News of Monday, 28th September 2026
સાંગણવા ચોકની હોટેલ ધ વીનસમાં બબ્બે હજાર લઇ કૂટણખાનુ ચલાવાતું હતું: એ-ડિવીઝન પોલીસ ત્રાટકી
રાજસ્થાનના મેનેજર પ્રતાપસિંગ રાવત, સાથેના નાની પાળીયાદના જયદીપ મકવાણા અને ચોટીલાના હિતેષ ઉર્ફે રાણા વાલાણી સામે ગુનોઃ પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૮: શહેરમાં સ્પામાં મસાજ પાર્લરની આડમાં ચાલી રહેલા કૂટણખાના પકડાઇ રહ્યા છે ત્યાં હવે એ-ડિવીઝન પોલીસે હોટેલમાં દરોડો પાડી દેહવ્યાપારની પ્રવૃતિનો પર્દાફાશ કર્યો છે. સાંગણવા ચોક પાસે આવેલી હોટેલ ધ વિનસમાં માલિક, મેનેજર દ્વારા લલનાઓ રાખી દેહવેલો કરાવવામાં આવતો હોઇ એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી છે.
એ-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ.મહેશભાઇ ચાવડાને બાતમી મળી હતી કે સાંગણવા ચોકમાં સેન્ડીના શો રૂમ સામે આવેલી હોટેલ ધ વિનસમાં બહારથી છોકરીઓ બોલાવી ગ્રહક પાસે એન્ટ્રી ફીના રૂા. ૫૦૦ લઇ બાદમાં શરીર સંબંધ બાંધવાના રૂા. ૧૫૦૦ અલગથી વસુલે છે. આ બાતમી પરથી પોલીસે ડમી ગ્રાહકને હોટેલમાં મોકલ્યો હતો. ખરાઇ થયા બાદ પોલીસે દરોડો પાડયો હતો.
હોટેલના રિસેપ્શન કાઉન્ટર પર બેઠેલા શખ્સની પુછતાછ કરતાં પોતે મુળ ભીમગામ બ્યાવર રાજસ્થાનનો વતની પ્રતાપસિંગ બાબુસિંગ રાવત (ઉ.વ.૩૨) હોવાનું અને અહિ મેનેરજ તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. સાથે બેઠેલા શખ્સે પોતે મુળ ચોટીલાના નાની પાળીયાદ ગામનો જયદિપ મુકેશભાઇ મવકાણા (ઉ.વ.૨૨) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેને સાથી રાખી રૂમ ચેક કરતાં રૂમ નં. ૨૦૩માંથી ડમી ગ્રાહક સાથે મહિલા મળી હતી. તેણીએ પોતે મુળ નવી દિલ્હીની વતની હોવાનું અને અહિ મેનેજર પ્રતાપસિંગ અને જયદીપ ગ્રાહક પાસેથી ૨૦૦૦ રૂપિયા વસુલી પોતાને ૧૦૦૦ આપી છે અને એક હજાર આ બંને રાખે છે તેમ કબુલ્યું હતું.
પોલીસે મેનેજર પ્રતાપસિંગ બાબુસિંગ રાવત તેમજ જયદિપ મુકેશભાઇ મકવાણા અને ચોટીલાના હિતેષ ઉર્ફે રાણો લાખાભાઇ વાલાણી તપાસ તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો હતો. હિતેષ ઉર્ફે રાણો દરોડો વખતે હાજર નહોતો. પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડા, હેડકોન્સ. કલ્પેશભાઇ બોરીચા, મહેશભાઇ ચાવડા, કરણભાઇ વીરસોડીયા, કોન્સ. ધવલભાઇ જીલરીયા, મયુરધ્વજસિંહ જાડેજા, કોનસ. સજનીબેન સખીયા, પ્રિયંકાબાદ જાડેજા સહિતે આ દરોડાની કામગીરી કરી હતી. પોલીસે રોકડ, મોબાઇલ ફોન મળી ૪૩૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ધ ઇમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
(2:20 PM IST)










