<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

રાજકોટના સાગરને ભચાઉમાં ભાવેશ-અજયએ પતાવી દીધો

રામનાથપરામાં પરિવાર સાથે રહી ફુલ વેંચતો ૨૩ વર્ષનો યુવાન ૮મીએ આયુષ્‍યમાન કાર્ડ કઢાવવા, આધારકાર્ડ પાનકાર્ડ લિંક કરાવવા ભચાઉ ગયો ત્‍યારે મામાના ઘરે લઇ જવા બાબતે ખોટુ બોલી બે શખ્‍સોએ પોતાના ઘરે લઇ જઇ બાંધીને ધોકા-પાઇપથી ફટકાર્યો હતોઃ નવ દિવસની સારવાર બાદ મોત : સારવાર દરમિયાન સાગરે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયોઃ ભચાઉ પોલીસે આરોપીઓને દબોચી લીધાઃ આરોપીના ઘરની મહિલા સાથે સાગરને આડાસંબંધ હોવાની શંકા રાખી હત્‍યા કરાયાનું ખુલ્‍યું: યુવાન દિકરાની હત્‍યાથી દેવીપૂજક પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૧૭: મુળ ભચાઉના અને હાલ રાજકોટ રામનાથપરામાં રહેતાં ૨૩ વર્ષના દેવીપૂજક યુવાન સાગરનું તે નવ દિવસ પહેલા ભચાઉ આયુષ્‍યમાન કાર્ડ કઢાવવા ગયો ત્‍યારે ત્‍યાંના બે ભાઇઓએ અપહરણ કરી પોતાની ઘરે લઇ જઇ બાંધીને ધોકા-પાઇપથી બેફામ માર માર્યો હતો. આડાસંબંધની શંકા રાખી આ હુમલો કરાયો હતો. ગંભીર હાલતમાં સાગર રાજકોટ સારવાર હેઠળ હોઇ તેનું મોડી રાતે મોત થતાં બનાવ હત્‍યામાં પરિણમતા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

આ બનાવમાં ભચાઉ પોલીસે હત્‍યાનો ભોગ બનેલા સાગર વજુભાઇ હુડીયા (ઉ.વ.૨૩)ના પિતા હાલ રાજકોટ રામનાથપરામાં રહેતાં અને સ્‍મશાન નજીક ફુલ વેંચી ગુજરાન ચલાવતાં મુળ મચાઉના વજુભાઇ મગનભાઇ હુડીયા (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી ભચાઉ મદીના નગરમાં રહેતાં ભાવેશ ચતુરભાઇ દેવીપૂજક અને અજય ચતુરભાઇ દેવીપૂજક વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન સવારે સાગરનું રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં મોત નિપજતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે.     હત્‍યાનો ભોગ બનનાર સાગરને હુમલાખોર ભાઇઓના પરિવારની કોઇ મહિલા સાથે આડાસંબંધ હોવાની શંકાએ આ હત્‍યા થઇ હોવાનું તપાસમાં ખુલ્‍યુ છે. પોલીસે આરોપીઓને દબોચી લીધા છે.

વજુભાઈ હુડીયાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મુળ ભચાઉનો વતની છું અને હાલ રાજકોટ રામનાથપરામાં રહી ફુલ વેંચી ગુજરાન ચલાવુ છું. મારી સાથે મારા પત્‍નિ શારદા અને ચાર દિકરા રહે છે. જેમાં મોટો અનિલ, તેનાથી નાનો સાગર અને સોૈથી નાનો જયેશ છે. જેમાં મોટા દિકરાના લગ્ન થઇ ગયા છે. બાકીના ત્રણ કુંવારા છે.

ગઈ તારીખ ૮/૪ના બપોરના આશરે ત્રણેક વાગ્‍યાના અરસામાં મારો દિકરો સાગર આયુષ્‍યમાન કઢાવવા તથા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવવા માટે રાજકોટથી ભચાઉ ગયેલ હતો. બાદ બીજા દિવસે તા. ૯/૪ના રોજ ભચાઉથી અમારા સંબંધી દીપકભાઈ વેજુભાઈ દેવીપુજકનો મને ફોન આવેલ અને મને જાણ કરેલ કે તમારા દીકરા સાગરને ભાવેશ ચતુર અને અજ્‍ય ચતુર તેના મામાના ઘરે લઈ જવાનું કહીનં તેમના ઘરે મદિનાનગર લઈ ગયા હતાં  અને બંનેએ તમારા દિકરાને ખુબ માર માર્યો છે.

દીપકભાઇએ આ વાતની મને જાણ કરતાં હું રાજકોટથી ભચાઉ ગયેલ અને મારો દીકરો અનિલ ધાંગધ્રાથી ભચાઉ  આવ્‍યો હતો. આ દરમિયાન મારા સંબંધી સુરેશભાઈ ગોવિંદ ભાઈ દેવીપુજક મારા દીકરાને લઈને બસ સ્‍ટેશન આવેલ હતા. જ્‍યાં મેં જોયું તો મારા દીકરાને બંને  સાથળમાં,  બંને પગમાં, બંને હાથમાં તથા વાસામાં કેડના ભાગે તથા પેટના ભાગે મારના નિશાન હતાં. મેં તેને પુછતાં તેણે પોતાને લોખંડના પાઇપ, લાકડાના ધોકાથી મારકુટ થયાનું કહ્યું હતું.

દિકાર સાગરને આખા શરીરે ચાઠા પડી ગયેલા હોઇ હું અને સુરેશભાઇ તેને ભચાઉ સરકારી દવાખાને લઇ ગયા હતાં. જ્‍યાં અમે પોલીસને નિવેદન લખાવેલ કે અમે પછી ફરિયાદ કરવા આવશું. ત્‍યારબાદ અમે ભચાઉ ખાતે નિવેદન લખાવી દીધુ હતું.  બાદમાં મારા દિકરા સાગરને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્‍પિટલમાં લઈ આવેલ હતો અને મારા દીકરા રાજકોટ સરકારી હોસ્‍પિટલ આઇસીયુ વોર્ડમાં દાખલ કરાયો હતો. તે કંઇ બોલી શકતો નહોતો. બનાવને ઘણા દિવસો થઇ ગયા હોઇ મારા સંબંધીઓએ ફરિયાદ કરવાનું કહેતાં મેં ગઇકાલે ગુરૂવારે ફરિયાદ દાખલ કરાવી હતી. એ દરમિયાન મોડી રાતે મારા દિકરાનું મૃત્‍યુ થયું હતું. તેમ વધુમાં વજુભાઇએ જણાવતાં ભચાઉ પોલીસે તેની ફરિયાદ પરથી ભાવેશ અને અજય વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી હતી.

આ ઘટનામાં કારણ એવુ છે કે  સાગર રાજકોટથી ભચાઉ આયુષ્‍યમાન કાર્ડના કામ માટે ગયો ત્‍યારે તેના પર ભાવેશ અને અજયએ પોતાના ઘરનીસ્ત્રી સાથે સાગરને આડાસંબંધ છે અને તે તેણીને મળવા આવ્‍યો છે એવી શંકા કરી મામાના ઘરે લઇ જવાનું બહાનું કરી ભાવેશ અને અજયએ તેને પોતાના ઘરે લઇ જઇ બાંધીને બેફામ માર માર્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. હત્‍યાની કલમનો ઉમેરો કરી ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હત્‍યાનો ભોગ બનનાર સાગર પણ રાજકોટમાં પિતા સાથે ફુલનો ધંધો કરતો હતો. 

(3:52 PM IST)