News of Monday, 17th August 2026
હીરાસર એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય તથા કાર્ગો કામગીરી તાત્કાલીક શરૂ કરવા ઉડ્ડયન મંત્રીને રજૂઆત
વાંકાનેરના પ્રજાવત્સલ રાજવી (સાંસદ) કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા

(લિતેશ ચંદરાણા દ્વારા) વાંકાનેર તા.૧૭: વિશ્વસ્તરીય ગ્રીનફિલ્ડ રાજકોટ (હિરાસર) આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સંપૂર્ણપણે તૈયાર હોવા છતાં, તેના કાર્ગો ટર્મિનલને કાર્યરત કરવામાં તથા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવામાં થઈ રહેલો વિલંબ અર્થતંત્રના વિકાસમાં અવરોધરૂપ બની રહ્યો છે. આ વિલંબ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોના વેપારને સીધી અસર કરી રહ્યો છે અને ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશની ૧૨ લોકસભા બેઠકોના અર્થતંત્રને અસર પહોંચાડી રહ્યો છે. આ ૧૨ લોકસભા મતવિસ્તારોમાં એન્જિનિયરિંગ ઉત્પાદનો, MSME ઉદ્યોગો, સિરામિક્સ, બ્રાસ પાર્ટ્સ અને ઝવેરાત જેવા વિશ્વભરમાં જાણીતા ઔદ્યોગિક કેન્દ્રો આવેલા છે. તેમ છતાં, આ વિસ્તારોને ગંભીર સપ્લાય ચેઇન સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નિકાસકારોને ઊંચી કિંમતના માલસામાનને અમદાવાદ અથવા મુંબઈ થઈને મોકલવાની ફરજ પડે છે, જેના કારણે ટ્રાન્ઝેક્શન ખર્ચમાં વધારો થાય છે અને વૈશ્વિક બજારમાં તેમની સ્પર્ધાત્મકતા પર નકારાત્મક અસર પડે છે.
સાથે સાથે, મોટી સંખ્યામાં રહેલા આપણા NRI સમુદાય અને બિઝનેસ પ્રવાસીઓને પણ સતત મુસાફરીની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કારણ કે ગલ્ફ દેશો તથા અન્ય મોટા આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિટ સ્થળો માટે સીધી ફ્લાઇટ્સ ઉપલબ્ધ નથી. સીધી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીના અભાવને કારણે સોમનાથ અને દ્વારકા જેવા મુખ્ય યાત્રાધામો તેમજ ગીર વન્યજીવ અભયારણ્યના પ્રવાસનને પણ નુકસાન થઈ રહ્યું છે. હિરાસર એરપોર્ટ ખાતે કામગીરી શરૂ કરવી અત્યંત જરૂરી છે. તે મુંબઈ અને અમદાવાદ જેવા જૂના એરપોર્ટ પર હાલમાં વધી રહેલા ભારે કાર્ગો અને મુસાફરોના ભારણને ઘટાડવામાં મદદ કરશે તથા નિકાસકારોને તેમના માલસામાનની સીધી હેરફેર હિરસર એરપોર્ટ મારફતે કરવાની સુવિધા આપશે.
ગુજરાતના મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને નિકાસ ક્ષેત્રોની સંપૂર્ણ ક્ષમતાને કોઈ વધુ વિલંબ વિના સાકાર કરવા માટે, રાષ્ટ્રીય લોજિસ્ટિક્સને પ્રાથમિકતા આપીને કાર્ગો ટર્મિનલ માટેની જરૂરી મંજૂરી/નોટિફિકેશન પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે અને હિરાસર એરપોર્ટથી સીધી આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય ફ્લાઇટ્સ શરૂ કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે.
(11:25 AM IST)










