<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

ગુજરાતમાં ૧૦ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન વરસાદનો નવો લોટરી રાઉન્ડ શરૂ થશે : મધ્ય, દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ગુજરાતથી થઈ શકે છે પ્રારંભ

હવામાન વિશ્લેષક વિશાલ પાનસૂરિયાની આગાહી : સાર્વત્રિક નહીં પરંતુ અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા : કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટાં પડશે

રાજકોટ: રાજ્યમાં હવામાન વિશ્લેષક વિશાલ પાનસૂરિયા દ્વારા આગામી દિવસોમાં વરસાદ અંગે મહત્વનો વર્તારો રજૂ કરવામાં આવ્યો છે. જે મુજબ તારીખ ૧૦ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો નવો 'લોટરી રાઉન્ડ' શરૂ થવા જઈ રહ્યો છે. આ રાઉન્ડની શરૂઆત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર-પૂર્વ ગુજરાત બાજુથી થશે.

 

પાછલા રાઉન્ડની જેમ જ આ રાઉન્ડમાં પણ મુખ્યત્વે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ અસર જોવા મળશે. જોકે, આ વરસાદ સાર્વત્રિક નહીં રહે પરંતુ લોટરી મુજબ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે. જેમાં અમુક વિસ્તારોમાં હળવો, અમુક જગ્યાએ મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારો સાવ કોરા પણ રહી શકે છે.

 

કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં સ્થિતિ:

હવામાન વિશ્લેષકના જણાવ્યા અનુસાર, બાકીના સૌરાષ્ટ્રના ભાગો તથા કચ્છમાં પણ મુખ્યત્વે છૂટાછવાયા વિસ્તારોમાં રેડા કે ઝાપટાં જોવા મળી શકે છે. જોકે, જો વરસાદી ટ્રફ સહેજ નીચે આવે તો તે વિસ્તારોમાં પણ એકાદ-બે દિવસ દરમિયાન અમુક જગ્યાએ સારો વરસાદ મળી શકે છે, પરંતુ હાલના તબક્કે તેની શક્યતા ખૂબ જ મર્યાદિત છે.

 

તેમણે સ્પષ્ટતા કરી છે કે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ માત્રામાં અસર જોવા મળશે, પરંતુ કોઈ પણ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી. લોટરી સિસ્ટમ મુજબ જ અલગ-અલગ સ્થળોએ હવામાનમાં ફેરફાર જોવા મળશે. આગામી સમયમાં જો હવામાનની સ્થિતિમાં કોઈ સુધારો કે ફેરફાર જણાશે તો તેની નવી અપડેટ આપવામાં આવશે.

(11:11 AM IST)