News of Monday, 23rd February 2026
ગુજરાતમાં પ્રથમવાર વેસ્ટ ઝોન હેન્ડબોલ બહેનો સ્પર્ધાની ઐતિહાસિક શરૂઆત - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગરિમાપૂર્ણ સમારોહ

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત એઆઈયુ વેસ્ટ ઝોન હેન્ડબોલ બહેનો માટે સ્પર્ધાનું ભવ્ય ઉદ્ધાટન સમારોહ અને સ્પર્ધાની વિધિવત શરૂઆત ઉત્સાહભેર સંપન્ન થઈ છે. ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારની વેસ્ટ ઝોન હેન્ડબોલ બહેનો માટે સ્પર્ધાનું આયોજન થવાથી સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ઉદ્ધાટન સમારોહમાં સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. મનીષ ધામેચા, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉ. જયદીપસિંહ ચૌહાણ, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબા, જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા, બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્યશ્રીઓ તેમજ યુનિવર્સિટીના અધ્યાપકશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆત ભવ્ય માર્ચપાસ્ટથી થઈ, જેમાં એનસીસી કેડેટ્સે શિસ્તબદ્ધ પ્રદર્શન કર્યું. ગણેશ વંદના માટે વિદ્યાર્થીનીઓએ મનમોહક રજૂઆત કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા. સમગ્ર કાર્યક્રમ અત્યંત ગૌરવપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે યોજાયો હતો. સ્પર્ધાની શરૂઆત સાથે જ યજમાન ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પ્રથમ મેચમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરા સામે ૩૨-૨ ના ભવ્ય સ્કોર સાથે વિજય મેળવી સ્પર્ધામાં શાનદાર એન્ટ્રી નોંધાવી છે.
(3:31 PM IST)










