તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Saturday, 7th March 2026
મોરબી રોડ પર મોટી માથાકુટ અટકીઃ કાર મુકી બે શખ્સ ભાગ્યાઃ અંદરથી છરી-ધારીયા, ૪૮ કાચની બોટલો મળી
જુના મોરબી રોડ જકાતનાકા પાસે મોડી રાતે પોલીસ પહોંચતા બે શખ્સ ભાગ્યાઃ જેની સાથે માથાકુટ હતી તેણે પોતાને ફરિયાદ નોંધાવવી નહિ હોવાનું કહ્યું કાર પાસે હાજર નૈમિષ ગોહેલે ભાગી ગયેલા બેમાંથી એક શખ્સ હર્ષદીપ ખાચર હોવાનું કહ્યું: પોલીસે હર્ષદીપ સહિત બે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૭: શહેરના જુના મોરબી રોડ પરના જકાતનાકા નજીક રાત્રીના એક કાર પાસે ત્રણ શખ્સો જોર જોરથી બુમો પાડી માથાકુટ કરતાં હોઇ એ વખતે જ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળતાં પોલીસને જોઇ કાર મુકી બે શખ્સ ભાગી ગયા હતાં. જેની સાથે માથાકુટ થઇ રહી હતી એ શખ્સને અને રેઢી પડેલી કારને પોલીસ સ્ટેશને લઇ જઇ તપાસ કરવામાં આવી હતી. આ શખ્સે પોતાને ભાગી ગયેલા શખ્સ સાથે માથાકુટનું સમાધાન કરી લેવાનું હોઇ ફરિયાદ નોંધાવવી નહિ હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તપાસ કરતાં તેમાં ખોટા નંબર લગાવેલા હોવાનું જણાયું હતું. તેમજ સાચી નંબર પ્લેટ ડેકીમાંથી મળી હતી. આ સાથે કારમાંથી ધારીયા, છરી અને ડેકીમાંથી ૪૮ કાચની બોટલો મળી આવી હતી. કોઇ મોટી માથાકુટને અંજામ આપવા આ હથીયારો, બોટલો કારમાં રખાયા હોવાનું જણાયું હતું. કાર માલિક સહિત બેની શોધખોળ થઇ રહી છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના હેડકોન્સ. સંદિપભાઇ અવાડીયાની ફરિયાદ પરથી હર્ષદીપ ખાચર તથા અજાણ્યો અને તપાસમાં ખુલે તેની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. સંદિપભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે રાતે અગીયારેક વાગ્યે હું તથા પીઆઇ એસ. એસ. રાણે, ડ્રાઇવર કોન્સ. વિજયભાઇ હુંબલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે રાતે સાડા અગીયારેક વાગ્યે જુના મોરબી રોડ જુના જકાતનાકા નજીક પહોંચતા એક ઓડી કાર સાથે બે ત્રણ શખ્સો ઉભા હોઇ અને જોર જોરથી દેકારો કરતાં હોઇ તેમજ એક શખ્સના હાથમાં ધારીયું હોઇ અમે ત્યાં જતાં બે શખ્સ ભાગી ગયા હતાં. ત્યાં ઉભેલા શખ્સને નામ પુછતાં પોતે નૈમિષ ગોહેલ હોવાનું અને તેની સાથે હર્ષદીપ ખાચર તથા અજાણ્યો શખ્સ ઝઘડો કરતાં હોવાનું કહ્યું હતું.
આથી અમે નૈમિષ ગોહેલને પોલીસ સ્ટેશને લાવ્યા હતાં અને ત્યાં સિલ્વર રંગની ઓડી કાર જીજે૦૧આરસી-૫૨ પડી હોઇ તપાસ માટે આ કાર પોલીસ સ્ટેશને લાવ્યા હતાં. અહિ નૈમિષ ગોહેલે પોતાને સામેવાળા હર્ષદીપ ખાચર સાથે સમાધાનની વાત ચાલુ હોઇ પોતાને કોઇ ફરિયાદ કરવી ન હોઇ તેમજ કોઇ અરજી કરવી ન હોઇ તેવું કહેતાં તેને નિવેદન આપવાનું કહ્યું હતું. પરંતુ તેણે નિવેદન પણ આપવું ન હોઇ તેમ કહ્યું હતું અને પોલીસ સ્ટેશનેથી જતાં રહ્યા હતાં.
આ પછી અમે પંચની હાજરીમાં તથા હેડકોન્સ. હિતેષભાઇ કોઠીવાળ સહિતનાએ મળી કારની તલાશી લેતાં તેમાં પાછળની સીટમાંથી બે ધારીયા, ત્રણ પ્લાસ્ટીકના હાથાવાળી સ્ટીલની છરીઓ મળી હતી. આ ઉપરાં તડેકી ખોલીને જોતાં તેમાં પ્લાસ્ટીકના એક ગલામાં કાચની ૨૪ બોટલો અને બીજા ગાલામાં બીજી ૨૪ બોટલો મળી હતી. કુલ ૪૮ કાચની બોટલો મળી આવી હતી. તેમજ અંદરથી નંબર પ્લેટ મળી હતી જે સરકાર માન્ય હતી. તેના નંબર જીજે૦૧આરસી-૨૬૫૨ હતાં. જો કે કારમાં જે નંબર પ્લેટ હતી તેના નંબર જીજે૧આરસી-૫૨ હતાં.
આ કારના ચેસીસ નંબર, એન્જિન નંબરને આધારે ઇ-ગુજકોપ એપમાં સર્ચ કરતાં કારના સાચા નંબર ૨૬૫૨ હોવાનું ખુલ્યું હતું. જેથી જણાયું હતું કે આ કાર લઇને આવેલા અને પોલીસને જોઇ ભાગી ગયેલા શખ્સો કોઇ ગંભીર ગુનાહિત પ્રવૃતિ કરવાના ઇરાદાથી જ આવ્યા હતાં. પણ પોલીસને જોઇ ભાગી ગયા હોઇ સરકાર તરફે ફરિયાદી બની જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ૧૦ લાખની ઓડી કાર કબ્જે કરી હતી.
તેમજ કારમાંથી મળેલી બે છરી, પ્લાસ્ટીકના ગાલઓમાં રાખેલી કાચની ૪૮ બોટલો, બે ધારદાર ધારીયા, ખોટી નંબર પ્લેટ પણ કબ્જે કરાયા હતાં. આ ઓડી કાર હર્ષદીપ ખાચર તથા તેની સાથે ભાગેલા શખ્સ હસ્તકની હોઇ બંને વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરવામાં આવી છે. જો પોલીસ સમયસર પહોંચી ન હોત તો કદાચ મોટી માથાકુટ કે ગંભીર ઘટના બની હોત તેવુ જણાય છે.
પીઆઇ એસ. એસ. રાણે, હેડકોન્સ. હિતેષભાઇ કોઠીવાળ, સંદિપભાઇ અવાડીયા, કોનસ. વિજયભાઇ હુંબલ, સંજયભાઇ જળુ, હોમગાર્ડ રવિભાઇ પાનસુરીયા, અજય ખાંભરા, ભરતભાઇ ગોગરાએ આ કામગીરી કરી હતી.
(3:36 PM IST)










