News of Saturday, 3rd October 2026
અરવિંદભાઈ મણીઆરની ૯૪મી જન્મજયંતી : અંકિત ત્રિવેદીની શબ્દ-સૂર-સંવેદનાસભર સંગીતસંધ્યા
૫ ઓકટોબર, સોમવારની સાંજ બનશે સંગીત, સાહિત્ય અને સંવેદનાનો ભવ્ય મહોત્સવ :પિતૃસેવામાં શ્રવણતુલ્ય , સેવા ભાવમાં વિરલ અને નાના માણસના સાચા સાથી એટલે અરવિંદભાઈ મણીઆર : કલ્પક મણીઆર : અરવિંદભાઈ મણીઆરની સ્મૃતિને સલામ, સેવા ભાવના સંકલ્પને પ્રણામ. આવો,અરવિંદભાઈ મણીઆરના જીવન મૂલ્યોને વંદન કરીએ અને સુર, શબ્દ તથા સંવેદનાથી ભરપૂર આ યાદગાર સાંજના સાક્ષી બનીએ : રાજકોટવાસીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવતા અરવિંદભાઈ મણીઆર : જન કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ ધ્રુવ તથા સમગ્ર આયોજક પરિવાર શ્રી અરવિંદભાઈ મણીઆર સાથે રહી દીર્ઘકાલીન સેવાઓ પ્રદાન કરેલ છે તેવા મહાનુભાવો પૂર્વ આરોગ્યમંત્રી આદરણીય શ્રી એ.કે. પટેલ, જાણીતા કટાર લેખક વિષ્ણુભાઈ પંડ્યા તેમજ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય મજદૂર સંઘના હસુભાઈ દવેનું સન્માન કરવામાં આવશે

રાજકોટ : આધુનિક રાજકોટના સ્વપ્નદ્રષ્ટા અને મૂલ્યોના માનવી સ્વ. અરવિંદભાઈ મણીઆરની ૯૪મી જન્મજયંતી નિમિત્તે ૫ ઓકટોબર, સોમવારે રાત્રે ૯ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે જાણીતા કવિ અંકિત ત્રિવેદીના સૂરે 'સૂરનું સરનામું' નામે સંગીતસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
ટ્રસ્ટના ટ્રસ્ટી તથા પ્રદેશ ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ''જ્યારે કોઈ વ્યકિત સત્તા કે હોદ્દાથી પર થઈને લોકોના દિલ પર રાજ કરે છે, ત્યારે સમય પણ તેને નમન કરે છે.'' અરવિંદભાઈ મણીઆરે પોતાના જીવનના માત્ર ૫૦ વર્ષમાં રાજકોટ અને સમાજ માટે જે અમૂલ્ય યોગદાન આપ્યું તે આજે પણ પ્રેરણારૃપ છે.
તેમણે લખ્યું છે કે, અરવિંદભાઈનું જીવન સોના જેવું હતું જે અગ્નિમાં તપીને જ નિખરે. સંસ્કાર, પુણ્ય અને પ્રચંડ ઈચ્છાશકિતએ તેમને ઘડ્યા. તેમના જીવનમાં શરીર, મન, બુદ્ધિ અને આત્માનો એવો લય હતો જેવો સંગીતમાં સૂર અને તાલનો હોય. તેઓ દરેક કામ હર ક્ષણે ઝીણવટથી કરતા. નાનામાં નાની બાબતને પણ તેઓ એટલી જ ગંભીરતાથી લેતા જેટલી મોટી બાબતને. મેયર તરીકે તેમણે આખા રાજકોટને પોતાનું ઘર માન્યું. છેવાડાના માણસ માટે હુડકોના ઘર બનાવ્યા, ભૂગર્ભ ગટર લાવ્યા, સુંદર રસ્તા અને બગીચા આપ્યા. ઓછા વેરા છતાં દરેક નાગરિકને સંતોષ મળે એવું શાસન તેમણે આપ્યું. સહકારના ક્ષેત્રે પ્રણેતા તરીકે તેમનું નામ ઈતિહાસમાં લખાયું. રાજકોટ નાગરિક સહકારી બેંકને તેમણે એવી ઊંચાઈએ પહોંચાડી કે તે ભારત અને એશિયામાં નામના પામી. ''નાના માણસો માટે મોટી બેંક'' - આ ભાવ તેમણે લોકોના દિલમાં વસાવ્યો.
આજે ૪૨-૪૩વર્ષ પછી પણ અરવિંદભાઈ મણીઆર પરોક્ષ રીતે તેમના સેવાકાર્યો ની સુવાસ સાથે આપણી વચ્ચે છે. તેમનો દેહ ગયો, પણ તેમના વિચારો, સંસ્કાર અને સેવાનો વારસો આજે પણ જીવે છે. કારણ કે મહાન લોકો મરતા નથી, તેઓ ખુદ એક સંસ્થા બની જાય છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું કે, શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ માત્ર જન્મજયંતીના એક દિવસ પૂરતું કાર્યરત નથી. વર્ષ ૧૯૮૪-૮૫ની આસપાસ સ્થાપિત થયેલું આ ટ્રસ્ટ ચાર દાયકાથી વધુ સમયથી સતત સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા સમાજ ઉત્કર્ષ માટે વિવિધ નિઃસ્વાર્થ અને નિઃશુલ્ક સેવાકીય પ્રકલ્પો ચલાવવામાં આવે છે, જેમાં સેવાભાવી નાગરિકો સ્વયંસેવક તરીકે જોડાઈ શકે છે.
જન્મજયંતીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્ય અને સંગીત જગતના જાણીતા કવિ, લેખક, કટારલેખક અને ઉદઘોષક 'અંકિત ત્રિવેદી' પોતાની વિશિષ્ટ રજૂઆત સાથે ઉપસ્થિત રહેશે. તેમની કવિતા, ગઝલ, ગીત અને વકતૃત્વની રસસભર રજૂઆત સાથે આ સાંજ સૂર, શબ્દ અને સંવેદનાનો અનોખો સંગમ બનશે.
અધ્યક્ષ સ્થાને તરીકે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, મુખ્ય મહેમાન પદે મેયર ડૉ. નેહલ શુકલ તથા શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, અતિથિ વિશેષ તરીકે કલેકટર ઓમપ્રકાશ, પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, આર.એમ સી કમિશનર તુષાર સુમેરા તથા જ્યોતિ સી.એન.સી ના ચેરમેન પરાક્રમસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં જેમણે શ્રી અરવિંદભાઈ મણીઆર સાથે રહી દીર્ઘકાલીન સમાજસેવા પ્રદાન કરેલ છે તેવા આદરણીય મહાનુભાવો પૂર્વ આરોગ્યમંત્રી શ્રી ડો. એ.કે. પટેલ જાણીતા કટારલેખક રાષ્ટ્રવાદી સાપ્તાહિક સાધનાના પૂર્વ તંત્રી સાહિત્યકાર શ્રી વિષ્ણુભાઈ પંડ્યા તેમજ શ્રમજીવીઓ-મજદૂરો માટે જીવન સમર્પિત કરનાર, ભારતીય મજદૂરસંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હસુભાઈ દવેનું સન્માન કરવામાં આવશે.
આ સુમધુર સંગીત સંધ્યા માટે''હંમેશની હૂંફ'' એવા પેલિકન ગ્રુપની શુભેચ્છાઓ મળેલ છે.
૫ ઓકટોબરે રાત્રે ૯ કલાકે હેમુ ગઢવી હૉલ ખાતે 'સૂરનું સરનામું' સંગીત સભર કાર્યક્રમમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઈ કથીરિયા, ટ્રસ્ટીશ્રીઓ મહાસુખભાઈ શાહ, જ્યોતિન્દ્રભાઈ મહેતા, હંસિકાબેન મણીઆર, શિવુભાઈ દવે, રાજુભાઈ ધ્રુવ, કલ્પકભાઈ મણીઆર ઉપસ્થિત રહેશે.
તેમજ શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ પરિવાર દ્વારા રાજકોટના સંગીતપ્રેમી, સાહિત્યપ્રેમી અને સેવાભાવી નાગરિકોને હાર્દિક આમંત્રણ પાઠવતાં રાજુભાઇએ જણાવ્યું છે કે, ''આવો... અરવિંદભાઈ મણીઆરના જીવનમૂલ્યોને વંદન કરીએ અને સૂર, શબ્દ તથા સંવેદનાથી ભરપૂર આ યાદગાર રાત્રીના સાક્ષી બનીએ.
આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેકટ ઈનચાર્જ નિલેશભાઈ શાહ, કમલેશભાઈ મહેતા, જાહ્નવીબેન લાખાણી તથા કાર્યવાહક મંડળના તમામ સભ્યશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
(2:34 PM IST)










