તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 1st September 2026
લોકમેળાની રાઇડમાં શોર્ટસર્કિટથી આગઃફસાયેલા લોકોનું સફળ રેસ્કયુઃ૧૧૨ની ટીમ મોડી આવતા દેકારો
મોકડ્રીલ સાબીત થતા હાશકારોઃ પોલીસ, ફાયરબ્રિગેડ, આરોગ્ય સહિતના વિભાગો જોડાયા.. : એડીશ્નલ કલેકટરે ૧૧૨ની ટીમ અને કોર્પોરેશનના અધીકારીઓનો ઉધાડો લેવાયો..

મોકડ્રીલઃ- રાજકોટના લોકમેળામાં ગઇકાલે સાંજે શોર્ટસરકીટથી રાઇડમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી, તાબડતોબ ફાયરબ્રિગેડ, ડોકટરો, ૧૦૮ની ટીમ, અધીકારીઓ દોડી ગયા હતા, બચાવ કાર્ય શરૂ કરાયુ, આખરે મોકડ્રીલ જાહેર થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. ( તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા.૧: રાજકોટના રેસકોર્સ મેદાનમાં આયોજિત ‘વિરાસતથી વિકાસ' લોકમેળો-૨૦૨૬માં મેઈન ગેટથી ચોથી રાઈડમાં શોર્ટસર્કિટ થતાં ધુમાડાના ગોટા સાથે આગ ભભૂકી ઊઠી હતી, અને ૨ થી ૩ લોકો ઊંચાઈ પર ફસાઈ જતાં એકાએક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની ગણતરીના સમયમાં જ તંત્ર એક્શન મોડમાં આવ્યું, અને ફાયર વિભાગનું ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ સહિત ફાયરની ૨ ગાડીઓ તથા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ, જન રક્ષક ૧૧૨ હેલ્પલાઈનના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ફાયર ફાઇટરોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ઊંચે ફસાયેલા લોકોને સલામત રીતે નીચે ઉતાર્યા અને આગ પર કાબૂ મેળવી ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી રેસ્કયુ ઓપરેશન સફળ બનાવ્યું હતું.
આ મોકડ્રીલ દરમિયાન બે ગંભીર ક્ષતિઓ રહી જવા પામી હતી. ફાયર બ્રિગેડ રાઇડમાં ફસાયેલા લોકોને સેફટી બેલ્ટ વગર ઉતારતા અને ૧૧૨ની ટીમ મોડી આવતા ભારે દેકારો મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતા એડી કલેકટર શ્રી બારોટ તથા મેળાના અધીકારી શ્રી ઝાપડાએ ૧૧૨ની ટીમ અને ફાયર બ્રિગેડના ૨ થી ૩ અધિકારીઓનો સ્થળ ઉપર ઉધાડો લીધો હતો. તા. ૨ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા શ્નવિરાસતથી વિકાસ' લોકમેળાની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજાયેલી મોકડ્રિલના દ્રશ્યો છે. આપત્તિ સમયે તમામ વિભાગોનું સંકલન અને પૂર્વતૈયારીઓની ચકાસણી કરવાના ભાગરૂપે લોકમેળા પરિસર ખાતે મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય સહિતના વિભાગો સંયુક્ત રીતે જોડાયા હતા.
આ તકે નિવાસી અધિક કલેકટર જે.એચ. બારોટ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર.એન. મુછાર, જિલ્લા ડીસીપી ઝોન - રાકેશ દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાપડા, રાજકોટ સીટી પ્રાંત અધિકારી અતુલ સિંહ, ગ્રામ્ય પ્રાંત અધિકારી હર્ષવર્ધન જાડેજા, ડિઝાસ્ટર મામલતદાર મીરાબેન જાની, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એ. બી. ઝાલા સહિતના અધિકારીશ્રીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:02 PM IST)










