News of Friday, 28th August 2026
કોઠારીયા રાધા પાર્કમાં નેચરોપેથી ડોકટર મહેશભાઇ સોજીત્રાનું મૃત્યુ
બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોઇ સારવાર ચાલુ હતીઃ ગઇકાલે શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્યોઃ બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૨૮: કોઠારીયામાં રહેતાં નેચરોપેથી ડોક્ટરનું ઘરે બેભાન થઇ ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ કોઠારીયામાં ડાયમંડ પાર્ટી પ્લોટ સામે રાધા પાર્ક-૨માં રહેતાં મહેશભાઇ બાબુભાઇ સોજીત્રા (ઉ.વ.૫૨) ગઇકાલે ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
મૃત્યુ પામનાર મહેશભાઇ સોજીત્રા ત્રણ ભાઇ અને અકે બહેનમાં મોટો હતાં. સંતાનમાં અઢાર અને બાર વર્ષની બે દિકરી છે. પોતે નેચરોપેથી ડોક્ટર હતાં અને ગોૈસેવાની પ્રવૃતિ સાથે પણ સકંળાયેલા હતાં. સગાના કહેવા મુજબ મહેશભાઇ સોજીત્રાને ૨૦૨૫માં બ્રેઇન સ્ટ્રોક આવી ગયો હતો અને તેના કારણે પેરેલાઇઝ થયા હતાં. આ પછી અલ્સર પણ થઇ ગયું હતું. ગઇકાલે એકાએક શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ અર્ધબેભાન જેવા થઇ ગયા હતાં. સિવિલ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. બનાવથી સોજીત્રા પરિવારમાં અને તેમના બહોળા મિત્રવર્તુળ, સગા સંબંધીઓમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(2:22 PM IST)










