News of Tuesday, 29th September 2026
રાજકોટ જિલ્લા દૂધ સંઘની ૬૬મી સભામાં પશુપાલકો પર નાણાંનો વરસાદ : ૮૦ કરોડ પરત અપાશે
ટર્નઓવર ૧૧૮૯ કરોડ, નફો ૯૦ કરોડ, કિલો ફેટે રૂ. ૮૪ લેખે ૭૫ કરોડનો અંતિમ ભાવ ચૂકવાશે : ગોરધનભાઈ ધામેલિયાની જાહેરાત

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૯: રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ની ૬૬મી વાર્ષિક સાધારણ સભા જામકંડોરણા ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ વર્ષ ૨૦૨૫-૨૬નો અહેવાલ રજૂ કર્યો હતો.
સંઘની સિદ્ધિઓઃ ટર્નઓવર ૧૧૮૯ કરોડે પહોંચ્યું
ચેરમેન ધામેલીયાએ જણાવ્યું કે, આ વર્ષે સંઘનું ટર્નઓવર રૂ. ૧૧૮૯ કરોડ થયું છે, જે ગત વર્ષ કરતા ૪% વધુ છે. સંઘનો કાચો નફો રૂ. ૯૦ કરોડ થયો છે, જેમાંથી પશુપાલકોને ભાવફેર અને ઇન્કમટેક્ષની જોગવાઈ બાદ ચોખ્ખો નફો રૂ. ૧૧.૪૮ કરોડ થયો છે. સંઘે રોજનું સરેરાશ ૪.૨૯ લાખ લીટર દૂધ ૭૬૧ મંડળીઓમાંથી સંપાદન કર્યું છે.
પશુપાલકોને ઐતિહાસિક ભાવફેર
પશુપાલકો માટે સૌથી મોટી જાહેરાત કરતા ધામેલીયાએ જણાવ્યું કે, દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે રૂ. ૮૪ લેખે કુલ રૂ. ૭૫ કરોડની ઐતિહાસિક અંતિમ ભાવની રકમ ચૂકવાશે, જે ગત વર્ષ કરતા પ્રતિ કિલો ફેટે ૨૯% વધુ છે. આ વર્ષે સંઘે સરેરાશ કિલો ફેટે રૂ. ૯૩૫ નો ભાવ ચૂકવ્યો છે, જે ગત વર્ષ કરતા રૂ. ૬૪ વધુ છે. ખાસ વાત એ છે કે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ૭૫૪ મંડળીઓના ૫૨,૮૧૨ દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં સીધા જ આ રકમ જમા કરવાની પહેલ રાજકોટ સંઘે કરી છે.
મંડળીઓને ૨૦% ડિવિડન્ડ
સભાસદ મંડળીઓને ૨૦% લેખે રૂ. ૫.૭૧ કરોડનું શેર ડિવિડન્ડ ચૂકવાશે. આમ કુલ મળીને દૂધ ઉત્પાદકો અને મંડળીઓને નફામાંથી રૂ. ૮૦.૭૧ કરોડ પરત અપાશે.
દૂધ અને બનાવટોના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ દહીંમાં ૧૩%, ગોપાલ ઘીમાં ૨૧%, છાશમાં ૪% અને અમૂલ દૂધમાં ૩% નો વધારો થયો છે. સંઘે ગોપાલ ઘીની ૧૦ કિલોની બકેટ પણ માર્કેટમાં લોન્ચ કરી છે.
પશુપાલકો માટેની સેવાઓ અને વિમો
સંઘે પશુ સંવર્ધન, સારવાર પાછળ રૂ. ૪.૭૨ કરોડનો ખર્ચ કર્યો છે. ૪૪૭૦ માદા બચ્ચા ઉછેર પાછળ ૨.૯૦ કરોડ, વંધ્યત્વ નિવારણમાં ૪૭૨૦ પશુ ગાભણ કરાવી ૧.૩૩ કરોડની સહાય અપાઈ છે. સંઘે ૩૭ હજાર ઉત્પાદકો માટે ૧૦ લાખનો અકસ્માત વિમો લીધો હતો, જેમાં ૮ પરિવારોને ૭૦ લાખ ચૂકવાયા છે. આ વર્ષે પણ ૧૦ લાખનું વિમા કવચ ચાલુ રહેશે.
ભાવિ આયોજન
ઈન્ચાર્જ MD જયકિશન ગાબરાએ જણાવ્યું કે, આગામી વર્ષે રાજ્ય સરકારની સહાયથી ૨ ટનનો પનીર પ્લાન્ટ, ૬૦ ટનની દહીં અને ૧૪ ટનની ઘી ઉત્પાદન ક્ષમતા વધારવાનું આયોજન છે. ૩૦૦૦ થી વધુ વસ્તીવાળા ગામોમાં નવી એજન્સીઓ શરૂ કરાશે.
આ પ્રસંગે બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યમંત્રી કાંતિભાઈ અમળતિયા, અજયભાઈ પટેલ, સાંસદ પરસોતમ રૂપાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
(3:47 PM IST)










