News of Thursday, 11th June 2026
૨ સપ્ટેમ્બરથી લોકમેળો રેસકોર્ષમાં યોજાશે
તા.૬ સપ્ટેમ્બરના રવીવારે મેળાની પૂર્ણાહૂતિઃ ૧૦ થી ૧૫ લાખ લોકો ઉમટી પડશે : કાલે સવારે કલેકટરના અધ્યક્ષપદે પ્રથમ બેઠક : આ વખતે મેળાનું સવારે ઉદ્દઘાટન થાય તેવી શકયતાઃ ભુપેન્દ્રભાઈનો સમય લેવા કલેકટર દ્વારા તજવીજ શરૂ...

રાજકોટ, તા.૧૧: રાજકોટનો પ્રખ્યાત પરંપરાગત લોકમેળો આ વર્ષે પણ તેના મૂળ સ્થાને એટલે કે શહેરના રેસકોર્સ મેદાન ખાતે જ યોજાશે. છેલ્લા બે વર્ષથી જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક ધારાસભ્યો દ્વારા આ લોકમેળાને જામનગર રોડ પર અટલ સરોવર નજીક ‘ન્યુ રેસકોર્સ' ખાતે ખસેડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જો કે, મેદાન સમતલ કરવા અને જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રાજ્ય સરકાર પાસે માંગવામાં આવેલી રૂ. ૧૮ કરોડની ગ્રાન્ટ હજુ સુધી મંજૂર ન થતાં, તંત્રએ આખરે આ વર્ષ પૂરતો મેળો જૂના રેસકોર્સ મેદાનમાં જ યોજવાનું નક્કી કર્યું છે. વહીવટી તંત્ર દ્વારા પ્રિ-પ્લાનિંગ અને આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ વર્ષે લોકમેળો આગામી ૨ સપ્ટેમ્બરથી શરૂ થશે અને સતત પાંચ દિવસ સુધી એટલે કે ૬ સપ્ટેમ્બર સુધી ચાલશે. સામાન્ય રીતે સાતમપ્રઆઠમના તહેવારો દરમિયાન યોજાતો આ મેળો રાંધણ છઠ્ઠના દિવસથી વિધિવત રીતે શરૂ થઈ જશે. પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાંથી અંદાજે ૧૦ થી ૧૫ લાખ જેટલા લોકો આ મેળાની મુલાકાત લેતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને રેસકોર્સ મેદાનમાં જ તમામ પ્રકારના સ્ટોલ, ખાણી-પીણી બજાર, રમકડાના સ્ટોલ અને નાની-મોટી યાંત્રિક રાઈડ્સ ગોઠવવાનો પ્લોટિંગ તૈયાર કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
લોકમેળાના આયોજન માટે આવતીકાલે રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘લોકમેળા સમિતિ'ની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, સંબંધિત નાયબ મામલતદારો તેમજ કોર્પોરેશન, પોલીસ, પીજીવીસીએલ અને માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને ફરજિયાત હાજર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ પ્રથમ બેઠકમાં જ મેળાની વિવિધ પેટા સમિતિઓ જેવી કે સ્ટોલ વિતરણ સમિતિ, કાયદો-વ્યવસ્થા સમિતિ, સાંસ્કળતિક સમિતિ અને આરોગ્ય સમિતિની રચના કરવામાં આવશે.
(3:01 PM IST)










