<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

રાજ્યમાં ૫ આઈએએસ-જીએએસ અધિકારીઓની બદલી : મહેસાણા અને નડિયાદને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર

ગાંધીનગરમાં માહિતી કમિશનર કે. એલ. બચાણીને વિકાસ કમિશનરનો મહત્વનો વધારાનો હવાલો સોંપાયો

રાજકોટ: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડીને રાજ્યના ૫ વહીવટી અધિકારીઓની બદલી અને વધારાના હવાલાની જાહેરાત કરવામાં આવી છે. અન્ડર સેક્રેટરી જૈમીન શાહની સહીથી બહાર પડેલા આદેશ મુજબ મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી જાસ્મીન હસરતને (આઈએએસ ૨૦૧૮) મહેસાણા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. ખેડાના નિવાસી અધિક કલેક્ટર શ્રી જે. બી. દેસાઈને (જીએએસ) નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે.

સત્તાવાર અહેવાલો મુજબ આ અગાઉ વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂકેલા ગાંધીનગરના માહિતી કમિશનર શ્રી કે. એલ. બચાણીને (આઈએએસ ૨૦૧૦) શ્રી એચ. કે. કોયાની નિવૃત્તિથી ખાલી પડેલી વિકાસ કમિશનરની જગ્યાનો વધારાનો હવાલો સોંપાયો છે. 

અમદાવાદના પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર ડૉ. પ્રશાંત જિલોવાને (આઈએએસ ૨૦૧૭) અમદાવાદના અધિક રાજ્ય વેરા કમિશનરનો વધારાનો ચાર્જ અપાયો છે. 

આ ઉપરાંત અમરેલીના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી કે. જે. જાડેજાને (જીએએસ) અમરેલીના જિલ્લા વિકાસ અધિકારીનો વિશેષ હવાલો સોંપવામાં આવ્યો છે. રાજ્યપાલશ્રીના આદેશાનુસાર આ ફેરફારો તાત્કાલિક અસરથી લાગુ થશે.

(1:10 AM IST)