News of Saturday, 21st March 2026
ભાગીદારીમાં ડમ્પર ખરીદી ધંધો કરવાના નામે નાગેશ્વરના યુવાન સાથે ૧૪ લાખની છેતરપીંડી
રામનાથપરા સ્મશાન નજીક રેંકડી રાખી નાઇટ ડ્રેસ વેંચતા પાર્થ જોષી સાથે જુના પાડોશી પ્રતાપ બોરીચાએ ઠગાઇ કર્યાની ફરિયાદઃ ડમ્પર ભાગીદારીમાં ખરીદ કર્યા બાદ નફા પેટે કંઇ ન દેતાં પોતાની રકમ પાછી માંગતા ખૂનની ધમકીઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૧: શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને રામનાથપરા સ્મશાન પાસે નાઈટ ડ્રેસનો વેપાર કરતા એક બ્રાહ્મણ યુવાનને પરિચિત પાડોશીએ જ ડમ્પરના વ્યવસાયમાં ભાગીદાર બનાવી મસમોટો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાઈ છે. આર્થિક રોકાણ કરાવ્યા બાદ નફો આપવાને બદલે આરોપીએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ મામલે ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ નાગેશ્વર પાર્શ્વનાથ હાઇટ્સ એ-વીંગ બ્લોક નંઉ ૫૦૧ આશાપુરા મોલ ઉપર રહેતાં પાર્થ કિશોરભાઇ જોષી (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી શીતલ પાર્ક ચોક આરકે આઇકોનીક બિલ્ડીંગ પાછળ ગોલ્ડન હાઇટ્સ બ્લોક નં. ૩૦૪માં રહેતાં પ્રતાપ આપાભાઇ બોરીચા વિરૂધ્ધ ભાગીદારીમાં ડમ્પર લીધા બાદ નફામાંથી કોઇ રકમ ન આપી માથે જતાં મારી નાંખવાની ધમકી આપી ૧૪ લાખ વિશ્વાસઘાત કરી ઓળવી જવાનો ગુનો નોંધ્યો છે.
પાર્થ જોષીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને રામનથપરામાં સ્મશાન નજીક રેંકડી રાખી નાઇટ ડ્રેસનો વેપાર કરુ છું. બે વર્ષ પહેલા મારા ફ્લેટની સામે પાડોશી તરીકે પ્રતાપભાઈ આપાભાઈ બોરીચા (હાલ રહે. ગોલ્ડન હાઈટસ, બ્લોક નં.૩૦૪, આર.કે. આઈકોનીક બિલ્ડીંગ પાછળ, શીત લ પાર્ક ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ) ભાડેથી રહેતાં હોઇ તે ગત ૧૪/૧૨/૨ ૦૨૪ ના રોજ તેના પરીવાર સાથે મારા ઘરે જમવા આવેલ ત્યારે મને કહેલું કે પોતાને ડમ્પર-ટ્રકનો ધંધો છે અને તેમા પોતાને સારી આવક થાય છે. આપણે સાથે મળી આ ધંધો કરીએ તો તમને નફામાંથી અડધો ભાગ આપીશ. જેથી મેં તેની સાથે ભાગીદારી કરવાની હા પાડી હતી.
ત્યારબાદ પ્રતાપભાઇએ મને કહેલ કે પોતે આપણે ટ્રક ભાગીદારીમાં લઈ જેમાં પ્રથમ આપવાના પૈસા તુ આપ બાકીના પૈસાની લોન પોતે કરી લેશે તે પેટે તુ ટ્રકના પૈસા મને આપી રોકાણ કર અને ટ્રકનો વહીવટ હું કરીશ અને નફો સરખે ભાગે વહેચીશું. ત્યારબાદ હું તથા પ્રતાપભાઈ તેના ઓળખીતા ટ્રકના દલાલ રજાકભાઈ પીંજારા પાસે ગાડી જોવા સાયલાગયા હતાં. ત્યાં ટ્રક નં. જીજે૧૮એઝેડ-૫૧૪૧ પસંદ આવતાં માલિક પાસેથી ૨૧ લાખમાં ખરીદવાનું નક્કી કર્યુ હતું. પ્રતાપભાઇના કહેવાથી મેં રૂા. ૯ લાખ રોજ આરટીજીએસથી તેના બેંક ખાતામાં મોકલી દીધા હતાં. બાકી રહેતા રૂ.૧૫,૦૦,૦૦૦ પ્રતાપભાઈએ તેના ભાઈ બોટાદ રહેતા ઓરદાનભાઈ બોરીચા નામે ટ્રક લઈ તેના નામે લોન કરી ભરી આપશે તેમ જણાવેલ હતુ.
આ પછી ડમ્પર પ્રતાપભાઈના ભાઇ ઓરદાનભાઈના નામે રજીસ્ટ્રેશન કરાવેલ અને તેના પર ઓરદાનભાઈના નામે લોન કરાવેલ હતી. ત્યારબાદ બે મહીના દ રમિયાન પ્રતાપભાઇએ મને ડમ્પરમા ખર્ચા કરવો પડે તેમ છે, તેના તારે રૂપિયા ૫,૦૦,૦૦૦ આપવા પડશે પછી ટ્રક સરખો ચાલી શકશે અને આવક શરૂ થશે તેમ કહેતાં મેં આ રકમ આપી હતી. ત્યારબાદ પ્રતાપભાઇ તેના કોઈ ડ્રાઈવર મારફતે ટ્રકમાં રેતી-કપચીમાં ભાડા કરતા પરંતુ મને આવક પેટે કોઈ નફો આપતા નહીં. જેથી મેં પ્રતાપભાઈને આ બાબતે વાત કરતા તેઓએ મને કહેલ કે અત્યારે નફો નહીં થાય નફો મળવાનુ ચાલુ થતા છએક મહીના થાશે. જે બાદ હાલ સુધી તેને મને નફામાથી કાંઇ આપેલ નથી જેથી મેં આ પ્રતાપભાઈને ફરીથી નફામાં ભાગ આપવા ફોનથી કહેતા આ પ્રતાપભાઈને ફોનમાં મને કહેલ કે આ ટ્રક મારા ભાઈના નામે રજીસ્ટર કરાવેલ છે તને નફામાંથી કોઈ ભાગ મળશે નહીં જો નફાનો ભાગ માંગીશ તો તને જાનથી મારી નાખીશ. તેમ કહી આજ સુધી મને કોઈ નફામાં ભાગ આપેલ નથી.
આ રીતે મેં ડમ્પર ભાગીદારીમાં ખરીદવા ૯ લાખ આરટીજીએસથી અને ૫ લાખ ખર્ચ પેટે રોકડેથી આપ્યા પછી તેણે તેના ભાઇના નામે ૧૫ લાખની લોન કરાવી ડમ્પર ખરીદ કરી રેતી-કપચીના ફેરામાં મુક્યું હતું. પરંતુ મને નફા પેટે કંઇ ન આપતાં અને મેં મારી રોકાણ કરેલી રકમ પાછી માંગતા ખૂનની ધમકી આપતાં અંતે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં પાર્થ જોષીએ જણાવતાં ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ અસ. બી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:04 PM IST)










