાવ્યા હતા. પોલીસે અગાઉથી જ કોંગ્રેસ કાર્યાલય તરફ જતા માર્ગો પર બેરિકેડ ગોઠવી દીધા હોવાથી કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
કોંગ્રેસના કાર્યકરોએ પોલીસનો ઘેરો તોડવાનો પ્રયાસ કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. કાર્યકરો અને પોલીસ વચ્ચે ખેંચતાણ સર્જાઈ હતી. કેટલાક કાર્યકરો બેરિકેડ પર ચડી ગયા હતા તો કેટલાકે પોલીસની વાન પર ચડીને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાઈ હતી.
પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને અટકાયતમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, કેટલાક કાર્યકરોએ પોલીસની વાનમાં બેસવાનો ઇનકાર કરતાં પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મહિલા કાર્યકરો પણ વિરોધમાં જોડાતાં તેમને પોલીસ વાન સુધી લઈ જવા માટે પોલીસ કર્મચારીઓએ પ્રયાસો કર્યા હતા. કેટલાક કાર્યકરોને ઊંચકીને વાનમાં બેસાડવાની ફરજ પડી હતી.
કોંગ્રેસના કાર્યકરોને અટકાવવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. કોંગ્રેસના કાર્યકરો ભાજપના કાર્યક્રમ સામે વિરોધ નોંધાવવા મક્કમ હતા, જ્યારે પોલીસ તેમને આગળ વધતા રોકવા માટે પ્રયાસરત હતી. પરિણામે રેસકોર્સ રોડ પર લાંબા સમય સુધી હોબાળો અને ખેંચતાણનો માહોલ રહ્યો હતો.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કોંગ્રેસ કાર્યાલયની બહાર પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનને પગલે રસ્તા પર લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. પોલીસની વાન, બેરિકેડ અને કાર્યકરોની ખેંચતાણ વચ્ચે રેસકોર્સ રોડ પર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(11:36 AM IST)










