તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Friday, 12th June 2026
સાહેબ, ચોમાસું માથે છે, નાના છોકરાઓ- વડીલોને લઈને ક્યાં જઈએ?
રાજકોટમાં ૭૯૨ ગરીબ પરિવારોના આશરા પર RMCની નોટિસનો હથોડોઃ પ૦ વર્ષથી લોહી-પાણી એક કરીને વસાવેલું ઘર પાંચ જ દિવસમાં ખાલી કરવાના આદેશથી હજારો આંખોમાં આંસુની હેલી : બોર્ડે પોતાના ખર્ચે મકાન સાંધવાની મંજૂરી આપી પણ કોર્પોરેશને પાયાની સુવિધાઓ છીનવી લેવાની ધમકી આપી : અમોને ઘરથી બેઘર કરશો તો ન્યાય માટે આંદોલનના માર્ગે ઉતરીશું - ચોધારે આંસુએ રડતી મહિલાઓનીમ્યુનીસીપલ કમિશનરને આર્તનાદ ભરી વિનંતી

રાજકોટ : ચોમાસાના કાળા ડિબાંગ વાદળો માથે ગાજી રહ્યા છે અને આભમાંથી ગમે ત્યારે વરસાદ તૂટી પડવાની તૈયારી છે, બરાબર એવા જ સમયે રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા શહીદ ભગતસિહ ગાર્ડન પાછળના ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ (શ્રી ગોકુળ નગર હાઉસિગ સોસાયટી)ના ૭૯૨ પરિવારો પર આભ તૂટી પડ્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને માત્ર ૫ાંચ જ દિવસમાં પોતાના પાકા આશરા ખાલી કરી દેવાની કાળજું કંપાવી દેતી નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા માત્ર મકાન ખાલી કરવાનો જ આદેશ નથી અપાયો, પણ જો ૫ દિવસમાં ઘર ન છોડાય તો લાઈટ અને પાણી જેવી જીવાદોરી સમાન પાયાની સુવિધાઓ કાપી નાખવાની ગર્ભિત ધમકી પણ આપવામાં આવી છે, જેને પગલે સોસાયટીના હજારો વડીલો, મહિલાઓ અને નિર્દોષ ભૂલકાંઓના ચહેરા પરથી રાતની ઊંઘ અને દિવસનું ચેન હરામ થઈ ગયું છે.
છેલ્લા ૩૦-૩૦ વર્ષથી લોહી-પાણી એક કરીને, પેટે પાટા બાંધીને જે ઘરના ઓટલા વસાવ્યા, જ્યાં આખી જિદગીની મૂડી રોકીને પરિવારો મોટા કર્યા, એ ઘરને ૫ દિવસમાં છોડી દેવાનો સત્તાધિશોનો આદેશ સાંભળીને સોસાયટીની અનેક વૃદ્ધ માતાઓ અને બહેનો ચોધારે આંસુએ રડી પડી હતી. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, અમે કાયદેસરના દસ્તાવેજો ધરાવતા માલિકો છીએ, કોઈ દબાણકર્તા નથી. એક તરફ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ અમને અમારા પોતાના ખર્ચે જર્જરિત મકાનોનું સમારકામ અને રિનોવેશન કરવાની લેખિત મંજૂરી આપી ચૂક્યું છે અને ઘણા લોકોએ લાખો રૂપિયા ખર્ચીને મકાનો સાંધ્યા પણ છે, ત્યારે બીજી તરફ કોર્પોરેશન કઈ મિલીભગત કે ઉતાવળમાં અમને રસ્તા પર લાવી દેવા માંગે છે તે સમજાતું નથી. રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું કે કોર્પોરેશને જે અહેવાલના આધારે નોટિસ આપી છે તે તદ્દન હવામાં તીર મારવા જેવો અને ભૂલોથી ભરેલો છે, જેમાં ગ્રાઉન્ડ પ્લસ વન (એક માળ)ના મકાનોને ગ્રાઉન્ડ પ્લસ ટુ (બે માળ)ના દર્શાવી દેવાયા છે અને તંત્ર પાસે આ બિલ્ડિંગના અસલ નકશા સુધીની વિગતો નથી.
પોતાના આશરાને ઉજ્જડ થતો બચાવવા માટે આ વંચિત પરિવારોએ હવે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને ગાંધીનગર દરબાર સુધી ન્યાયની આશાએ ઘા નાખી છે. રહીશોની એક જ દર્દભરી માંગ છે કે, બંધારણીય રીતે કોઈપણ નાગરિકને વૈકલ્પિક રહેઠાણ આપ્યા વિના આ રીતે ઘરવિહોણા ન કરી શકાય. અમો અમારા ખર્ચે અમારા ઘરનું રીપેરીંગ કરાવી નાખીશું. પરંતુ, ચોમાસાના આ ટાણે જો બળજબરીપૂર્વક લાઈટ-પાણી કાપીને હજારો જીવોને રસ્તા પર લાવી દેવામાં આવશે, તો ન્યાયના હક માટે અને પોતાના માળખાને બચાવવા માટે આ અબાલ-વૃદ્ધ સૌ કોઈ રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન છેડશે. તેમ મહિલાઓએ અંતમાં જણાવ્યું હતું. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:34 PM IST)










