News of Thursday, 26th March 2026
રાજકોટના વોર્ડ નં. ૧૫માં ‘વા ફરે, વાદળ ફરે પણ મતદારો ન ફરે' : કોંગ્રેસનો અકબંધ ગઢ : આ વખતે શું?
ભાજપે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી છતાં વશરામ સાગઠિયા સામે નિષ્ફળઃ અનેક નવા ચહેરાઓ હાર્યા

રાજકોટ, તા.૨૬ : મહાનગરપાલિકાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સામાકાંઠાના વોર્ડ નં. ૧૫માં ભાજપ માટે જીતવું કપરું બની ગયું છે. કોંગ્રેસમાંથી આવેલા કોર્પોરેટરોને પક્ષમાં ભેળવવા છતાં આ વિસ્તાર ભાજપના અથાગ પ્રયાસ છતાં કોંગ્રેસમુક્ત થઈ શક્યો નથી. અહીં ઓબીસી અને અન્ય જ્ઞાતિઓનું વર્ચસ્વ છે, જેમાં હાલના કોર્પોરેટર અને કોંગ્રેસના અગ્રિમ રોડ ન નેતા શ્રી વશરામ સાગઠિયાનો દબદબો કાયમ રહ્યો છે. ભાજપના અનેક દિગ્ગજો અહીં હારનો સામનો કરી ચૂક્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સામાકાંઠા વિસ્તારના મતદારોનો મિજાજ હંમેશા અલગ અંદાજમાં જ જોવા મળે છે. ખાસ કરીને વોર્ડ નં. ૧૫ની વાત કરીએ તો આ વિસ્તાર વર્ષોથી કોંગ્રેસનો અભેદ્ય ગઢ રહ્યો છે. ‘વા ફરે, વાદળ ફરે પણ વોર્ડ નં. ૧૫ના કોંગ્રેસના મતદારો ક્યારેય ન ફરે' તેવી કહેવત અહીં સાર્થક થતી જોવા મળે છે. નવા સમીકરણો મુજબ આ વોર્ડમાં એક ઓબીસી મહિલા, એક સામાન્ય મહિલા, એક ઓબીસી પુરુષ અને એક સામાન્ય પુરુષની બેઠક આવે છે, પરંતુ અહીં ભાજપના કોઈ સમીકરણો પાર પડતા નથી.
ગત કોર્પોરેશનની ચૂંટણીમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ૭૨ માંથી ૬૮ કોર્પોરેટરો ભાજપના ચૂંટાયા હતા, પરંતુ વોર્ડ નં. ૧૫માં ભાજપનો ગજ વાગ્યો ન હતો અને ચારે ચાર કોર્પોરેટરો કોંગ્રેસના ચૂંટાઈ આવ્યા હતા. આ વોર્ડમાં મુખ્યત્વે કોળી, દલિત, આહિર, મુસ્લિમ, કાઠી, માલધારી અને પ્રજાપતિ જ્ઞાતિનો સમાવેશ થાય છે. ભાજપ દરેક વખતે શ્રી વશરામ સાગઠિયા સામે નવા ચહેરાઓને મેદાનમાં ઉતારીને સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવે છે, છતાં તેમને પરાજયનો સ્વાદ ચાખવો પડે છે. ભાજપે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા દેવજી ખીમસૂરિયા અને નીતિન વ્યાસ જેવા કોર્પોરેટરોને પોતાનામાં ભેળવીને જીત મેળવવાના હવાતિયાં માર્યા છે, પરંતુ સફળતા મળી નથી. પૂર્વ ધારાસભ્યના પુત્ર અને વર્તમાન ધારાસભ્યના પતિશ્રી મનહર બાબરિયા, શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખશ્રી રમેશ પરમાર, વરજાગ હુંબલ, વિનોદ કુમારખાણિયા, ગીતાબેન પારખી જેવા ભાજપના અનેક કાર્યકર્તાઓએ અહીં હારનો સામનો કરવો પડ્યો છે.
જોકે, વિકાસની દ્રષ્ટિએ આ વોર્ડમાં કેટલાક પ્રશ્નો ઊભા છે. લોકોમાં એવી ચર્ચા છે કે વશરામભાઈ વિકાસના કામોમાં ધ્યાન આપવાને બદલે કોર્પોરેશનના જનરલ બોર્ડમાં દેખાવો કરવા, માઈકના છૂટા ઘા કરવા અને મીડિયા સમક્ષ સહાનુભૂતિ મેળવવામાં વધુ સક્રિય રહે છે. પદાધિકારીઓની એન્ટી ચેમ્બરમાં બેસીને ચા-પાણી અને સીંગની જયાફત ઉડાવતા હોવાના અને ‘મારા વોર્ડને બદલે મારું શું?' તેવી નીતિ રાખતા હોવાના આક્ષેપો પણ તેમના પર લાગ્યા છે. વિરોધ પક્ષના નેતાના પતિદેવ સાથેના ઝઘડા પણ ચર્ચાનો વિષય બન્યા છે.
કોંગ્રેસમાં જૂથવાદ હોવા છતાં અને શ્રી વશરામ સાગઠિયા એક હાથમાં પંજો અને માથે ટોપી પહેરીને ચાલતા હોવા છતાં, ચોપાટની આ સોગઠાંબાજીમાં તેઓ મેદાન મારી જાય છે તે હકીકત છે.
હાલમાં આ વોર્ડમાં વશરામ સાગઠિયા, મકબૂલ દાઉદાની, ભાનુબેન સોરાણી અને કોમલબેન ભરાઈ ચૂંટાયેલા છે. ચુનારાવાડ ચોક, દૂધની ડેરી, થોરાળા અને ગંજીવાડા જેવા વિસ્તારો ધરાવતા આ વોર્ડમાં આગામી ચૂંટણીમાં પણ ભાજપ નવા ચહેરા ઉતારશે, પરંતુ મતદારો કોની પસંદગી કરશે તે જોવું રસપ્રદ રહેશે.
(3:31 PM IST)










