News of Friday, 31st July 2026
ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા ગોંડલ તાલુકા સેવાસદનની ઓચિંતી મુલાકાત : ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની હાથ ધરાઈ સઘન સમીક્ષા
આગામી ૨૪થી ૪૮ કલાક અત્યંત મહત્વપૂર્ણ હોઈ 'ઝીરો કેઝ્યુઅલ્ટી'ના લક્ષ્ય સાથે તાલુકા તંત્રને સતર્ક રહેવા કડક આદેશ : નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટરની ખાસ અપીલ

રાજકોટ : રાજકોટ જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે આજે ગોંડલ તાલુકા સેવાસદનની અચાનક મુલાકાત લીધી હતી. કલેક્ટરે વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાથ ધરવામાં આવેલી તમામ પૂર્વતૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમણે ઉપસ્થિત તમામ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને કડક સૂચનાઓ આપી હતી.
જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે સૌપ્રથમ તાલુકા સેવાસદન ખાતે કાર્યરત રેવન્યુ તલાટી કચેરીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ગોંડલ ગ્રામ્ય તલાટી ગ્રુપના 'એપેન્ડિક્સ-એ' રજિસ્ટરની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી તથા ગ્રામ દફતરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સરકારી કાગળોની જાળવણી, કામગીરીની ગુણવત્તા અને રેકોર્ડ વ્યવસ્થાપન સંદર્ભે સ્થાનિક કર્મચારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
હવામાન વિભાગની અતિભારે વરસાદની ચેતવણીને પગલે કલેક્ટરે સેવાસદનમાં કાર્યરત વિશેષ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ લાયઝન અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બચાવ અને રાહત વ્યવસ્થા, સંચાર વ્યવસ્થા તેમજ વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન અંગે વિગતવાર મેળવેલી માહિતીના આધારે તેમણે તમામ અધિકારીઓને એલર્ટ મોડ પર રહીને કોઈપણ કટોકટીમાં તાત્કાલિક પગલાં ભરવા આદેશ આપ્યા હતા.
કલેક્ટર ડો. ઓમ પ્રકાશે સ્ટાફને સંબોધતાં જણાવ્યું હતું કે, સંભવિત વરસાદની આગાહી સંદર્ભે આગામી ૨૪થી ૪૮ કલાક અત્યંત મહત્વપૂર્ણ છે. વહીવટી તંત્ર દ્વારા 'ઝીરો કેઝ્યુઅલ્ટી'ના લક્ષ્યાંક સાથે માનવજીવન અને સંપત્તિનું રક્ષણ કરવા માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સાથે જ કોઈપણ અનિચ્છનીય ઘટનાથી બચવા નાગરિકોને પણ વરસાદ દરમિયાન બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
(7:55 PM IST)










