News of Thursday, 1st October 2026
લિવઇનમાં રહેતી યુવતિ પર પુર્વ પતિ સોહિલનો મિત્ર અકરમ સાથે મળી કુહાડી-તલવારથી હુમલોઃ હાથ-પગ ભાંગી નાંખ્યા
પોપટપરામાં મોડી રાતે આવી ઘરનો દરવાજો ખખડાવ્યોઃ ન ખોલતાં તોડીને અંદર ઘુસી ગયા પ્રથમ પતિ સાથે છુટાછેડા બાદ ઇન્સ્ટાગ્રામથી ઓળખ થતાં કોઠારીયા સોલવન્ટના સાહિલ સાથે ઘર માંડયુ હતું: સાહિલ દારૂ પી મારકુટ કરતો હોઇ તેને છોડી વીસેક દિવસ પહેલા સમીર મુસાણી સાથે રહેવા માંડી તે સાહિલને ન ગમતાં હુમલોઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧: શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતી એક ૨૮ વર્ષીય મહિલા પર તેના પુર્વ પતિ અને પતિના મિત્રએ મોડી રાતે દરવાજો તોડી ઘરમાં ઘુસી તલવાર અને કુહાડીથી હુમલો કરતાં હાથ-પગ ભાંગી ગયા છે. પુર્વ પતિ દારૂ પી મારકુટ કરતો અને આગલા સંતાન રાખવાની ના પાડતો હોઇ મહિલા છુટાછેડાનું લખાણ કરાવી વીસેક દિવસથી જુના મિત્ર સાથે લિવઇનમાં રહેતી હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરાયો હતો અને જો તે બીજુ ઘર કરશે તો પતાવી દેશે તેવી ધમકી આપી ઘરમાં તોડફોડ પણ કરતાં ચકચાર જાગી છે.
જાણવા મળ્યા મુજબ પોપટપરામાં રહેતી ૨૮ વર્ષિય નીશાબેન નામની યુવતિ પર તેણી ઘરમાં સુતીહતી ત્યારે રાતે સવા બારેક વાગ્યાના અરસામાં દરવાજો તોડી ઘરમાં ઘુસી જઇ કોઠારીયા સોલવન્ટના સોહિલ રફાઇ અને તેની સાથેના અકરમે હુમલો કરી તલવાર, લાકડાના હાથાવાળી કુહાડીથી હુમલો કરતાં તેણીના ડાબા પગમાં ગોઠણ નીચે, ડબાા હાથમાં ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે તેણીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.
મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના પ્રથમ લગ્ન તેની જ્ઞાતિમાં પંદર વર્ષ પહેલા થયા હતાં. એ દરમિયાન બે પુત્રની માતા બની હતી. આઠેક વર્ષ પહેલા છુટા છેડા થઇ ગયા બાદ બંને દિકરાને લઇ રાજકોટ આવી હતી અને ઇન્સ્ટાગ્રામ મારફત કોઠારીયા સોલવન્ટના સોહિલ રફાઇ સાથે સંપર્ક થતાં તેની સાથે રહેવા જતી રહી હતી. તેના થકી એક દિકરાનો જન્મ થયો છે. જે હાલ ચાર વર્ષનો છે. પણ હવે સોહિલ દારૂ પી મારામારી કરતો હોઇ ઝઘડા કરતો હોઇ તેમજ આગલા ઘરના સતાનોને રાખવાની ના પાડતો હોઇ જેથી એક મહિના પહેલા તેણી છુટાછેડાનું લખાણ કરી વીસેક દિવસથી તેના મિત્ર સમીર અબ્દુલ મુસાણી સાથે લિવ ઇનમાં રહે છે.
આ બાબતની જાણ પુર્વ પતિ સોહિલને થતાં તે ઉશ્કેરાયો હતો અને૩૦મીએ રાત્રિના આશરે સવા બાર વાગ્યાના અરસામાં તેણી ઘરમાં સુતી હતી ત્યારે સોહિલ અને તેનો મિત્ર અકરમે દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ન ખોલતાં આ બંને તે તોડીને અંદર ઘુસી ગયા હતાં અને ગાળાગાળી ચાલુ કરી હતી. સોહીલના હાથમાં લાકડાના હાથાવાળી કુહાડી અને અકરમના હાથમાં તલવાર હતી. અકરમે તલવાર વડે ડાબા હાથની કોણી પર બે ઘા માર્યા હતા, જ્યારે સોહીલે જમણા પગના ગોઠણ નીચે કુહાડીનો જોરદાર ઘા માર્યો હતો. ત્યારબાદ તેણી પડીજતાં ઢીકાપાટુ મારી ઘરમાં તોડફોડ કરી હતી અને સોહિલે ધમકી આપી હતી કે જો તું બીજુ ઘર કરીશ તો જાનથી મારી નાંખીશ.
દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં બંને ભાગી ગયા હતાં. તેણીને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તબિબી તપાસ-નિદાનમાં તેણીને હાથ-પગમાં ફ્રેકચર હોવાનું ખુલ્યું હતું. પગમાં કુહાડીનો ઘા એટલો ઉંડો હતો કે હાડકુ દેખાઇ ગયું હતું. જેમાં તેર ટાંકા લેવા પડયા હતાં. હાથ-ગોઠણમાં પચ્ચીસ ટાંકા આવ્યા હતાં. પ્ર.નગર પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ કે. કે. ચાવડાએ ગુનો નોંધતા આગળની તપાસ પીએસઆઇ ડી. એસ. ગજેરાએ હાથ ધરી છે
(3:38 PM IST)










