News of Saturday, 2nd May 2026
નાના મવા ભીમનગરના સ્ક્રેપના વેપારી કિશોરભાઇ દુલેરા સાથે બંગાળી વિવેક સેનની ૧૮ લાખની ઠગાઇ
મિત્ર મારફત બંગાળના વેપારી સાથે ઓળખ થતાં કિશોરભાઇએ મેટલ ખરીદવા ૨૪ લાખ ચુકવ્યાઃ પરંતુ વિવેકે માલ ન મોકલ્યોઃ રૂબરૂ જતાં ૪ લાખ પાછા દીધાઃ બાકીની રકમ ન ચુકવતાં માલવીયાનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨: શહેરમાં છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના નાના મૌવા કાલાવડ રોડ પર આવેલી ભીમનગર શેરીમાં રહેતા અને મવડી પ્લોટ વિસ્તારમાં મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ નામે સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી સાથે ૧૮,૦૦,૪૦૦ ની છેતરપિંડી આચરતાં પોલીસને જાણ કરાઇ છે. આ બનાવમાં માલવીયાનગર પોલીસે નાના મવા રોડ ભીમનગર-૬માં રહેતાં કિશોરભાઇ હાજાભાઇ દુલેરા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી વેસ્ટ બંગાળના જીટી રોડ નોર્થ સલકીયા ખાતે રહેતાં વીએસ એન્ટરપ્રાઇઝના સંચાલક વિવેક સેન વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ફરિયાદની વિગત મુજબ આશરે ત્રણ વર્ષ પહેલા કિશોરભાઈના મિત્ર નીતિનભાઈ દવેએ તેમને પヘમિ બંગાળમાં વીએસ એન્ટરપ્રાઇઝ નામે સ્ક્રેપનો ધંધો કરતા વિવેક સેનનો સંપર્ક કરાવ્યો હતો. શરૂઆતમાં બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી અને બાદમાં વિવેક સેને રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે રૂબરૂ મુલાકાત કરી ધંધાકીય સંબંધો મજબૂત કર્યા હતા. શરૂઆતના તબક્કે જાન્યુઆરીથી મે ૨૦૨૫ દરમિયાન લાખો રૂપિયાના મેટલના સોદા થયા હતા, જેમાં માલ સમયસર મળી જતાં ફરિયાદીને વિવેક પર પુરો વિશ્વાસ બેસી ગયો હતો.
ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૨૫માં જ્યારે કિશોરભાઈને વધુ મેટલની જરૂરિયાત ઊભી થઈ, ત્યારે તેમણે વિવેક સેન પાસે બે અલગ-અલગ ઓર્ડર નોંધાવ્યા હતા. જેમાં તા. ૧૨/૦૯/૨૦૨૫ ના રોજ ૩૪ ટન અને તા. ૧૫/૦૯/૨૦૨૫ ના રોજ ૩૦ ટન કાસ્ટ આયર્ન (કાંડી) મંગાવેલ હતું. આ સોદા પેટે કિશોરભાઇએ બેંક ટ્રાન્સફર, આંગડિયા મારફતે અને રાયપુર ખાતે હાજર પોતાના મહેતાજી સાગરભાઈ સોલંકી મારફતે નક્કી કરેલા રૂપિયાની ચુકવણી કરી હતી. આરોપી વિવેક સેને વિશ્વાસ જીતવા માટે ગાડી ભરાઈ ગઈ હોવાના ખોટા બીલ અને ઇ-વે બીલ વ્હોટ્સએપ પર મોકલી આપ્યા હતા.
રૂપિયાની પુરેપુરી ચુકવણી થઈ ગયા બાદ પણ જ્યારે મેટલ ભરેલી ગાડીઓ રાજકોટ ન પહોંચી ત્યારે કિશોરભાઈએ તપાસ કરી હતી. આ દરમિયાન તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો કે ગાડીઓના ઇ-વે બીલ કેન્સલ કરી નાખવામાં આવ્યા છે. આથી તેમને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. બાદમાં કિશોરભાઇએ હાવડા ખાતે જઈ વિવેક સેન સાથે બેઠક કરી હતી. તે સમયે વિવેકએ પોતાની ભૂલ સ્વીકારી કુલ નીકળતા રૂા. ૨૨,૦૦,૪૦૦ માંથી માત્ર રૂપિયા ૪ લાખ પરત કર્યા હતા. બાકીના રૂપિયા ૧૮,૦૦,૪૦૦ આપ્યા નહોતાં. કિશોરભાઇ દુલેરાએ પોતાની આ લેણી રકમની વારંવાર ઉઘરાણી કરવા છતાં વિવેકએ નાણાં પરત આપ્યા નહોતાં. છેલ્લે આપી ફોન બંધ કરી દેતા અંતે માલવિયાનગર પોલીસને જાણ કરાઇ હતી. પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં હેડકોન્સ. કુલદીપસિંહ ગોહિલે ગુનો દાખલ કરતાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
(4:15 PM IST)










