<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

બુધવારથી લોકમેળોઃ ૧૭૦૦ પોલીસ જવાનોનો બંદોબસ્‍ત, છેડતીબાજો, ખિસ્‍સાકાતરૂ પર ખાસ સ્‍ક્‍વોડની નજર રહેશે

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા-જોઇન્‍ટ પોલીસ કમિશનર ચૈતન્‍ય માંડલિકની આગેવાનીમાં ૪ ડીસીપી, ૪ એસીપી, ૧૪ પીઆઇ, ૫૪ પીએસઆઇ અને તેમની ટીમો કાર્યરત રહેશેઃ એસઓજીની ટીમો ખાસ ડ્રોનથી આકાશથી ધરતી પર નજર રાખશે ૧૦૦ સીસીટીવી કેમેરા દ્વારા કન્‍ટ્રોલ રૂમમાં સતત મોનીટરીંગ થશેઃ શી ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં મેળામાં સતત પેટ્રોલીંગ કરશેઃ લોકોને ખોટી અફવાઓથી દુર રહેવા અને કંઇપણ શંકાસ્‍પદ લાગે તો પોલીસે તુરંત જાણ કરવા અનુરોધ

રાજકોટ તા. ૩૧: બુધવારથી રેસકોર્ષના મેદાનમાં ‘વિરાસતની વિકાસ' લોકમેળાનો રંગારંગ આરંભ થવાનો છે એ દરમિયાન શહેર પોલીસ દ્વારા લોકમેળામાં લોકો આનદ કિલ્લોથી હરીફરી શકે અને ગુનેગારો અહિ પગપેસારો કરી ગુનાહિત પ્રવૃતિ ન આચરે તે માટે જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. ડીસીપી, એસીપીની દેખરેખ હેઠળ ૧૭૦૦થી વધુ સુરક્ષા કર્મચારીઓ મેળાની સુરક્ષાની જવાબદારી નિભાવશે. ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ વખતે પહેલી જ વખત પોલીસ સોલ્‍ડર બિકનનો ઉપયોગ કરશે. આ એવુ ડીવાઇસ છે જે પોલીસ કર્મચારીના ખભે  રહેશે અને તેમાં સતત લાઇટ ઝગમગ થતી રહેશે. જેથી ગુનેગારને દૂરથી જ પોલીસની હાજરીનો અહેસાસ થશે.

લોકમેળામાં ગિરદીની લાભ ઉઠાવવા ખીસ્‍સા કાતરૂઓ, આંગળીના ઇલમીઓ ઘુસી ન જાય તે માટે પોલીસ ખાસ બંદોબસ્‍ત જાળવશે. પર્સ, મોબાઇલની ચોરી ન થાય તે માટે સમગ્ર મેળામાં ખાસ સ્‍ક્‍વોડ ખાનગી ડ્રેસમાં ઘુમતી રહેશે અને આવી પ્રવૃતિ અટકાવશે. આ ઉપરાંત છેડતીના કિસ્‍સાઓ ન બને તે માટે પણ એન્‍ટી રોમીયો સ્‍ક્‍વોડ ખાસ દેખરેખ રાખશે. જેમાં મહિલા પોલીસ અધિકારી, કર્મચારીઓ ખાનગી ડ્રેસમાં પેટ્રોલીંગ કરી છેડતીબાજોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરશે. એન્‍ટી રોમીયો સ્‍ક્‍વોડ અને એન્‍ટી પીક પોકેટીંગ સ્‍ક્‍વોડને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આવી પ્રવૃતિ અટકાવવા બંદોબસ્‍તના ફિક્‍સ પોઇન્‍ટ ગોઠડવવામાં આવશે.

આ ઉપરાંત મેળામાં પેટ્રોલીંગ કરી રહેલા પોલીસ સ્‍ટાફને સોલ્‍ડર પર લગાડવા માટે ખાસ ડિવાઇસ શોલ્‍ડર બિકન આપવામાં આવશે. આ ડિવાઇસમાં લાઇટ સતત લબક ઝબક થતી રહેશે. જેથી મેળામાં જે પોલીસ કર્મચારીઓએ આ ડિવાઇસ સોલ્‍ડર પર લગાડેલુ હશે તે જે તે ગુનેગાર જો મેળામાં ઘુસ્‍યા હશે તો તેને દુરથી જ દેખાશે અને પોલીસ સતત હાજર છે તેવો અહેસાસ થશે. આ રીતે તેનો ગુનાહિત પ્રવૃતિ આચરવાથી દુર રહશે.

પોલીસ કમિશનર બ્રજેશુકમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિકના માર્ગદર્શન હેઠળ ચાર ડીસીપી, ચાર એસીપી, ૧૪ પીઆઇ, ૫૪ પીએસઆઇ સહિત ૧૬૭૬ પોલીસ જવાનોનો કાફલો તેમજ હોમગાર્ડ ટીઆરબીનો સ્‍ટાફ પણ મેળા બંદોબસ્‍તમાં ખાસ ફરજ બજાવશે. એસઓજીની બે ટીમો અધ્‍યાધુનિક ડ્રોન કેમેરાની મદદથી આકાશથી  જમીન તરફ નજર રાખશે. તેમજ મેળામાં ઉભા કરાયેલા કન્‍ટ્રોલ રૂમથી સમગ્ર ટાવરના ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરાઓ પર સતત નિષ્‍ણાંતો નજર રાખી મોનીટરીંગ કરશે.  આ તમામ કેમેરા હાઇડફીનેશન છે. કોઇપણ અણધારી ઘટના કે ઇમર્જન્‍સી આવી પડે તો તે વખતે આ ટેકનોલોજી ખુબ ઉપયોગી બનશે.

મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે શહેર પોલીસની શી ટીમ ખાસ જવાબદારી નિભાવશે. આ મહિલા પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં લોકોની વચ્‍ચે પેટ્રોલીંગ કરશે અને છેડતીબાજોને શોધી કાઢી પાઠ ભણાવશે. બાળકો ઉપર પણ નજર રાખશે અને તેમની સુરક્ષાનું ધ્‍યાન રાખશે. મેળાના પ્રવેશદ્વારો પર પણ મેટલ ડિટેક્‍ટરથી ચેકીંગ કરવામાં આવશે. લોકોને ખોટી અફવાથી દુર રહેવા અને કોઇપણ શંકાસ્‍પદ ચીજવસ્‍તુ કે વ્‍યક્‍તિ દેખાય તો તુરંત પોલીસનું ધ્‍યાન દોરવા અનુરોધ કરાયો છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા અગાઉથી મેળા ફરતે વાહનોની અવર-જવર અને નો-પાર્કિંગનું જાહેરનામુ બહાર પડાયું હોઇ તેનો સોૈએ અમલ કરવા પણ જણાવાયું છે. તેમજ ૧૪ સ્‍થળે ફ્રી પાર્કિંગની વ્‍યવસ્‍થા છે ત્‍યાં જ વાહનો પાર્ક કરવા પણ જણાવાયું છે.  ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઇ, ડીસીપી ડો. હરપાલસિંહ જાડેજાની રાહબરીમાં તમામ એસીપીના માર્ગદર્શન હેઠળ તમામ પીઆઇ, પીએસઆઇ અને તેમની ટીમો લોકમેળાનો બંદોબસ્‍ત જાળવશે.

(4:23 PM IST)