News of Tuesday, 10th March 2026
રાજકોટમાં ‘સૂર્યતાપ'નો પ્રકોપઃ બપોરે ૨:૩૦ વાગે જ પારો ૪૦.૬ ડિગ્રીએ પહોંચ્યો, રંગીલું શહેર ભઠ્ઠી જેવું તપ્યું!

રાજકોટ, તા. ૧૦ : રંગીલા રાજકોટમાં ઉનાળાએ અત્યારથી જ પોતાનો આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. આજે સમગ્ર દિવસ દરમિયાન આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગના આંકડા મુજબ, આજે બપોરે ૨:૩૦ વાગ્યે રાજકોટનું તાપમાન ૪૦.૬ ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે શહેર જાણે ગરમ ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેવો અનુભવ રાજકોટવાસીઓએ કર્યો હતો.
રસ્તાઓ સુમસામ,
જનજીવન પ્રભાવિત
બપોરના સમયે તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને વટાવી જતાં શહેરના મુખ્ય માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને રેસકોર્સ વિસ્તારમાં વાહનોની અવરજવર નહિવત જોવા મળી હતી.
અસહ્ય લૂ અને તાપથી બચવા માટે લોકોએ ઘરમાં કે ઓફિસમાં રહેવાનું જ પસંદ કર્યું હતું. ટુ-વ્હીલર ચાલકો મોઢે રૂમાલ અને ચશ્મા પહેરીને ગરમીથી બચવા મથતા નજરે પડ્યા હતા.
ઠંડા પીણાં અને
આઈસ્ક્રીમની જમાવટ
કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો શેરડીનો રસ, છાશ અને ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે. બપોરના સમયે આઈસ્ક્રીમ પાર્લરો અને રસના ચીચોડા પર લોકોની ભીડ જોવા મળી હતી.
હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ પણ ઊંચો જઈ શકે છે. ખાસ કરીને બપોરે ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી તથા પ્રવાહી લેવાની સલાહ ડોક્ટરો દ્વારા આપવામાં આવી રહી છે. ગરમીની સાથે પવનની ગતિ ઓછી રહેતા બફારાનું પ્રમાણ પણ વધ્યું છે, જે લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે.
(3:41 PM IST)










