News of Wednesday, 19th August 2026
લોકવિજ્ઞાન કેન્દ્રનું ઓડિટોરિયમ PPP ધોરણે નવનિર્માણ કરોઃ દરખાસ્ત નામંજુર
મનપાની સ્ટેન્ડિગ બેઠકમાં ૧૭.૨૦ કરોડના વિકાસકામો મંજુર રૂ.૧.૨૪ કરોડના ખર્ચની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરને પરત મોકલીઃ ચાર મહિનામાં PPP માટે ઓફર નહીં મળે તો નવેસરથી ટેન્ડર પ્રક્રિયાઃ શહેરના ૨૩ બગીચા ૧ વર્ષ માટે જાળવણી કરવાના કોન્ટ્રાકટરની દરખાસ્ત પેન્ડિગઃ ડિઝલ ખરીદ સહિતની ૧૪ દરખાસ્તોનો કરાયો નિર્ણય

આજે મનપાની સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં રૂ. ૧૭.૨૦ કરોડના વિકાસકામોની ૧૪ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉપરોકત તસ્વીરમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા સહિતના સભ્યો તથા ડેપ્યુટી કમિશનર, અધિકારીઓ નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ, તા.૧૯: મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે ચેરમેન પરેશ પીપળિયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કુલ ૧૪ દરખાસ્તોનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં રેસકોર્સ સંકુલ સ્થિત લોકવિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરિયમના નવીનીકરણ માટે રૂ.૧.૨૪ કરોડના ખર્ચની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી, જ્યારે શહેરના ૨૩ બગીચા સહિતના સ્થળોની જાળવણીની દરખાસ્ત અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી હતી. આ સાથે સ્ટેન્ડિગ, કમિટિમાં ૧૪ દરખાસ્તોનો નિર્ણય કરી રૂ.૧૭.૨૦ કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે.
આ અંગે સ્ટેન્ડિગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાને દરખાસ્ત અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે, રેસકોર્સ સંકુલમાં આવેલા લોકવિજ્ઞાન કેન્દ્ર કેમ્પસના ઓડિટોરિયમના નવીનીકરણ માટે મહાનગરપાલિકા દ્વારા રૂ.૧.૧૫ કરોડના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મહારાણા ડેવલોપર્સ દ્વારા અંદાજિત ખર્ચ કરતાં ૮.૧૦ ટકા વધુના ભાવે રૂ.૧.૨૪ કરોડમાં કામગીરી કરવાની ઓફર આપવામાં આવી હતી.
આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવતા મહાનગરપાલિકાના ખર્ચે રિનોવેશન કરાવવાના બદલે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP)ના ધોરણે ઓડિટોરિયમનું આધુનિકીકરણ અને નવીનીકરણ થઈ શકે તે માટે પ્રયાસ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આ સાથે રૂ.૧.૨૪ કરોડના ખર્ચની દરખાસ્ત નામંજૂર કરી કમિશનરને પરત મોકલવામાં આવી છે.
PPP ધોરણે ઓડિટોરિયમના નવીનીકરણ માટે આગામી ચાર મહિના સુધી પ્રયાસ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન યોગ્ય ઓફર નહીં મળે તો મહાનગરપાલિકા દ્વારા નવેસરથી ટેન્ડર પ્રસિદ્ધ કરી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
લોકવિજ્ઞાન કેન્દ્રના આ ઓડિટોરિયમનું સંચાલન અગાઉ ભારત સેવક સમાજને ફાળવવામાં આવ્યું હતું અને ત્યારબાદ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટને સોંપવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૯૭માં રાજકોટ મહાનગરપાલિકા, અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને સરગમ ક્લબ એમ ચાર પક્ષો વચ્ચે આ અંગે સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો.
૨૩ બગીચાની જાળવણી માટે રૂ.૧.૩૦ કરોડની દરખાસ્ત પેન્ડિંગ
સ્ટેન્ડિંગ કમિટીએ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા અલગ-અલગ ૨૩ બગીચા, સિનિયર સિટીઝન પાર્ક અને બાળ ક્રીડાંગણની એક વર્ષ માટે જાળવણી અને નિભાવણીનો કોન્ટ્રાક્ટ આપવા રૂ.૧.૩૦ કરોડના ખર્ચની દરખાસ્ત હાલ પેન્ડિંગ રાખી છે. સંબંધિત એજન્સી દ્વારા કઈ-કઈ કામગીરી કરવામાં આવશે તેનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ આ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.
દરમિયાન સોલિડ વેસ્ટ પ્રોજેક્ટ સહિત મહાનગરપાલિકાના અન્ય પ્રોજેક્ટ માટે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર સર્વિસીસ ઇન્કોર્પોરેટેડને કન્સલ્ટન્સીની કામગીરી સોંપવા રૂ.૧.૧૧ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૬-૨૭ અને ૨૦૨૭-૨૮ના સ્ટેચ્યુટરી ઓડિટ માટે વડોદરાના વિજય તેવરની ઓડિટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને ડાયલ-૧૧૨ સાથે ઇન્ટિગ્રેટ કરવા માટે રૂ.૮ કરોડના ખર્ચને પણ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. આ કામગીરી ફાયર વિભાગ અને આઇટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવશે.
(3:47 PM IST)










