News of Friday, 10th April 2026
જામનગર રોડ નવી કોર્ટ બીલ્ડીંગ નજીક કારની ઠોકરે ૪ વર્ષના બાળક રાજનું મોત
કોર્ટની તારીખમાં પરિવાર સાથે પિતાને મળવા આવ્યોતો'ને કાળ આંબી ગયોઃ ત્રણ બહેનોના એકના એક ભાઇના મોતથી પરિવારમાં કલ્પાંત

તસ્વીરમાં અકસ્માતમાં મોતને ભેટેલ બાળકની તસ્વીર.
રાજકોટ, તા. ૧૦: શહેરના જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ બિલ્ડીંગ પાસે આજે એક કાળજું કંપાવનારી ઘટના બની છે. પોતાના પિતાને મળવાની આશાએ આવેલો ચાર વર્ષનો માસૂમ બાળક બેફામ સ્પીડે આવતી ક્રેટા કારની અડફેટે આવી જતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ત્રણ બહેનોના એકના એક લાડકવાયા ભાઈના નિધનથી પરિવારમાં માતમ છવાયો છે.
મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર શેઠનગર નજીક રહેતા હિતેશભાઈ વાજલીયાનો ૪ વર્ષનો પુત્ર રાજ આજે બપોરે તેના ફઈ વસંતબેન અને અન્ય સંબંધીઓ સાથે નવી કોર્ટ ખાતે ગયો હતો. રાજના પિતા હિતેશભાઈ હાલ હત્યાના એક ગુનામાં જેલમાં છે અને આજે તેમની કોર્ટમાં મુદત (તારીખ) હોવાથી પરિવાર માસૂમ રાજને તેના પિતા સાથે મુલાકાત કરાવવા લઈ જઈ રહ્યો હતો. દરમિયાન નવી કોર્ટ પાસે આવેલી એક હોટલ નજીક પરિવાર ઉભો હતો, ત્યારે જ પૂરપાટ ઝડપે આવેલી એક અજાણી ક્રેટા કારે રાજને જોરદાર ઠોકર મારી હતી.રાજને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મળત જાહેર કર્યો હતો.
પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અકસ્માત સર્જનાર ક્રેટા કારનો ચાલક કાળો કોટ પહેરેલો હતો અને અકસ્માત બાદ તે સીધો જ કાર લઈને કોર્ટ કમ્પાઉન્ડમાં ભાગી ગયો હતો, જેથી તે વકીલ હોવાની પૂરેપૂરી શકયતા છે. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી ફરાર કારચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
(3:34 PM IST)










