<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ત્રણ વખત સમજાવ્‍યો છતાં નાજીરની બહેનને મેસેજ કરતો'તોઃ કલાક સુધી ફટકારી ઉમંગને પતાવી દીધો: જુઓ વિડિયો

કલરકામ કરતો ૨૩ વર્ષનો ઉમંગ જાખેલીયા કુંવારો હતોઃ મિત્ર નાજીરની બહેન સાથે સોશિયલ મિડીયામાં વાત કરતો હોઇ નાજીરે કાવત્રુ ઘડી ચા પીવાના બહાને ભગવતીપરામાં લઇ જઇ ચા પાઇ, પછી મોરબી રોડ સીટી સ્‍ટેશન પાસે લઇ જઇ મારકુટ ચાલુ કરી પાઇપથી બેફામ માર મારતાં ઉમંગ બેભાન થઇ જતાં આસીફ સહિત બે ટુવ્‍હીલર પર બેસાડી તેના ઘર પાસે ફેંકી ભાગી ગયાઃ ઉમંગે હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પ્ર.નગર પીઆઇ એમ. ડી. મકવાણા અને ટીમે નાજીર ઉર્ફે ઘેટી નગામણા, આસીફ ઉર્ફે ગુલામહુશેન કકલ, સુજલ રામાવત અને એક સગીરને સકંજામાં લઇ કાર્યવાહી કરી

ઉમંગ જાખેલીયાનો નિષ્‍પ્રાણ દેહ અને ફાઇલ ફોટો (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) :  હત્‍યા કરનારા આરોપીઓ

બપોરે અઢી વાગ્‍યે નાજીર દિકરા ઉમંગને ચા પીવા લઇ જતાં માતા ભાનુબેને પતિને જાણ કરીઃ પતિ રણજીભાઇએ નાના દિકરા વિકાસને તપાસ કરવાનું કહેતાં વિકાસને ખબર પડી કે ભાઇ ઉમંગ સહિતના ભગવતીપરા રોડની દેવકીનંદન હોટલે ચા પીવે છેઃ સાંજે સવા પાંચેક વાગ્‍યે ઉમંગને કાકાના દિકરા વિજયની દુકાન પાસે ફેંકી દેવાયોઃ હત્‍યા પહેલા નાજીર ઉર્ફે ઘેટીએ વિજયની દુકાને જ સિગારેટ પીધી હતી

રાજકોટ તા. ૨૮: હત્‍યાની વધુ એક ઘટનામાં રૂખડીયા કોલોનીમાં રહેતાં અને કલર કામ કરતાં ૨૩ વર્ષના ઉમંગ નામના યુવાનને તેના જ વિસ્‍તારમાં રહેતાં મિત્ર નાજીરે કાવત્રુ ઘડી ચા પીવાના બહાને ટુવ્‍હીલરમાં બેસાડી મોરબી રોડ જુના સીટી સ્‍ટેશન પાસે અવાવરૂ પટમાં લઇ જઇ પાઇપ-બોથડ પદાર્થના બેફામ ફટકા મારી બેભાન કરી નાંખી તેના જ ઘર પાસે ફેંકી દેતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. હત્‍યાની આ ઘટનામાં પોલીસે ચાર આરોપીઓને  સકંજામાં લીધા છે. હત્‍યાનો ભોગ બનનાર ઉમંગ મિત્ર નાજીરની બહેન સાથે ઇન્‍સ્‍ટાગ્રામમાં વાતો કરતો હોઇ નાજીરને ખબર પડી જતાં તેને ત્રણ ત્રણ વખત સમજાવ્‍યો હતો, આમ છતાં સમજતો ન હોઇ કાવત્રુ ઘડી પતાવી દીધો હતો. એકાદ કલાક સુધી પાઇપના ફટકા ઉમંગને માર્યા હતાં. જે તેના માટે જીવલેણ નીવડયા હતાં.

આ બનાવવમાં પ્ર.નગર પોલીસે હત્‍યાનો ભોગ બનેલા રૂખડીયા કોલોની વાયરલેસ ઓફિસ પાસે ચામુંડા પાન નજીક રહેતાં ઉમંગ જાખેલીયા (કોળી) (ઉ.વ.૨૩)ના પિતા રણજીતભાઇ પુનાભાઇ જાખેલીયા (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી રૂખડીયાપરામાં જ રહેતાં નાજીર ઉર્ફે ઘેટી જુસબભાઇ નગામણા (ઉ.વ.૨૨, ધંધો મચ્‍છીનો, રહે. રૂખડીયાપરા ફાટક પાસે જગાભાઇની કેબીન નજીક) આશીફ ઉર્ફે ગુલામહુશેન ઓસમાણભાઇ કકલ (ઉ.વ.૨૩-ધંધો, ઢોસા બનાવવાનો, રહે. રૂખડીયાપરા ફાટક પાસે) અને સુજલ કાળુભાઇ રામાવત (ઉ.વ.૨૨-રહે. નરસંગપરા જુની કલેક્‍ટર કચેરી પાછળ) તથા અજાણ્‍યા સામે કાવત્રુ ઘડી ઉમંગને ઘરેથી ચા પીવાના બહાને બોલાવી જઇ મોરબી રોડ જુના સીટી સ્‍ટેશન પાસે લઇ જઇ પાઇપના બેફામ ઘા ફટકારી હત્‍યા કર્યાનો ગુનો નોંધ્‍યો છે. પ્ર.નગર ડી. સ્‍ટાફે આરોપીઓન દબોચી લઇ વિસ્‍તૃત પુછતાછ કરતાં ચોંકાવનારી વિગતો ખુલી હતી. 

રણજીતભાઇ જાખેલીયાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અન અને કલર કામની મજુરી કરૂ છુ. મારા પત્‍નિનું નામ ભાનુબેન છે. મારે સંતાનમાં બે દિકરા તથા બે દિકરીઓ છે. જેમાં સૌથી મોટી દિકરી કાજલબેન છે, હત્‍યાનો ભોગ બનનાર દિકરો ઉમંગ ૨૩ વર્ષનો હતો. તેનાથી નાની દિકરી ભુમીકા અને સૌથી નાનો દિકરો વિકાસ છે. ઉમંગ પણ મારી સાથે કલર કામ  કરતો હતો અને નાનો દિકરો પણ સાથે કામે આવે છે.

સોમવારે સવારે આશરે સાડા આઠેક વાગ્‍યે હું રેલ્‍વે હોસ્‍પીટલ રાજકોટ ખાતે કલર કામ કરવા માટે નીકળ્‍યો હતો અને મારા દિકરા ઉમંગ તથા વિકાસ કામ ઉપર આવ્‍યા નહોતા, તે ઘરે જ હતાં.  બપોરનાં આશરે અઢી વા ગ્‍યાના અરસામાં મારા પત્‍નિ ભાનુબેનનો મને ફોન આવેલ મને જણાવેલ કે આપણા લત્તામાં રહેતો નાજીર ઉર્ફે ઘેટી નગામણા આપણા ઘરે આવેલ હતો અને મને કહેલ કે ઉમંગને ચા પીવા લઇ જવો છે. તો મે કહેલ કે તમે કોણ કોણ ચા પીવા જાવ છો ? તો નાજીરે કહેલ કે હું તથા આશીફ તથા સુજલ બાવાજી તથા બીજો અમારો મિત્ર તથા ઉમંગ એમ બધા ચા પીવા જઇએ છીએ.

આ નાજીર ઉમંગને તેની સાથે લઇ ગયાની વાત મારા પત્‍નિએ મને કરી હતી. આથી મેં મારા દિકરા વિકાસને ફોન કરીને જણાવેલ કે નાજીર ઉમંગને કયાં લઇ ગયેલ છે ? તેની તપાસ કર. ત્‍યારબાદ  મારા દિકરા વિકાસનો થોડી વાર બાદ મને ફોન આવેલ અને  કહેલ કે નાજીર અને ઉમંગ ભગવતીપરા મેઇન રોડ ઉપર આવેલ દેવકી નંદન ચાની હોટલે ચા પીવે છે તેવી વાત મારે થઇ છે. આ પછી સાંજે સવા પાચેક વાગ્‍યે હું રેલ્‍વે હોસ્‍પીટલ ખાતે કલર કામ કરતો હતો તે દરમ્‍યાન મને મારા મોટા ભાઇ જગદિશભાઇના દિકરા વિજય કે જે અમારા ઘરની બાજુમાંજ રૂખડીયાપરામાં રહે છે તેનો ફોન આવ્‍યો હતો અને મને કહેલું કે આપણા લત્તામાં રહેતો આશીફ તથા એક અજાણ્‍યો માણસ બંને તમારા દિકરા ઉમંગને મારી દુકાન પાસે ફેકીને સફેદ રંગના એક્‍સેસ ટુવ્‍હીલર પર ભાગી ગયા છે અને ઉમંગ બેભાન હાલતમાં છે તમો ઘરે ઝડપથી આવો.

આ સાંભળતા જ હું  મારી પાસે રહેલી ઓટો રિક્ષા લઇને મારા ઘરે જવા નિકળેલ હતો અને મારા દિકરા ઉમંગને મારા ભાઇનો દિકરો વિજય તથા અમારા લતામાં રહેતો મોહસીન એક મોટરસાયકલમાં લઇને સેન્‍ટ્રલ જેલની પાસે સામે મળ્‍યા હતાં. આ વખતે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ પણ આવી ગઇ હતી. ઉમંગને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સમાં લઇને  અમે સિવિલ હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. આ વખતે મારો દિકરો ઉમંગ બેભાન હતો.

બાદ અમો હોસ્‍પીટલ ખાતે હતા તે વખતે મારા ભાઈનાં દિકરા વિજયએ મને જણાવેલ કે બપોરનાં આશરે અઢી વાગ્‍યાનાં અરસામાં હું મારી દુકાને હતો ત્‍યારે આપણા લત્તામાં રહેતો નાજીર ઉર્ફે ઘેટી મારી દુકાને આવેલ અને  સીગારેટ પીધેલ હતી અને બાદમાં નાજીર તમારા ઘરે જઇ ઉમંગને જગાડીને એકસેસ મોટર સાયકલમાં તેની સાથે લઇ ગયેલ હતો અને પાચેક વાગ્‍યા નાં અરસામાં હું તથા મારા પત્‍નિ વૈશાલીબેન અમારી કરીયાણાની દુકાને હતા ત્‍યારે આશીફ તથા એક અજાણ્‍યો માણસ તમારા દિકરા ઉમંગને મારી દુકાન પાસે સફેદ કલરની એકસેસ મોટર સાઇકલમાં લઇ આવીને ફેકીને જતાં રહેલ હતા. મારા દિકરાને સરકારી હોસ્‍પીટલમાં સારવારમાં દાખલ કરેલ ત્‍યારે મેં તપાસ કરતાં તેના આખા શરીરે માર મારવાથી લોહી ઉપસી ગયેલુ અને લાલ કાળા ચાંભા પડેલ જોવામા આવેલ હતા અને સારવાર દરમ્‍યાન સાંજનાં આશરે સાતેક વાગ્‍યાનાં અરસામા મારો દિકરો ઉમંગ ગુજરી ગયાનું ડોક્‍ટરે કહ્યું હતું. પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ કે. કે. ચાવડા, ઇમ્‍તિયાઝભાઇ, રવિભાઇ સહિતે ગુનો નોંધ્‍યો હતો. દરમિયાન હત્‍યાના ચારેય આરોપીઓને પ્ર.નગર પોલીસ મથકની ડી. સ્‍ટાફ ટીમે સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. મૃતદેહનું આજે સવારે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાયું હતું.

 પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ હત્‍યાનો ભોગ બનનાર ઉમંગ નાઝીરની બહેન સાથે ઇન્‍સ્‍ટાગ્રામમાં વાત કરતો હતો. આની વાત નાજીરને થઇ જતાં તેણે     તેને સમજાવ્‍યો હતો. પરંતુ તે સમજતો નહોતો. આથી નાજીરે તેને પાઠ ભણાવવાના ઇરાદે કાવત્રુ ઘડયું હતું અને ચા પીવાના બહાને એક્‍ેસેસ પર બેસાડી જુના મોરબી રોડ સીટી સ્‍ટેશન પાસે અવાવરૂ પટમાં લઇ જઇ બેફામ ફટકાર્યા બાદ બેભાન થઇ જતાં તેના ઘર પાસે ફેંકી દીધો હતો. જો કે તેનું મોત નિપજ્‍યું હતું. હત્‍યાના આરોપી નાજીરનો મોટો ભાઇ પણ મૃતક ઉમંગનો ખાસ મિત્ર હોઇ તે કારણે નાજીર સાથે પણ ઉમંગની મિત્રતા હતી. મુખ્‍ય આરોપી નાજીરે રટણ કર્યુ હતું કે ઉમંગ મારી બહેન સાથે ઇન્‍સ્‍ટાગ્રામમાં વાત કરતો હોઇ તેને ત્રણ વખત સમજાવ્‍યો હતો. છતાં સમજતો ન હોઇ અંતે તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યુ હતું. પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું કે એકાદ કલાક સુધી પાઇપથી ઉમંગને મારકુટ થઇ હતી. જે તેના માટે જીવલેણ બની ગઇ હતી.

પીઆઇ એમ. ડી. મકવાણા અને ડી. સ્‍ટાફ ટીમના પીએસઆઇ એસ. ડી. કોઠીવાર, એએસઆઇ ઇમ્‍તિયાઝભાઇ જુણાચ, હેડકોન્‍સ. ચાંપરાજભાઇ ખવડ, હરેશભાઇ સારદીયા, કોન્‍સ. તોૈફિકભાઇ જુણાચ, તોૈફિકભાઇ મંધરા સહિતની ટીમે આરોપીઓને દબોચી લેવા તજવીજ કરી હતી. એક આરોપીને ક્રાઇમ બ્રાંચે સકંજામાં લઇ પ્ર.નગરને સોંપ્‍યો હતો. આરોપીઓની વિધીવત ધરપકડ બાદ વિશેષ કાર્યવાહી કરવામાં આવશે.

(3:11 PM IST)