News of Wednesday, 27th May 2026
ગોકુલધામમાં ૬ વર્ષની બાળકી આસ્થાનું રમતી વખતે ભોં ટાંકામાં પડી જતાં ડુબી જવાથી મોત
દિકરાને પેટ ભરાવીને માતા બહાર આવી ત્યારે દિકરી ગાયબ હતીઃ શોધખોળ થતાં ટાંકામાંથી મળીઃ સારવારમાં મોતઃ યુપીના પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૭: માસુમ ફુલડા જેવા બાળકો ઘણીવાર રમતાં-રમતાં મુશીબતને નોતરી લેતાં હોય છે. આવા જ એક બનાવમાં ગોકુલધામમાં રહેતાં મુળ યુપીના પરિવારની ૬ વર્ષની દિકરીનું રમતાં રમતાં ભોં ટાંકામાં પડી જતાં ડુબી જવાથી મોત થતાં પરિવારમાં અને આસપાસના રહેવાસીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ ગોકુલધામમાં માનસત્તા ચોક પૂજારા ટેલીકોમ પાછળ રહેતાં દીપકસિંગ ઠાકુરની દિકરી આસ્થા (ઉ.વ.૬) ગઇકાલે ઘર બહાર રમતી રમતી ભોં ટાંકામાં પડી જતાં બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સારવારમાં દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ એચ. ટી. પરમારે હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
મૃત્યુ પામનાર આસ્થા બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતી. પિતા દિપકસિંગ ઠાકુર ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે દિકરી આસ્થા અને દોઢ વર્ષનો દિકરો ઘર બહાર રમી રહ્યા હતાં. બાદમાં દિકરો રડવા માંડતા આસ્થાએ મમ્મી નંદીનીબેનને બોલાવતાં નંદીનીબેન દિકરાને પેટ ભરાવવા ઘરમાં લઇ ગયા હતાં. થોડીવાર બાદ ફરી તે દિકરી રમતી હતી ત્યાં આવ્યા ત્યારે દિકરી જોવા ન મળતાં ફાળ પડી ગઇ હતી. આસપાસમાં શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં બાદમાં ભોં ટાંકા પાસે જતાં ત્યાં દિકરીના ચપ્પલ જોવા મળતાં સળીયાથી ટાંકામાં તપાસ કરતાં તેમાં આસ્થાનું ટી-શર્ટ ફસાઇ જતાં તેણીને બેભાન હાલતમાં બહાર કાઢી હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ જીવ બચ્યો નહોતો. મૃતદેહને અંતિમવિધી માટે વતન યુપી લઇ જવાયો હતો. લાડકી ફુલડા જેવી દિકરીના મોતથી માતા-પિતા સહિતના સ્વજનો આઘાતમાં ગરકાવ થઇ ગયા હતાં.
(3:00 PM IST)










