<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

સામાજિક, શૈક્ષણિક, આર્થિક પછાત વર્ગને આવકનો દાખલો મેળવવાનું હવે સરળ

અરજદારને કચેરીએ ધક્કો નહિ, પોતાની જવાબદારીથી ઓનલાઇન અરજી કરવાની

રાજકોટ તા.૧૯: રાજય સરકારના સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આવકના દાખલા માટેની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. હવેથી અરજદારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. વિભાગનાખ સંયુકત સચિવ જી.પી. પટેલની સહીથી ગઇકાલે તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના દિવસે આ પરિપત્ર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યો છે.

વિભાગના ઠરાવમાં જણાવાયુ છે કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક રીતે પછાત વર્ગોના વ્‍યક્‍તિઓને આવકના પ્રમાણપત્ર આપવા માટે સક્ષમ સત્તાધિકારીઓ નક્કી કરવામાં આવેલ  તે સૂચનાઓ આથી રદ્દ કરવામાં આવે છે તેમજ હવે પછી આવકનું પ્રમાણપત્ર આપવા માટે મામલતદાર (શહેરી વિસ્‍તાર માટે) અને તાલુકા વિકાસ અધિકારી(ગ્રામ્‍ય વિસ્‍તાર માટે) અધિકળત  કરવામાં આવે છે.

આવકનું પ્રમાણપત્ર તે જે નાણાંકીય વર્ષમાં ઈશ્‍યુ થયેલ હોય તે નાણાંકીય વર્ષ સહિત ત્રણ નાણાંકીય વર્ષ માટે માન્‍ય રહેશે. પરંતુ આ સમયગાળા દરમિયાન અરજદાર કે અરજદારના કુટુંબની આવકમાં જો ફેરફાર થયેલ હશે તો તે અંગેની સ્‍વૈચ્‍છિક જાણ આવકનું પ્રમાણપત્ર આપનાર સંબંધિત સક્ષમ અધિકારીને કરવાની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે. તદ્દપરાંત આવકના પ્રમાણપત્ર ઈશ્‍યુ કરનાર સક્ષમ અધિકારીએ આવકના પ્રમાણપત્રમાં સદરહુ પ્રમાણપત્ર કઈ તારીખ સુધી માન્‍ય રહેશે તેનો સ્‍પષ્ટ ઉલ્લેખ અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં કરવાનો રહેશે.

આગળના પત્રથી આવકના પ્રમાણપત્ર મેળવવા માટેની અરજીનો નમૂનો તથા આવકના પ્રમાણપત્રનો નમૂનો નક્કી કરવામાં આવેલ છે. જે મુજબ અરજદારને ફોટો સાથેનું પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂમાં જ આવવાનું થતું હતું. તદ્દપરાંત અરજદારે સ્‍વકબુલાતનામુ અને તલાટી સમક્ષ રૂબરૂમાં જવાબ આપવા ઉપસ્‍થિત રહેવાની જોગવાઈ કરવામાં આવેલ હતી. પરંતુ હવે. આવકના પ્રમાણપત્રની સેવાના સરળીકરણ માટે તેમજ આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટાઈઝ કરવાના હેતુથી સદરહું અરજીનો નમૂનો તથા આવકના પ્રમાણપત્રનો નમૂનો આથી રદ્દ કરવામાં આવે છે. જેના સ્‍થાને હવે, આવકના પ્રમાણપત્ર માટેની અરજીનો નવો નમૂનો  નિયત કરવામાં આવે છે. અરજદારે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવાની સ્‍વ-ઘોષણા (Self Declaration) નો નમૂનો પરિશિષ્ટ-૨ અને આવકના પ્રમાણપત્રનો નમૂનો પરિશિષ્ટ-૩ મુજબ નિયત કરવામાં આવે છે. આ આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદાર દ્વારા ખોટી વિગતો દર્શાવતી સ્‍વ-ઘોષણા (Self Declaration) રજૂ કરવામાં આવશે તો તે અંગેની સઘળી કાયદાકીય જવાબદારી અરજદારની રહેશે. ડિજિટલ ઈ-સીલ તથા Single Sign-On (SSO) થી ઓથોરાઈઝડ થયેલા સંબંધિત અધિકારીનું નામ અને હોદ્દો દર્શાવતું આવકનું પ્રમાણપત્ર જ સક્ષમ અધિકારીએ ઈશ્‍યુ કરવાનું રહેશે. આ ઠરાવની જોગવાઈઓનો ઓનલાઈન અમલ સંપૂર્ણપણે ન થાય ત્‍યાં સુધી આવકનું પ્રમાણપત્ર આપવાની હાલની વ્‍યવસ્‍થા યથાવત રહેશે. તેમ ઠરાવમાં જણાવાયું છે.

(2:09 PM IST)