News of Tuesday, 27th October 2026
સામાન્ય બાબતમાં નરેન્દ્રબાપુ ઉપર હુમલો, બાપુનું પણ ઉગ્ર સ્વરૂપ
ચોટીલાના આપાગીગા ઓટલાના મહંત સાથેના બનાવથી ચકચાર : ટેકેદારો ઉમટી પડતાં મામલો ગરમાયો : યુવકે નરેન્દ્રબાપુના પગે પડી માફી માગી, બાપુએ મોટું મન રાખી માફી આપી

રાજકોટ : ચોટીલાના આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્રબાપુ સાથે ગત રાત્રિના સમયે બનેલી એક ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. સામાન્ય બાબતને લઈને થયેલી બોલાચાલી દરમિયાન એક યુવકે નરેન્દ્રબાપુને લાફો મારી ધક્કો મારતાં તેઓ નીચે પડી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. વળતા જવાબમાં નરેન્દ્રબાપુએ પણ ધોકા વડે આ યુવકને પ્રસાદી ચખાડી હતી. આ ઘટનાની જાણ થતાં જ નરેન્દ્રબાપુના ટેકેદારો અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા, જેના પગલે સમગ્ર મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, બાદમાં યુવકે પોતાની ભૂલ સ્વીકારી નરેન્દ્રબાપુના પગે પડી માફી માગતાં અને નરેન્દ્ર બાપુએ પણ મોટું મન રાખીને તેને માફ કરી દેતાં મામલો થાળે પડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રિના સમયે સામાન્ય બાબતને લઈને નરેન્દ્રબાપુ અને એક યુવક વચ્ચેનો મામલો વણસ્યો હતો. ઉગ્ર બનેલા યુવકે નરેન્દ્રબાપુને લાફો મારી ધક્કો માર્યો હતો, જેના કારણે તેઓ નીચે પડી ગયા હતા. મહંત નરેન્દ્રબાપુ સાથે બનેલી આ ઘટનાની જાણ તેમના અનુયાયીઓ અને જ્ઞાતિજનો સુધી પહોંચતાં જ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થવા લાગ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે સ્થળ પર વાતાવરણ ગરમાયું હતું અને મામલો ઉગ્ર બન્યો હતો.
નરેન્દ્રબાપુ સાથે બનેલી ઘટનાને પગલે તેમના ટેકેદારોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં મામલો વધુ વણસે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. દરમિયાન યુવકને પણ પોતાની હરકતની ગંભીરતાનો અહેસાસ થતાં તેણે નરેન્દ્રબાપુ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી હતી. યુવકે નરેન્દ્રબાપુના પગે પડી માફી માગી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ ફરી કયારેય નહીં કરે તેમજ કોઈની સાથે આવું વર્તન નહીં કરે તેવી ખાતરી આપી હતી.
યુવકે પોતાની ભૂલ સ્વીકારી માફી માગતાં નરેન્દ્ર બાપુએ પણ ઉદારતા દાખવી હતી. તેમણે યુવકને માફી આપી મામલાનો અંત લાવવાનો અભિગમ અપનાવ્યો હતો. એક તરફ સામાન્ય બાબતમાંથી શરૂ થયેલો વિવાદ ઉગ્ર બન્યો હતો, તો બીજી તરફ યુવક દ્વારા માફી માગવામાં આવતાં અને નરેન્દ્રબાપુએ તેને માફ કરી દેતાં મામલો શાંત પડ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં સામાન્ય બાબતમાંથી સર્જાયેલી પરિસ્થિતિએ થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, અંતે યુવક દ્વારા પોતાની ભૂલનો સ્વીકાર અને નરેન્દ્રબાપુ દ્વારા ક્ષમાભાવ દાખવવામાં આવતાં વિવાદનો સુખદ અંત આવ્યો હતો. બનાવને પગલે ચોટીલા સહિતના વિસ્તારોમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. (૩૬.ર)
(11:30 AM IST)










