News of Friday, 25th September 2026
મારવાડી કોલેજ ખાતે રજૂઆત કરવા ગયેલા એબીવીપી આગેવાનો-કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ
કાઉન્સેલીંગ, રેલીંગ ફીટ કરાવવા સહિતના મુદ્દે રજૂઆત કરવા ગયા હતાં ત્યારે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઇઃ કાર્યકરોની અટકાયત કરાઇ

રાજકોટઃ મારવાડી કોલેજમાં છાત્રા-છાત્રના આપઘાતની બે ઘટના બની હોઇ આજે એબીવીપીના આગેવાનો, કાર્યકરો મારવાડી કોલેજ ખાતે રજૂઆત કરવા ગયા ત્યારે તેમના અને પોલીસ વચ્ચે ઝપાઝપી થયા બાદ બારથી પંદર કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. એબીવીપીના કાર્યકરોએ જણાવ્યું હતું કે અગાઉ એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો ત્યારે અમે રજૂઆત કરી હતી કે બિલ્ડીંગમાં રેલીંગ વ્યવસ્થીત કરવી જોઇએ અને છાત્રો આવા પગલા ન ભરે તે માટે કાઉન્સેલીંગ કરવું જોઇએ. ત્યારે અમને શાંતિથી સાંભળવામાં આવ્યા હતાં. આજે વધુ એક આપઘાતની ઘટના બનતાં અમે ફરી રજૂઆત કરવા પહોંચ્યા હતાં. ત્યારે અંદર અમને કાર્યકરોને જવા દેવામાં આવ્યા નહોતાં. ત્યાંના રજીસ્ટ્રાર રજૂઆત સાંભળવા બહાર આવ્યા હતાં. આ પછી અમે કાર્યકરોએ અંદર જવાનો પ્રયાસ કરતાં પોલીસ આવી ગઇ હોઇ પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી. અમને કાર્યકરોને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતાં. આ રજૂઆતમાં પુષ્પરાજસિંહ ઝાલા, વત્સલભાઇ ગઢવી, પ્રિન્સભાઇ વ્યાસ, રાજવિરસિંહ ઝાલા, ધરમભાઇ દોઢીયા સહિતના જોડાયા હતાં. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:38 PM IST)










