<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્‍ટ્રગીતના થયેલા અપમાનના વિરોધમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્‍ડલ માર્ચ

રાજકોટ : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રાષ્‍ટ્રીય કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રાષ્‍ટ્રગીતનું ગંભીર અપમાન થાય તે પ્રકારની હરકતો અને બેદરકારી સામે ભારે રોષ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે. રાષ્‍ટ્રગીત એ દેશની આન, બાન અને શાનનું પ્રતિક છે અને તેનો અનાદાર શાખી લેવાય નહીં તેવા સ્‍પષ્ટ સંદેશ સાથે રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા અકિલા ચોકથી કિશાનપરા ચોક અને મહિલા અન્‍ડરબ્રીજ સુધી વિશાળ કેન્‍ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કેન્‍ડલ માર્ચમાં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી, પ્રદેશ યુવા મોરચાના મંત્રી, શહેરના મેયર, યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને દેશપ્રેમી નાગરિકો મોટી સંખ્‍યામાં હાથમાં મીણબત્તીઓ અને રાષ્‍ટ્રધ્‍વજ સાથે જોડાયા હતા. મહિલા અન્‍ડરબ્રીજ સુધી યોજાયેલી આ માર્ચ દરમિયાન કોંગ્રેસની રાષ્‍ટ્રવિરોધી અને બેજવાબદાર માનસિકતા વિરૂદ્ધ સખત સૂત્રોચ્‍ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્‍યો હતો. યુવા મોરચાના નેતાઓએ જણાવેલ કે, કોંગ્રેસ પક્ષ વારંવાર બંધારણીય મૂલ્‍યો અને રાષ્‍ટ્રીય પ્રતિકોનું અપમાન કરતો આવ્‍યો છે. રાષ્‍ટ્રગીત દરમિયાન અશિસ્‍ત અને અનાદર દાખવવો એ દેશના કરોડો નાગરિકોની ભાવનાઓ સાથે ખિલવાડ છે. આવા કળત્‍ય બદલ કોંગ્રેસે દેશની જનતાની માફી માંગવી જોઈએ. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી ડો. દેવાંગીબેન મૈયડ, પ્રદેશ ભાજપ યુવા મોરચા મંત્રી જયભાઈ શાહ, રાજકોટ વિધાનસભા-૬૯ ના ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટના મેયર ડો. નેહલકુમાર શુકલ, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, દંડક સંજયસિંહ રાણા, શહેર યુવા મોરચાના પ્રમુખ મીલનભાઈ લીંબાસીયા, મહામંત્રી જયકિશનભાઈ ઝાલા, હિમાંશુભાઈ રાજયગુરૂ, કોર્પોરેટરો, રાજકોટ શહેર સંગઠનના હોદ્દેદારો તથા વિશાળ સંખ્‍યામાં યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા અને રાષ્‍ટ્રગીતના સન્‍માનની રક્ષા માટે ભવિષ્‍યમાં પણ આવા વિરોધ પ્રદર્શનો ચાલુ રાખવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કર્યો હતો.

(2:59 PM IST)