<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

જીગાએ મિત્ર સંજયને પતાવી દીધો પછી પત્‍નિ હીનાને સાથે રાખી બાઇકમાં લાશને સ્‍મશાને લઇ જઇ દાટી દીધી!

આગળ પાછળ કોઇ ન હોઇ મુળ અમરેલીના દેરડીનો સંજય વાઘેલા પાંચેક વર્ષથી બેડલામાં મિત્ર જગદીશ ઉર્ફૈ જીગા કબીરા સાથે રહેતો હતોઃ છઠ્ઠી તારીખે સાંજે જીગો મિત્ર સંજયને ધોકાથી ફટકારતો હતો ત્‍યારે પિતા કાળુભાઇ કબીરાએ અટકાવ્‍યો હતો પણ તે માન્‍યો નહોતો રાતે ઘરે આવેલા કાળુભાઇને સંજય જોવા ન મળતાં દિકરા જીગાને પુછતાં તેણે કહ્યું-એ મરી ગયો અને હું તથા હીના તેની લાશ આપણા સમાજના સ્‍મશાનમાં દાટી આવ્‍યા છીએઃ એરપોર્ટ પીઆઇ કે. પી. તરેટીયા, પીએસઆઇ શક્‍તિસિંહ જાડેજા અને ટીમે ફરિયાદી બની આરોપી દંપતિની ધરપકડ કરી બેડલામાં હત્‍યાની ચોંકાવનારી ઘટના એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ કે. પી. તરેટીયા અને તેમની ટીમે ભેદ ઉકેલ્‍યો તસ્‍વીરમાં દાટી દેવાયેલો મૃતદેહ બહાર કઢાયો તે કાર્યવાહીના દ્રશ્‍ય જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૧: રાજકોટના બેડલા ગામે એક યુવાનની પોતે જેની સાથે રહેતો હતો એ જ મિત્રએ પોતાની પત્‍નિ સાથે મળી ધોકાના ઘા ફટકારી હત્‍યા કરી નાંખતાં અને બાદમાં લાશને પોટલામાં બાંધી પત્‍નિની મદદથી બાઇક પર ગામના સ્‍મશાને લઇ જઇ લાશ દાટી દેતાં ચકચાર મચી ગઇ છે.  એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ કે. પી. તરટીયા, પીએસઆઇ શક્‍તિસિંહ એસ. જાડેજા અને ટીમે આ મામલે તુરત કાર્યવાહી કરી દાટેલી લાશનું મામલતદાર સમક્ષ પંચનામુ કરાવી બહાર કઢાવી ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ બાદ હત્‍યારા દંપતિની ધરપકડ કરી છે. હત્‍યાનો ભોગ બનનારને પોતે જેની સાથે રહેતો એ મિત્રની પત્‍નિ સાથે પ્રેમસંબંધ હોવાની શંકાએ આ ઘટનાને અંજામ અપાયો હતો.

આ બનાવની જાણવા મળેલી વિગત મુજબ પીએસઆઇ એસ. એસ. જાડેજા, કોન્‍સ. સજુભા ડાભી, જાલાભાઇ સાનીયા સહિતના બેડલા ગામે પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે ગામમાંથી વાત મળી હતી કે કે બેડલામાં રહેતાં જીગાભાઇ કાળુભાઇ કબીરા નામના યુવાનનું કોઇએ ખૂન કરી લાશ ગામના વાલ્‍મિકી સમાજના સ્‍મશાનમાં દાટી દીધી છે. આ હકિકતે આધારે પીઆઇ કે. પી. તરેટીયા અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સ્‍મશાને જઇ તપાસ કરતાં દફનવિધી થઇ હોઇ તેના તાજા નિશાન દેખાયા હતાં. વાલ્‍મિક સમાજના લોકો પણ સાથે હોઇ અને તેમના સમાજના કોઇનું પણ અવસાન હાલના દિવસોમાં થયું નથી તેવું કહેવાતાં પોલીસે મામલતદાર, એફએસએલ અધિકારીઓને બોલાવી પંચોની હાજરીમાં ખોદકામ કરાવ્‍યું હતું. આ વખતે વાલ્‍મિકી સમાજના આગેવાન બાવકુભાઇ ગોવિંદભાઇ કબીરા તેમજ બીજા લોકો પણ હાજર હતાં.

પોલીસે મૃતદેહ બહાર કઢાવતાં જ આ મૃતદેહ બેડલા ગામે જગદીશ ઉર્ફે જીગાભાઇ કાળુભાઇ કબીરાની સાથે જ રહેતાં તેના મિત્ર-સંબંધી મુળ અમરેલીના ઢસા તાલુકાના દેરડી ગામના સંજય હકાભાઇ વાઘેલા (ઉ.વ.૨૫)નો છે તેવું સ્‍પષ્‍ટ થઇ ગયું હતું. પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમની તજવીજ કરાવી હતી અને પુછતાછ માટે જગદીશ ઉર્ફે જગા કાળુભાઇ કબીરા (ઉ.વ.૩૦)ને ઉઠાવી લીધો હતો. ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમમાં સજયનું મોત માથામાં લાકડી કે બોથડ પદાર્થના ઘાથી થયાનો આવ્‍યો હતો. જગદીશ ઉર્ફ જીગાની આકરી પુછતાછ ચાલુ કરવામાં આવતાં જ તેણે હત્‍યાનો ગુનો કબુલ્‍યો હતો. એ પહેલા પોલીસે જગદીશ ઉર્ફ જીગાના પિતા કાળુભાઇ સોમાભાઇ કબીરાની પુછતાછ કરતાં તેમણે કહ્યું હતું કે-હત્‍યાનો ભોગ બનનાર સંજય વાઘેલા અમારા ઘરે જ રહેતો હતો. મારો દિકરો જીગો અવાર-નવાર સંજયને મારતો હતો.

દરમિયાન ગત ૬/૫ના સાંજે પાંચેક વાગ્‍યે ફરીથી મારા દિકરા જીગા ઉર્ફે જગદીશે સંજયને ધોકાથી માર માર્યો હતો. આ વખતે હું તેને છોડાવવા વચ્‍ચે પડયો હતો. પરંતુ તે મારું માન્‍યો નહોતો. જેથી હું ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં રાતે ઘરે આવતાં સંજય મને ઘરમાં જોવા ન મળતાં મેં દિકરા જીગાને આ વિશે પુછતાં તેણે કહેલું કે સંજયને સાંજે મેં ધોકાથી માર મારતાં તે મરી ગયો છે. જેથી હું અને પત્‍નિ હીના તેની લાશને આપણા સમાજના સ્‍મશાનમાં દફન કરી આવ્‍યા છીએ. આ હકિકતને આધારે પીએસઆઇ શક્‍તિસિંહ જાડેજાએ ફરિયાદી બની જગદીશ ઉર્ફે જીગો કાળુભાઇ કબીરા અને તેની પત્‍નિ હીના જીગા કબીરાની સામે હત્‍યા, પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. તપાસમાં એવુ પણ ખુલ્‍યું છે કે જગદીશ ઉર્ફે જીગાને એવી શંકા હતી કે તેની પત્‍નિ હીના સાથે સંજયને પ્રેમસંબંધ છે. આક ારણે બંને વચ્‍ચે માથાકુટ થતી હતી. આ શંકાને કારણે જ જીગાએ હત્‍યા કરી હતી અને પત્‍નિ હીનાની મદદથી લાશ દાટી દીધી હતી.

હત્‍યાનો ભોગ બનનાર સંજય વાઘેલા અપરિણીત હતો. તેના માતા-પિતા હયાત નથી. તેના કુટુંબી દાદી સુરત રહેતાં હોઇ પોલીસે તેમને જાણ કરી હોઇ તે આવ્‍યા બાદ મૃતદેહ અંતિમવિધી માટે સોંપવામાં આવશે. હત્‍યાનો ભોગ બનનાર સંજય મિત્ર અને સગા એવા જગદીશ ઉર્ફ જીગા સાથે માલઢોર ચરાવવાનું અને ઢોલ વગાડવાનું કામ કરતો હતો. પાંચેક વર્ષથી જીગાએ તેને પોતાની ઘરે જ રાખ્‍યો હતો. હત્‍યાની આ ઘટનાએ ગામમાં ચકચાર જગાવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ કે. પી. તરેટીયા, પીએસઆઇ શક્‍તિસિંહ જાડેજા, યશપાલસિંહ મહેન્‍દ્રસિંહ અને ડી. સ્‍ટાફ ટીમે તપાસ  કરી જરૂરી કાર્યવાહી કરી હતી. પીઆઇ તેરટીયા અને ટીમે રાતભર મૃતદેહ બહાર કાઢવા સહિતની કાર્યવાહી કરાવી હતી અને હત્‍યાનો ભેદ ઉકેલ્‍યો હતો.

(2:37 PM IST)