તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Wednesday, 18th March 2026
ભાવેશ વાણવીની હત્યા બાદ સર્જાયેલી ઉગ્રતા સંદર્ભે નોંધાયેલી ફરીયાદની તટસ્થ તપાસ બાદ જ પગલા લેવા અનુસુચિત જાતિની રજુઆત
એ ડીવીઝનના પી.આઇ. અને તપાસનીસ અધિકારી બી.વી. બોરીસાગરે આરોપી ડી.ડી. સોલંકીને નોટીસ પાઠવી જરૂર પડે ત્યારે પોલીસ સ્ટેશને હાજર રહેવા તાકીદ કરી

રાજકોટઃ હત્યાનો ભોગ બનેલા ભાવેશ વાણવીના હત્યારાઓને ત્વરીત ઝડપી લઇ કડક પગલા લેવાની માંગણી સાથે ઘટનાના દિવસે થયેલી ઉગ્ર રજુઆતો દરમ્યાન પોલીસ સાથે થયેલા ઘર્ષણની તટસ્થ તપાસ કરી પગલા લેવાની આજે પોલીસ કમિશનર સમક્ષ અનુસુચિત જાતિ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)(૨.૧૮)
રાજકોટ તા.૧૮: બે દિવસ પૂર્વે રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ભાવેશ વાણવી નામના યુવાનની સરાજાહેર થયેલી હત્યામાં સંડોવાયેલા ભરવાડ શખ્સો તાકીદે ઝડપી લઇ કડકરાહે કાયદાકીય પગલાની માંગણી કરી મૃતદેહ નહી સ્વીકારવાની જીદ ઉપર આવેલા પરિવારજનો અને અનુસુચિત જાતિના આગેવાનો અને સમાજના લોકોએ મૃતદેહ સાથે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક ઉગ્ર વિરોધ નોંધાવ્યો ત્યારે પોલીસ સાથે થયેલી ખેંચતાણ દરમ્યાન ક્રાઇમબ્રાંચના એએસઆઇ સંજય દાફડાને ધક્કો મારી પાડી દેવાના અને ધમકી આપવાના મામલે ડી.ડી. સોલંકી સહિતના સામે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોતાની સંડોવણી નહી હોવાની રજુઆત સાથે તટસ્થ પગલા લેવા આજે પોલીસ કમિશનર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડી પોલીસ કમિશનર બ્રજેશ ઝા સમક્ષ આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
આ રજુઆતમાં જણાવાયુ હતુ કે, આપના વિભાગમાંથી પોલીસ અધિકારીશ્રીની સુચનાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો તે સરાસર અન્યાયકર્તા છે અને માનવ અધિકારનો ખૂલ્લો ભંગ કર્યો હતો- હનન કર્યુ હતું. માત્ર આંદોલનકારીઓને જ ટાર્ગેટ કરી ઝુલ્મ વરસાવવામાં આવતા બે જેટલા આગેવાનો ઘાયલ થયા અને રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ થયા થયા હતા. તેઓની MLC અંગે આ ઘડી સુધી નિવેદનો પણ લેવાયા નથી. આ ઘટનામાં જાતિય પૂર્વાગ્રહો સ્પષ્ટપણે પ્રતિત થાય છે. પ્રતિષ્ઠિત આગેવાનોમાં સર્વશ્રી ડી.ડી. સોલંકી, નરેશભાઇ બગડા અને અશોકભાઇ સિંધવ ઉપર આપના વિભાગના એએસઆઇ શ્રી સંજયભાઇ દાફડા દ્વારા એફઆઇઆર કરવામાં આવી છે. અને અન્ય પંદર વીશ આંદોલનકારીઓના નામ લખ્યા છે. જે અંગે ડી.ડી. સોલંકીએ જણાવ્યુ છે કે, આ ઘટના વખતે મારે આ એએસઆઇ સંજયભાઇ દાફડા સાથે કયાંય ઘર્ષણ કે વાર્તાલાપ કે આમને-સામને આવ્યા જ નથી તો અમારા પર કયા પ્રકારની એફઆઇઆર કરવામાં આવી. આ સમયના સીસીટીવી ફુટેજ પણ આપના માધ્યમથી ચેક કર્યા બાદ જ યોગ્ય એફઆઇઆર કાયદાના દાયરામાં સંવિધાનના દાયરામાં રહીને કરવામાં આવે એવી અમારી માંગણી છે.
ઉપરોકત રજુઆત દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં રહેલા અને સંજય દાફડાની ફરિયાદના તપાસનીસ અધિકારી એ ડીવીઝનના પી.આઇ. બી.વી. બોરીસાગરે ડી.ડી. સોલંકીને નોંધાયેલા ગુના સંદર્ભે તપાસનીસ જયારે બોલાવે ત્યારે હાજર રહેવા નોટીસ પાઠવી હતી.
(4:05 PM IST)










