તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 19th August 2026
બે મહિનામાં પરિવારના ત્રણ સ્વજનોની વિદાયઃ માતાના વિયોગમાં કારખાનેદાર યુવાન કરણ પરમારનો આપઘાત
ગોપાલનગરના પરમાર-લુહાર પરિવારમાં કાળો કલ્પાંતઃ ૧૮-૬ના રોજ હિતેષભાઇ પરમારનું બિમારીથી મૃત્યુ થતાં વિયોગમાં ૧૭-૮ના પત્નિ પારૂલબેને ઝેરી પાવડર પી જીવ દીધો, ૧૯મીએ ૨૮ વર્ષના દિકરાએ પણ મોત વ્હાલુ કર્યુ : આવતીકાલે માતાનું બેસણું રખાયું હોઇ એ પહેલા આજે જુવાનજોધ દિકરાની અરથી ઉઠીઃ સ્મીત પરમારે પિતા, માતા, ભાઇ ગુમાવ્યા

પિતા અને માતાના વિયોગમાં આપઘાત કરનાર કરણભાઇ પરમારનો નિષ્પ્રાણ દેહ અને ફાઇલ ફોટો, પરમ દિવસે આપઘાત કરી લેનારા તેના માતા પારૂલબેનની તેમજ બે મહિના પહેલા અવસાન પામનાર પિતા હિતેષભાઇ પરમારની તસ્વીર જોઇ શકાય છે.
રાજકોટ તા. ૧૯: અમુક વખત કુદરત વજ્રઘાત કરતી હોય છે જેના કારણે જે તે પરિવારના હર્યાભર્યા માળા વિખેરાઇ જતાં હોય છે. આવી જ એક ઘટના રાજકોટના ગાયત્રીનગર રોડ પર આવેલા ગોપાલનગરમાં બની છે. જ્યાં બે મહિનામાં એક જ પરિવારના ત્રણ ત્રણ સ્વજનોના મૃત્યુ થતાં કાળો કલ્પાંત સર્જાયો છે. બે મહિના પહેલા ઘરના મોભીનું મૃત્યુ થયું હતું. તેમના વિયોગમાં બે દિવસ પહેલા ૧૭મીએ પત્નિે આપઘાત કરી લીધો હતો. તેમનું આવતીકાલે બેસણું રાખવામાં આવ્યું હોઇ એ પહેલા ૨૮ વર્ષના કારખાનેદાર દિકરાએ ઝેરી પાવડર પી લેતાં તેનું આજે વહેલી સવારે મૃત્યુ થયું હતું. તેણે પિતા અને માતાના વિયોગમાં આ પગલુ ભર્યુ હતું. પરમાર પરિવાર પર આ બનાવોને કારણે વજ્રઘાત થયો છે.
જાણવા મળ્યા મુજબ ગાયત્રીનગર મેઇન રોડ પર ગોપાલનગર-૧માં રહેતાં કરણભાઇ હિતેષભાઇ પરમાર-લુહાર (ઉ.વ.૨૮) નામના યુવાને ગઇકાલે બપોરે બારેક વાગ્યે ગોંડલ રોડ ચોકડી વિરાણી અઘાટ પાસે કામનાથ વે બ્રીજ સામે આવેલા પોતાના કારખાના ખાતે સેલ્ફોસ નામનો ઝેરી પાવડર પી લેતાં સારવાર માટે દાખલ કરાયેલ. પરંતુ આજે વહેલી સવારે તેણે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળ્યા મુજબ આપઘાત કરનાર કરણભાઇ બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. તેનાથી નાના ભાઇનું નામ સ્મીતભાઇ પરમાર છે. પોતે ભાઇ સાથે ગેસ વેલ્ડીંગના કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવતો હતો. કરૂણતા એ છે કે કરણભાઇના પિતા હિતેષભાઇ અમરશીભાઇ પરમાર (ઉ.વ.૫૩)નું બે મહિના પહેલા તા. ૧૮-૬-૨૬ના રોજ બિમારીને કારણે અવસાન થયું હતું. મોભીના મોતથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
પતિ હિતેષભાઇના અવસાન પછી પત્નિ પારૂલબેન પરમાર (ઉ.વ.૪૮) સતત શોકમાં રહેતાં હતાં. આ દરમિયાન બે લ્દવસ પહેલા ૧૭/૮/૨૬ના રોજ પારૂલબેને પતિના વિયોગમાં ઘરે ઘઉંમા રાખવાનો પાવડર પી લેતાં તેમને સારવાર માટે દાખલ કરાયા હતાં. પરંતુ તેમનો જીવ બચ્યો નહોતો. બે મહિનામાં બબ્બે સ્વજનોની વિદાયથી પરમાર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. પિતા બાદ માતાને પણ ગુમાવતાં મોટો પુત્ર કરણભાઇ ખુબ જ દુઃખી થઇ ગયો હતો. આવતીકાલે ૨૦મીએ તેના માતા પારૂલબેન પરમારનું બેસણું રખાયું હોઇ એ પહેલા ગત સાંજે કરણભાઇએ પણ કારખાને સેલ્ફોસ પાવડર પી લેતાં સારવાર માટે દાખલ કરાયેલ. તેનું આજે સવારે મૃત્યુ થતાં પરમાર પરિવારજનો પર વજ્રઘાત થયો છે. કરણભાઇએ પિતા, માતાના વિયોગમાં આ પગલુ ભરી લીધાનું સગાએ જણાવ્યું હતું.
આમ બે મહિનામાં જ એક જ પરિવારના માતા-પિતા અને યુવાન દિકરાના મૃત્યુને પગલે પરિવારજનો, સગા સંબંધીઓ અને પાડોશીઓમાં પણ ગમગીની વ્યાપી ગઇ છે. સોૈથી નાના સ્મીતભાઇ પરમારે પિતા, માતા પછી હવે આધારસ્તંભ એવા મોટા ભાઇને પણ ગુમાવી દેતાં તે ઉંડા આઘાતમાં ગરક થઇ ગયો છે.
(2:36 PM IST)










