News of Saturday, 4th July 2026
મનહરપ્લોટમાં વાહનની ડેકી તોડી ચોરી કરનાર ત્રિપુટીએ એ-ડિવીઝન પોલીસે પકડી
રિક્ષા, પાંચ મોબાઇલ, બેગ સહિતનો મુ્દ્દામાલ કબ્જે કરાયોઃ કબીર, અર્જુન અને રાહુલની ધરપકડઃ બે શખ્સ અગાઉ પણ ગુનાઓમાં સામેલ

રાજકોટ તા. ૪: શહેરના મનહરપ્લોટ-૧ના ખુણે વેપારી યુવાન પોતાનું ટુવ્હીલર પાર્ક કરી નજીકમાં ઓફિસમાં ગયા ત્યારે ડેકી તોડી કોઇ પાંચ મોબાઇલ ફોન સાથેનું લેધર બેગ ચોરી ગયું હતું. આ ગુનાનો ભેદ એ-ડિવીઝન પોલીસે ઉકેલી ત્રણ શખ્સોને પકડી લીધા છે.
રણછોડનગર રજપૂતવાડી સામે શેરી નં. ૫/૧૫ના ખુણે રહેતાં ધર્મેશભાઇ વિજયભાઇ ઓઝા (ઉ.વ.૪૧) તા. ૩૦ના રોજ મનહરપ્લોટ-૧ના ખુણે પોતાનું એક્સેસ પાર્ક કરી ઓફિસમાં ગયા ત્યારે આ વાહનની ડેકી તોડી થેલો ચોરી જવાયો હતો. એ થેલામાં કીપેઇડવાળા પાંચ મોબાઇલ ફોન હતાં. આ ગુનાનો ભેદ હેડકોન્સ. મહેશભાઇ ચાવડા, કલ્પેશભાઇ બોરીચા, કરણભાઇ વિરસોડીયાની બાતમીથી ઉકેલી ત્રણ શખ્સો કબીર ગણેશ ઉર્ફે ગનીભાઇ સલાટ (ઉ.વ.૨૦-ચુનારાવાડ), અર્જુન મનોજભાઇ સોલંકી (ઉ.વ.૨૧-સાગર નગર બેટ દ્વારકા સોસાયટી-યાર્ડ પાછળ) અને રાહુલ કિશોરભાઇ પરમાર (ઉ.વ.૨૬-રહે. સંત કબીર રોડ ગોકુલનગર આવાસ)ને પકડી લઇ રિક્ષા, મોબાઇલ, બેગ મળી રૂા. ૧,૦૬,૫૦૦ની મત્તા કબ્જે કરી છે.
ઝડપાયેલાઓમાં કબીર અગાઉ થોરાળા, માલવીયા, પ્ર.નગર, એ-ડિવીઝનમાં ચોરી, લૂંટના ગુનામાં અને અર્જુન પણ અગાઉ ચોરીના ગુનામાં પકડાયો હતો. આ કામગીરી ઉચ્ચ અધિકારીઓની સુચના અંતર્ગત પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ. આર. ચાવડા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્સ. કનુભાઇ બસીયા, ધર્મેશભાઇ પરમાર, મહેશભાઇ ચાવડા, કલ્પેશભાઇ બોરીચા, કરણભાઇ વિરસોડીયા, કોન્સ. તેજસભાઇ ડેરએ આ કામગીરી કરી હતી.
(3:21 PM IST)










