તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 23rd February 2026
ભોમેશ્વર મંદિર પાસે રિક્ષાચાલક સહિત ૪નો બંગડી બજારના વેપારી ચગ બંધુ પર હુમલો
નાગેશ્વરનો રાજ ચગ ઘરેથી દૂકાને જતો હતો ત્યારે એક્ટીવાને પાછળથી રિક્ષા અડી જતાં ધ્યાન રાખવાનું કહેતાં હુમલોઃ મોટા ભાઇ હર્ષ ચગને બોલાવતાં તેને પણ બેફામ મારકુટઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૩: શહેરમાં વાહન અડી જેવા જેવી વાતે વધુ એક મારામારી થઇ છે. ભોમેશ્વર મંદિર નજીક નાગેશ્વરમાં રેહતાં બગડી બજારના વેપારી યુવાનના એકટીવા પાછળ રિક્ષા અડી જતાં યુવાને રિક્ષાચાલકને ધ્યાન રાખવાનું કહેતાં ચાલક સહિત ચાર જણાએ ઢીકાપાટુ પાઇપથી બેફામ માર માર્યો હતો. યુવાને પોતાના મોટા ભાઇને ફોન કરતાં તે આવી જતાં તેણે આ શખ્સોને સમજાવતાં તેના ઉપર પણ હુમલો કરવામાં આવતાં બંને ભાઇઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ નાગેશ્વર એપલ ગ્રીન સીટી રેડ-૩૦૨માં રહેતાં રાજભાઇ હિતેષભાઇ ચગ (ઉ.વ.૩૦) નામના યુવા વેપારી એક્ટીવા હંકારી ઘરેથી બંગડી બજારમાં પોતાની કટલેરીની દુકાને જઇ રહ્યા હતાં ત્યારે ભોમેશ્વર મહાદેવ મંદિર નજીક પહોંચતાં તેના વાહન પાછળ રિક્ષાવાળાએ રિક્ષા અડાડી દેતાં તેને ધ્યાન રાખવાનું રાજભાઇએ કહેતાં રિક્ષાચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો દઇ તૂટી પડયો હતો. એટલી વારમાં રિક્ષાચાલકના સાથીદારો પણ આવી ગયા હતાં અને ચાર જણાએ થઇ રાજભાઇને ઢીકાપાટુ, પાઇપથી માર માર્યો હતો.
આથી રાજભાઇએ પોતાના મોટાભાઇ હર્ષભાઇ હિતેષભાઇ ચગ (ઉ.વ.૩૩)ને ફોન કરતાં તે આવી ગયા હતાં અને તેણે હુમલાખોરો ત્યાં જ ઉભા હોઇ માથાકુટ નહિ કરવા સમજાવતાં આ ચારેયએ તેને પણ બેફામ માર માર્યો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. બંને ભાઇઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસને જાણ કરવામાં આવી છે.
(3:44 PM IST)










