<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

ધનંજય ફાઇનાન્સ ફ્રોડ કેસમાં મોટો ખુલાસોઃ દંપતીની સુરતમાંથી ધરપકડ

૬.૨૮ કરોડના ફ્રોડ કેસમાં રાજકોટના દંપતીએ જામીનની શરત મુજબ પાસપોર્ટ જમા કરાવ્યોઃ સુરતમાં ગુમ થયાની ફરિયાદના આધારે નવો પાસપોર્ટ મેળવી વિદેશ ફરી આવ્યા : રાજકોટમાં છેતરપિંડીના ભોગ બનેલા વકીલને ખબર પડતા વધુ એક ફ્રોડનો ભાંડો ફૂટ્યો

 

રાજકોટ,તા.૨૫: ૬.૨૮ કરોડ રૂપિયાની છેતરપિડીના કેસના આરોપી અને આગોતરા જામીન પર રહેલા રાજકોટના દંપતીની પાસપોર્ટની છેતરપિડીના કેસમાં સુરતમાંથી ધરપકડ કરાઇ હતી. આ દંપતીએ જામીનની શરત મુજબ તેમના પાસપોર્ટ જમા કરાવ્યા હતા અને ખોવાઇ ગયો હોવાની ખોટી રજુઆત કરીને ફરી પાસપોર્ટ મેળવ્યો હતો અને વિદેશ પ્રવાસ કર્યો હતો. હવે તેમની સામે છેતરપિડી, પાસપોર્ટ અધિનિયમ અને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

કેસની વિગત એવી છે કે રાજકોટના લોધિકાના ઘનશ્યામ પાંભર અને તેમની પત્ની અશ્વિતા પાંભરે ૨૦૨૧માં ધનંજય ફાઇનાન્સ નામની કંપની શરૂ કરી હતી અને ઓછા સમયમાં વધુ રિટર્ન આપવાનું વચન આપીને અનેક લોકો સાથે ૬.૨૮ કરોડ રૂપિયાની છેતરપિડી કરી હોવાનો આરોપ છે. તેમણે રોકાણકારો પાસેથી મોટી રકમ એકત્ર કરી હતી. જ્યારે રોકાણકારો તેમના રિટર્ન લેવા આવ્યા ત્યારે દંપતીએ કંપની બંધ કરી દીધી હતી અને સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેવા ચાલ્યા ગયા હતા.

દંપતી વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિડીનો કેસ નોંધાયો હતો. દંપતીએ ગુજરાત હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. જામીનની શરત મુજબ તેમના પર દેશ છોડવાનો પ્રતિબંધ હતો અને પાસપોર્ટ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો હતો.

તેમનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે રાજકોટમાં છેતરપિડીના ભોગ બનેલા વકીલ અશોક કોયાણીને ખબર પડી કે પાંભર દંપતી દુબઇ સહિત અન્ય દેશોમાં ફરી આવ્યા છે. ત્યારબાદ તેમણે ગુજરાત હાઇકોર્ટને જાણ કરી અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ જામીનની શરતોના ભંગ અંગે અરજી કરી.

રાજકોટ પોલીસે તપાસ કરતા તેમના પાસપોર્ટ હજુ તેમની કસ્ટડીમાં હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ વધુ તપાસમાં ખુલ્યું કે દંપતીએ સુરતના ડિડોલી પોલીસ સ્ટેશનમાં તેમના પાસપોર્ટ ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે તેમણે સુરત પાસપોર્ટ ઓફિસમાંથી નવા પાસપોર્ટ મેળવી લીધા હતા.

સુરતના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એન પી ગોહિલે ઇન્ડિયન એકસપ્રેસને જણાવ્યું હતું કે સુરત પોલીસે તેમના નવા પાસપોર્ટ જપ્ત કરી લીધા છે, જેના આધારે તેઓ વિદેશ ગયા હતા.

ફરિયાદના આધારે ડિડોલી પોલીસે ગુરુવારે મોટા વરાછામાં આવેલા તેમના નિવાસસ્થાનેથી દંપતીને ઝડપી લીધા હતા. ત્યારબાદ તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા.

ડિડોલી પોલીસ ઇન્સ્પેકટર પી એલ વાઘેલાએ જણાવ્યું હતું કે આરોપી દંપતી સામે વિવિધ કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે આ રેકેટમાં અન્ય કોણ સંડોાયેલું છે અને નવા પાસપોર્ટ કેવી રીતે મેળવ્યા તે અંગે તપાસ કરવામાં આવશે.

(4:00 PM IST)