<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

રેલનગરના મહિલા આગેવાન પદ્મીનીબા વાળા અને ૪ શખ્‍સો સામે ફરજમાં રૂકાવટનો ગુનો : જુઓ વિડીયો

જામનગર રોડ પર આવેલા સાંઢીયા પૂલ ઉતરતાં એરપોર્ટ બગીચાના ચોક ખાતે બનાવઃ સેક્‍ટર-૪ના પીઆઇ સરોજબેન એમ. સોલંકીની ફરિયાદ : બેરીકેટ હટાવી લો, મને હાથ ન લગાવતાં કહી ચક્કાજામ કર્યાનો આરોપઃ અગાઉ ૧૬મીએ પણ માથાકુટ થઇ હતી

રાજકોટ તા. ૨૧:  શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલ ઉતરતાં એરપોર્ટ બગીચાના ચોક ખાતે ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરવા બદલ શહેરના રેલનગરના આમ આદમી પાર્ટીના  આગેવાન પદ્મીનીબા વાળા અને તેની સાથેના ચાર અજાણ્‍યા શખ્‍સો સામે ટ્રાફિક શાખાના મહિલા પીઆઇએ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાવ્‍યો છે.  પદ્મીનીબા વાળાએ અગાઉ ૧૬મી તારીખે પણ અહિ આવી જ રીતે બેરીકેટીંગ હટાવવા મામલે પોલીસ સાથે ચડભડ કરી બેરીકેટીંગ હટાવતાં ત્‍યારથી આ ચોકમાં ટ્રાફિક જામની સમસ્‍યા શરૂ થઇ હોઇ ગઇકાલે રવિવારે પોલીસે ફરી બેરીકેટીંગ કરતાં તેણે અને બીજા શખ્‍સોએ રોડ પર વાહનો રાખી દઇ વાહન વ્‍યવહાર અટકાવી દીધાનો આરોપ મુકાયો છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ટ્રાફિક શાખા સેક્‍ટર-૪ના પીઆઇ સરોજબેન મુળજીભાઇ સોલંકીની ફરિયાદ પરથી પદ્મીનીબા વાળા અને અજાણ્‍યા ૪ શખ્‍સો સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. પીઆઇ એસ. એમ. સોલંકીએ ફયિરાદમાં જણાવ્‍યું છે કે હું ટ્રાફિક શાખા સેક્‍ટર-૪માં ટ્રાફિક ઇન્‍ચાર્જની ફરજ બજાવુ છું. આ સેક્‍ટરમાં યુનિર્વસીટી પોલીસ સ્‍ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન તથા પ્રધ્‍યુમનનગર પોલીસ સ્‍ટેશનનો વિસ્‍તાર આવે છે. અમારા સેકટરમાં જામનગર રોડ સાંઢીયા પૂલ ઉતરતા, એરપોર્ટ બગીચાના ચોક, રેલનગર અંડરબ્રીજ તરફથી આવતા રસ્‍તા ખાતે પોલીસ કોન્‍સ્‍ટેબલ નીર્મળભાઈ નારણભાઈ ઉદીયા તથા ટીઆરબી પરીહાર ગણેશ સીધ્‍ધેશ્વરભાઈ તથા ટીઆરબી પીઠડીયા દીલીપ ચીરાગભાઈ તથા ટીઆરબી મોટાણી ઈશાભાઈ તથા  મજેઠીયા અનીલભાઈ તથા ગઢાદરા સુનીલભાઈ સહિતના બપોરે ૩થી રાત્રીના ૧૧ સુધીની ફરજ પર હતાં.

રવિવારે રાત્રીના આશરે પોણા દસેક વાગ્‍યે હું તથા મારી સાથે પોલીસ હેડ કોન્‍સટેબલ ચીંતનભાઈ અગ્રાવત અમારા સરકારી વાહનમા રાજકોટ સીટી સેક્‍ટર ૦૪ વિસ્‍તારમા પેટ્રોલીંગમા હતાં. તે દરમ્‍યાન જામનગર રોડ, સાંઢીયા પૂલ ઉતરતા, એરપોર્ટ બગીચાના ચોક ખાતે ફરજ બજાવતા કોન્‍સ. નિર્મળભાઇનો મને ફોન આવેલ અનકહેલું કે સાઢીયા પુલ ઉતરતા, એરપોર્ટ બગીચાના ચોક ખાતે વધુ વાહનનો ધસારો હોય જેથી ટ્રાફીક જામ ન થાય જેથી ટ્રાફીક પોઈન્‍ટ ઉપર જે બેરીકેટ રાખેલ છે તે બેરીકેટ ખોલાવવા માટે ચાર અજાણ્‍યા શખ્‍સો પોતાની પાસે રહેલ ટુ વ્‍હીલર રોડ વચ્‍ચે રાખી વાહનો રોકી ટ્રાફીક જામ કરે છે. તેઓને સમજાવવાની કોશીષ કરતા તેઓ સમજતા નથી અને વાહનોને અવર જવર કરવા દેતા નથી અને ટ્રાફીક જામ કરીને ઉભા છે જેથી તમો તાત્‍કાલીક અહી આવો.

આ વાત થતાં અમે  પેટ્રોલીંગમા ઘંટેશ્વર ટી-પોસ્‍ટ પાસે હોઇ જેથી તુરત જ એરપોર્ટ બગીચાના ચોક ખાતે પહોંચ્‍યા હતાં. ત્‍યાં સાઢીયા પુલ ઉતરતા એરપોર્ટ બગીચાના ચોક ખાતેના ટ્રાફીક પોઈન્‍ટ ઉપર ઘણા બધા માણસો ભેગા થયા હતાં. જેમા ચાર માણસોએ પોતાના ટુ વ્‍હીલર વાહનો રોડ વચ્‍ચે ઉભા રાખી વાહનોને રોક્‍યા હોવાનું જણાયું હતું. જેથી અમોએ તેઓને રસ્‍તો રોકો નહી વાહનોને અવર જવર કરવા દો તેવી વાત કરી સમજાવતા આ ચારેયએ કહેલું કે આ રોડ ઉપર જે બેરીકેટ રાખેલ છે તે ખોલી નાખો. આથી અમે તેને સમજાવેલુ કે અહીં ચોકમા ચારે તરફના રસ્‍તાઓમાથી વાહન આવતા હોય છે અને સાઢીયા પૂલના ડિવાઇડર તરફ તેમજ ભોમેશ્વર તરફ આવતા જતા વાહનો એમ બધા વાહનો ચોકમા ભેગા થતા હોવાથી ટ્રાફીક જામ થાય છે.

અહિ ે ટ્રાફીક જામ ન થાય અને લોકો હેરાન ન થાય જેથી અહીં ચોકમા બેરીકેટ કરી તેનો આગળ રસ્‍તો આપેલ છે ત્‍યાથી જવાની વ્‍યવસ્‍થા કરી છે, તમે પણ ત્‍યાંથી જતાં રહો તેમ કહેતાં આ ચારેય સમજ્‍યા નહોતાં. આ દરમ્‍યાન પદ્મીનીબા વાળા કે જેઓ રાજકોટના મહીલા આગેવાન હોઇ જેઓને અમો જોયે ઓળખતા હોઇ તેઓ પણ સાંઢીયા પૂલથી આવતા વાહનોને જામનગર રોડ માધાપર ચોકડી તરફ જવા દેતા ન હોઇ જેથી અમોએ તેઓને પણ સમજાવવાની કોશીષ કરતા તેઓ અમારી સાથે બોલાચાલી કરવા માંડય હતાં.

પદ્મીનાબા કહેવા લાગેલ કે અમો રેલનગરમાં રહેતા માણસો હેરાન થઇએ છીએ, તમો બે રીકેટર ખોલી નાખો. આથી અમે તેમને સમજાવતા હતા કે રેલનગર તરફનો આગળ રસ્‍તો છે તમે અહી બ્રીજ પાસે ટ્રાફીક જામ થઈ ગયેલ છે તમે ટ્રાફીક ખુલ્લુ કરવા દ્દયો ટ્રાફીક જામ કરી અમારી કાયદેસરની ફરજમાં રૂકાવટ ના કરો. આમ કહતાં પદ્દમીનાબા અમારી સાથે બોલાચાલી કરવા લાગેલ અને મને હાથ અડાડો નહી હું અહીંથી હટવાની નથી તેવુ કહ્યું હતું. આ દરમ્‍યાન ગાંધીગ્રામ સ્‍ટેશનના પોલીસ પણ ત્‍યા મદદમા આવી ગયેલ અને ત્‍યાં ભેગા થયેલા ટોળાઓને રોડથી દુર જવા માટે સમજાવ્‍યા હતાં.

પરંતુ પદ્મીનીબા વાળા તથા ચાર માણસો રોડ ઉપરથી હટતા ના હોઇ અને ટ્રાફીક જામ કરતા હોઇ અવાર નવાર સમજાવવા ન સમજી અમારી કાયદે સરની ફરજમાં રૂકાવટ કરી જામનગર રોડ સાંઢીયા પુલ ઉતરતા, એરપોર્ટ બગીચાના ચોકમાંથી પસાર થતા વાહનોને અવર જવર કરવામાં તકલીફ કરી ટ્રાફીક જામ કરેલ હોઇ તેમજ પદ્મીનીબા વાળાએ અગાઉ પણ ગઈ તા. ૧૬/૯/૨૬ ના રોજ સાંજના સમયે પણ આજ જગ્‍યાએ બેરીકેટ ખોલતા ટ્રાફીક જામ થયેલ હોઇ અને આજ સુધી ટ્રાફિક જામની સમસ્‍યા રહી હોઇ રવિવારે ફરીથી આ ચોકમા બેરીકેટીંગ કરેલ હતું. પરંતુ પદ્મીનીબા  વાળાએ ફરીવાર અગાઉની જેમ  ટ્રાફીક જામ કરી ફરજમા રૂકાવટ કરી હોઇ ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં પીઆઇ એસ. એમ. સોલંકીએ જણાવતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(4:08 PM IST)