News of Tuesday, 30th June 2026
પવિત્ર સ્નાનનો અવસર પૂરો થયા બાદ ભગવાનનો અનવરસર પિરીયડનો પ્રારંભ
ભગવાન શ્રી જગન્નાથજીનો જન્મોત્સવ

તારીખ ૨૭, ૨૮, ૨૯ અને ૩૦ એમ ચાર દિવસ જગન્નાથપુરીમાં ભગવાન શ્રીજગન્નાથજીનોં જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભગવાન જગન્નાથજીનોં જન્મ સ્નાન પૂર્ણિમાનાં દિવસે થયો હતો તેવું માંનવામાં આવે છે. એક પૌરાણિક કથા મુજબ ઇન્દ્રધૂમ્ન રાજાએ કરેલી તપસ્યા પૂર્ણ થયા પછી તેમણે માંગેલા વરદાનમાં મને જગન્નાથજી ને સ્નાન પૂર્ણિમાનાં દિવસે પ્રગટ થવા વરદાન માગ્યું હતું આથી ઇન્દ્રધૂમ્ન રાજાનેં આપેલાં તે વરદાન અનુસાર ભગવાન શ્રી જગન્નાથજી સ્નાન પૂર્ણિમાનાં દિવસે પૃથ્વી પર પ્રગટ થયા હતા તેવું માનવામાં આવે છે. સ્નાન પૂર્ણિમાનાં દિવસે ભગવાનનેં દહીં, દૂધ, ઘી કે પંચામૃતથી નહીં પણ ૧૦૮ કળશોમાં ભરેલા પવિત્ર જળથી જળાભિષેક કરીનેં સ્નાન કરાવવામાં આવે છે.જગન્નાથપુરીમાં થતી સ્નાન વિધિ અનુસાર ઉત્તરાખંડના કટ્ટા પથ્થર નામની જગ્યા પર જ્યાં શ્રી યમુનાજીનું પ્રથમ અવતરણ માનવામાં આવે છે, તે પવિત્ર જગ્યા પરથી યમુનાજીનું નિર્મલ જલ ભરીને લાવવામાં આવે છે. હાલમાં મંદિર પરિસરમાં આવેલા કુપ માંથી શુદ્ધજળ ભરી લાવવામાં આવે છે. ત્યારબાદ તેનેં એક મટકીમાં ભરીનેં મૂકવામાં આવે છે. તે મટકીની અંદર સુગંધિત એલચી પીસીનેં તેનેં ચાળી બારીક ભૂકો કરી ઉમેરવામાં આવે છે. ત્યારબાદ મટકીની અંદર ચંદન, ગુલાબપત્તિ, મોગરાનાં ફૂલ અને કેસર પધરાવવામાં આવે છે અને મટકીની ફરતે સફેદ મલમલનું કપડું વીંટી મટકીને સુશોભિત કરવામાં આવે છે અને જ્યાં ઠાકોરજી બિરાજેલા હોય છે તેની બાજુમાં આખી રાત રાખી મૂકવામાં આવે છે. માન્યતા છે કે રાત્રિ દરમિયાન ભગવાન શ્રી જગન્નાથજી શ્રી યમુનામૈયા સાથે રાસલીલા રમવા આવે છે.
સવારે મટકીનું તે જલ ૧૦૮ કળશોની અંદર ભરવામાં આવે છે અને ભગવાનન પર જલાભિષેક કરી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને માત્ર એક પાતળું શ્વેત વસ્ત્ર પહેરાવી ચંદનની નાની નાની ગોળીઓની માળા બનાવી પહેરાવવામાં આવે છે. અને ભોગ ધરાવવામાં આવે છે. ભોગમાં પણ વધારે પડતાં ઠંડા જલનાં પીણાંઓ જ પીરસવામાં આવે છે. આમ સ્નાન પૂર્ણિમાએ ભગવાન જગન્નાથજીનાં પવિત્ર સ્નાન અને શુધ્ધિનો ઉત્સવ ગણાય છે.
આ પવિત્ર સ્નાનનો ઉત્સવ પૂર્ણ થયા બાદ ભગવાનનો અનવસર પિરિયડ શરૂ થાય છે. જેમાં ભગવાન જગન્નાથજી, બળભદ્ર અને સુભદ્રાજીનેં તાવ આવી ગયો અથવા તો બીમાર પડી ગયાં હોવાનું માનવામાં આવે છે. આ કારણથી ગર્ભગ્રુહમાં રહેલા ભગવાનનાં દર્શન જાહેર જનતા માટે બંધ કરીને ઠાકોરજીની આયુર્વેદિક સારવાર કરવામાં આવે છે. આ દરમિયાન ભગવાનને આયુર્વેદિક ઔષધીઓ,જડીબુઓ અને કઢાનોં ભોગ ધરાવવામાં આવે છે. આ ક્રિયા ૧૪ થી૧૫ દિવસ ચાલે છે. ત્યારબાદ રથયાત્રાનાં એક દિવસ પહેલાં ભગવાનનાં નવા સ્વરૂપનાં એટલે કે નવયૌવન દર્શન જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવે છે.
ઇતિહાસ મુજબ એક સમયમાં યવનો દ્વારા હિન્દુ મંદિરો ઉપર હુમલાઓ થતા હતા. તે દરમિયાન રક્તબાહુ નામનોં અતિ ક્રૂર યવન રાજા ભગવાન જગન્નાથજીનાં મંદિર ઉપર હુમલો કરવાની તૈયારી કરતો હતો. આથી તે વખતનાં ગજપતિ મહારાજ શોભનદેવજી ચિંતામાં પડી ગયા. પરંતુ તે રાત્રી દરમિયાન ભગવાન જગન્નાથજીએ શોભનદેવજીનાં સ્વપ્નમાં આવીને કહ્યું કે, જો તમનેં ચિંતા થતી હોય તો મારા સ્વરૂપનેં થોડો સમય કોઈ અન્ય જગ્યાએ સ્થાપિત કરી દો. આથી બીજા દિવસે રાત્રે શ્રી શોભન દેવજી ભગવાન શ્રી જગન્નાથજીનેં છુપી રીતે એક નાવમાં બિરાજમાન કરીને સ્વર્ણપૂર નામનાં ગામમાં લઈ ગયા હતા. અને ત્યાં ગામનાં પાદરમાં આવેલી એક ગુફામાં ઠાકોરજીનેં બિરાજમાન કરી દીધા હતા. ત્યારબાદ માટીથી એ ગુફાનું મુખ બંધ કરીને નિશાન રાખવા માટે એક વૃક્ષ રોપી દીધું હતું. ત્યારબાદ સમય વીતતો ગયો. શોભન દેવજી સ્વર્ગે સિધાવી ગયા. વૃક્ષ પણ મોટું થઈ ગયું. અને એ વાતનેં ૧૪૪ વર્ષો વીતી ગયા. ભગવાન જગન્નાથજી ૧૪૪ વર્ષો સુધી તે ગુફામાં જ રહ્યા હતા. ત્યારબાદ એક વખત આધ્ય ગુરુ શંકરાચાર્યજી પોતાનાં ભ્રમણ દરમિયાન પુરીમાં પધાર્યા. તેમણે જોયું તો ત્યાં ઠાકોરજી વગર જ તેમની જગ્યા પર સેવા પૂજા થતી હતી. આથી શંકરાચાર્યજીએ તત્કાલીન ગજપતિ મહારાજનેં આ બાબતે પૂછપરછ કરી. પરંતુ તે ગજપતિનેં પણ ઠાકોરજી ક્યાં બિરાજે છે તે ખબર ન હતી.
ત્યારબાદ શંકરાચાર્યજીએ ઠાકોરજીની ભાળ મેળવવા માટે ખૂબ તપાસ કરી અને ફરતા ફરતા સ્વર્ણપુર પહોંચ્યા. તે સમયે એક વૃદ્ધ મહિલા ગામનાં પાદરમાં એક વૃક્ષની પૂજા કરી રહ્યા હતાં. આથી શંકરાચાર્યજીએ તે માજીનેં પૂછ્યું, કે તમે આ વૃક્ષની પૂજા શા માટે કરી રહ્યાં છો,,? ત્યારે તે વૃદ્ધ મહિલાએ કહ્યું કે અમારા વડવાઓ કહેતા ગયા છે કે અહીં ભગવાન શ્રી જગન્નાથજી બિરાજે છે. ત્યારબાદ શંકરાચાર્યજી તે વૃક્ષની આસપાસ ખોદકામ કરાવ્યું ત્યારે એક ગુંફા મળી આવી અને તે ગુંફાની અંદર ભગવાન શ્રી જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજી સાથે બિરાજમાન હતા. ત્યારબાદ અનેક ભક્તો સાથે શંકરાચાર્યજી ભગવાન જગન્નાથજીનેં ત્યાંથી સ્થળાંતર કરી જગન્નાથપુરી લાવીનેં તેમનાં મૂળ સ્થાને બિરાજમાન કર્યા. તે દિવસથી ભગવાનના નવા કલેવરનાં પ્રારંભ સાથે ભગવાન જગન્નાથજી બલભદ્ર અને સુભદ્રાજી સાથે જગન્નાથપુરીમાં ફરી બિરાજમાન થયા હતા.(૪૦.૪૧)
કિશોર નથવાણી
રાજકોટ

(3:19 PM IST)










