News of Monday, 31st August 2026
જન્માષ્ટમીના ખાનગી મેળા માટે આયોજકોનો મનપાના મેદાનો માટે ‘નો રિસ્પોન્સ'
ત્રણ ટીપી પ્લોટ ભાડે આપવા ટેન્ડર મંગાવ્યા, એક પણ ઓફર ન આવી : શહેરમાં ચારથી પાંચ ખાનગી મેળા માટે આયોજકોએ પ્રાઇવેટ પ્લોટ પર ઉતારી પસંદગી

રાજકોટ, તા., ૩૧: જન્માષ્ટમીના પર્વને અનુલક્ષીને શહેરમાં યોજાતા ખાનગી મેળાઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોતાના ત્રણ પ્લોટ ભાડે આપવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આ વર્ષે ખાનગી મેળાના આયોજકો તરફથી મનપાના પ્લોટ મેળવવામાં કોઈ રસ દાખવવામાં આવ્યો નથી. ત્રણ પ્લોટ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોવા છતાં એક પણ ટેન્ડર નહીં આવતાં સમગ્ર ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ ગઈ હોવાનું જાણવા મળે છે.
મ્યુનિ. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રેસકોર્સ મેદાન ખાતે આગામી તા. ૨ સપ્ટેમ્બરથી લોકમેળાનો પ્રારંભ થવાનો છે. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન શહેરમાં સરકારી લોકમેળાની સાથે વિવિધ વિસ્તારોમાં ખાનગી મેળાઓ પણ યોજાતા હોય છે. દર વર્ષની જેમ આ વખતે પણ રાજકોટ મહાનગરપાલિકાએ ખાનગી મેળાના આયોજકોને મેદાન ઉપલબ્ધ કરાવવા માટે પોતાના વિવિધ ટીપી પ્લોટ ભાડે આપવાની તૈયારી કરી હતી.
જે અંતર્ગત ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાના મવા સર્કલના કોર્નર પાસે પેટ્રોલપંપની બાજુમાં આવેલો ૯,૪૩૮ ચોરસ મીટરનો ટીપી પ્લોટ, સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ બિલ્ડિંગની સામે આવેલો ૫,૩૮૮ ચોરસ મીટરનો પ્લોટ તેમજ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર અમીન માર્ગના કોર્નર પાસે ઝેડ બ્લુની સામે આવેલો ૪,૬૬૯ ચોરસ મીટરનો પ્લોટ ખાનગી મેળા માટે ભાડે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ ત્રણેય પ્લોટ માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ આヘર્યજનક રીતે આ વર્ષે એક પણ ખાનગી મેળાના આયોજકે મનપાના પ્લોટ માટે ટેન્ડર ભર્યું ન હતું. પરિણામે ત્રણેય પ્લોટ માટેની ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ રહી છે.
બીજી તરફ શહેરમાં હાલ ચારથી પાંચ સ્થળોએ ખાનગી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલાક મેળા શરૂ પણ થઈ ચૂકયા છે. પરંતુ આ વખતે ખાનગી મેળાના આયોજકોએ મહાનગરપાલિકાના પ્લોટ ભાડે લેવાને બદલે ખાનગી માલિકીના પ્લોટ ઉપર પસંદગી ઉતારી હોવાનું સામે આવ્યું છે.
આમ, જન્માષ્ટમીના તહેવારોમાં ખાનગી મેળાઓ માટે મનપાના મેદાનોની દર વર્ષે રહેતી માંગ સામે આ વર્ષે સ્થિતિ બદલાઈ છે. મનપાએ ત્રણ વિશાળ પ્લોટ ઓફર કર્યા હોવા છતાં એક પણ ટેન્ડર ન આવતાં ખાનગી મેળાના આયોજકો માટે ખાનગી માલિકીના પ્લોટ પ્રથમ પસંદગી બન્યા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
(3:40 PM IST)










