<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

શાપરમાં લવમેરેજ કરનાર અંજલીએ ઝેર પીધું, પતિ સુનિલ રાજકોટ હોસ્‍પિટલે એસિડ પી ગયો

મુળ યુપીની યુવતિના લગ્નનો અલગ રહેતાં પિતાએ વાંધો ઉઠાવતાં પગલું: સુનિલને પણ ફોન પર સસરાએ ધમકાવતાં તે પત્‍નિને હોસ્‍પિટલમાં મુકી બહારથી એસિડ લાવી પી ગયો!

રાજકોટ તા. ૨૩: શાપર વેરાવળમાં શીતળા માતાના મંદિર પાસે રહેતી અંજલી સુનિલ સોલંકી (ઉ.વ.૧૯) નામની નવોઢાએ ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે. અહિ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં તેણીનો પતિ સુનિલ દિલીપભાઇ સોલંકી (ઉ.વ.૨૫) પણ સાંજે સાડા આઠેક વાગ્‍યે એસિડ પી જતાં તેને પણ સારવાર માટે દાખલ કરાયો છે.

અંજલીએ જણાવ્‍યું હતું કે હું એક ભાઇથી મોટી છું અને મારા મમ્‍મી, ભાઇ સાથે રહુ છું. મારા પિતા દેવરાજભાઇ અમને મુકીને અલગ રહેવા જતાં રહ્યા છે. એક મહિના પહેલા મારે શાપરના સુનિલ સોલંકી-દેવીપૂજક સાથે પ્રેમ થઇજતાં મારા મમ્‍મીએ રાજીખુશીથી લગ્ન કરવાની મંજુરી આપતાં અમે મંદિરમાં લગ્ન કર્યા છે. મારો પતિ સુનિલ કારખાનામાં મજૂરી કરે છે.

તેણીએ વધુમાં જણાવ્‍યું હતું કે અલગ રહતાં મારા પિતા ગઇકાલે અચાનક આવ્‍યા હતાં અને મારા પ્રેમલગ્ન બાબતે વાંધો ઉઠાવી મારી સાથે ઝઘડો કરી ગાળો દેતાં અને ધમકાવતાં મેં ઉંદર મારવાની દવા પી લીધી હતી. બાદમાં પતિ સુનિલ મને રાજકોટ હોસ્‍પિટલે લાવ્‍યો હતો. અહિ મારા પતિને પણ મારા પિતા ફોન કરીને લગ્ન તોડી નાંખવાનું કહી સતત ધમકાવતાં હોઇ મારા પતિએ પણ હોસ્‍પિટલ બહારથી ક્‍યાંકથી એસિડ લાવી હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં પી લીધુ હતું.

સુનિલ ચાર ભાઇ અને બે બહેનમાં વચેટ છે. તેણે કહ્યું હતું કે મેં અંજલી સાથે એક મહિના પહેલા લગ્ન કર્યા છે. સસરા મને ફોન કરી ધમકાવતાં હોઇ જેથી હું પણ એસિડ પી ગયો હતો. આ અંગે શાપર અને પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

(2:13 PM IST)