News of Monday, 17th August 2026
સોખડા નજીક વાંકાનેરનો બુટલેગર રાજુ ઉર્ફે ડિમ્પલ દેશી દારૂ સાથે ઝડપાયો
અગાઉ હત્યાનો પ્રયાસ સહિત ૧૪ ગુનામાં સામેલ પીસીબીનો દરોડોઃ કાર સહીત રૂ.૪.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જેઃ ઘીયાવડના રાજદીપસિંહનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૧૭: રાજકોટની ભાગોળે સોખડા ચોકડીથી સોખડા ગામ તારફ જતા રોડ પરથી પીસીબીએ બાતમીના આધારે દરોડો પાડી કારમાં દેશી દારૂનો મોટો જથ્થો લઇને નીકળેલા વાંકાનેરના બુટલેગર રાજુ ઉર્ફે ડિમ્પલ કૃષ્ણમુરારી યાદવ (ઉ.વ.૩૪)ને ઝડપી લઇ પુછતાછ કરતાં રાજદિપસિંહ પ્રદ્યુમ્નસિંહ ઝાલા (રહે.ઘીયાવડ, તા.વાંકાનેર)નું નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે.
પ્રાપ્ત વિગત મુજબ સોખડા ચોકડીથી સોખડા ગામ તરફ જતા રસ્તે બાતમીના આધારે પીસીબીની ટીમ એક કાર અટકાવી હતી.પૂછપરછ કરતા ચાલકે પોતાનું નામ રાજુ ઉર્ફે ડિમ્પલ યાદવ જણાવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી રૂ.૩૦ હજારની કિંમતનો દેશી દારૂનો ૧૫૦ લિટરનો જથ્થો મળી આવતા કારસહીત કુલ રૂ.૪.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બુટલેગર રાજુ ઉર્ફે ડિમ્પલ અગાઉ રાજકોટમાં કુવાડવા,તાલુકા,અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મથકમાં હત્યાના પ્રયાસ, દારૂ, હથિયાર ઉપરાંત ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકમાં હથિયાર સહીત કુલ ૧૪ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.જયારે રાજદીપસિંહ વાંકાનેરમાં દારૂ સહીત ૩ ગુનામાં સંડોવાઈ ચુકયો છે. પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા અને ટીમે કિરતસિંહ ઝાલા અને વાલજીભાઇ જાડાની બાતમી પરથી આ કામગીરી કરી હતી.
(2:23 PM IST)










