તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 18th February 2026
વિકાસ સંકલ્પ સંદર્ભે રૂા. પ.૭૯ કરોડની ગ્રાન્ટ ફાળવતા રામભાઇ મોકરીયા
રાજકોટ શહેર અને જીલ્લાનાં જુદા-જુદા ગામોમાં વિકાસ કાર્યો વધુ વેગવંતા થશે

રાજકોટ તા. ૧૮: સંસદ સભ્ય રામભાઇ મોકરીયાએ ‘‘વિકાસ સર્વ માટે''ના મંત્રને સાર્થક કરતા શિક્ષણ, બાળવિકાસ, આરોગ્ય તથા શહેર તથા જિલ્લાના ગામોના વિકાસ માટે આધુનિક પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપી છે. તેના પરિણામે રાજકોટ તથા જિલ્લાના જુદા જુદા ગામોના લોકોને સીધો લાભ મળે તેવા લોકહિતકારી કાર્યો માટે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ રૂા. પ.૭૯ કરોડની ગ્રાન્ટ ફાળવી છે.
રાજકોટ તથા જિલ્લાના જુદા જુદા ગામોમાં બાળશિક્ષણ અને પોષણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના હેતુસર સ્માર્ટ આંગણવાડી બનાવવાની યોજનાનો મૂળ હેતુ ગમ્મત સાથે જ્ઞાન મળે, બાળકોને ડિજિટલી જ્ઞાન મળે, બાળકો રમતા રમતા શીખે, અને ભાર વગરના ભણતર સાથે શિક્ષણના આધુનિક પ્રવાહ સાથે તાલમેલ મેળવે આ માટે આ સ્માર્ટ આંગણવાડી યોજના માટે રૂપિયા ૩૬ લાખ રૂપિયા ફાળવેલ છે. તેમજ શાળાઓને ડિજિટલ રૂમ બનાવવા તથા શાળાઓમાં નવા ઓરડા બનાવવા માટે રપ લાખ ફાળવેલ છે આમ શિક્ષણને વધુ પ્રાધાન્ય આપીને કુલ ૬૧ લાખ જેવી રકમ ફાળવી છે.
બાળકો અને યુવાનોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે તથા નવી પેઢી સંશોધન તરફ પ્રેરાય તેમજ, બાળકો વર્કિંગ મોડેલનો સ્પર્શ કરીને વાસ્તવિક જ્ઞાન મેળવે, જેનું હેન્ડઓન દ્વારા (હાથથી સ્પર્શ કરી ટચ કરીને અનુભવ મેળવી જ્ઞાન મેળવી શકે) તેમજ આધુનિક ટેકનોલોજી યુગમાં તાલમેલ મેળવી શકે. આધુનિક ટેકનોલોજીથી જાણકાર બને તે હેતુથી સરકારી પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળામાં (સાયન્સ પાર્ક/સાયન્સ લેબ) માટે રૂપિયા ર કરોડ જેવી માતબર રકમ ફાળવી છે.
જિલ્લાભરના વિવિધ ગામોમાં લોકોની પ્રાથમિક સામાન્ય અને દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પેવર બ્લોક, સી.સી. રોડ, આધુનિક બસ સ્ટેન્ડ, સ્મશાનગૃહ, ચેકડેમ, સ્નાનાઘર, સાંસ્કૃતિક હોલ તેમજ મિયાવાંકી જંગલ તેમજ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં કોમ્યુનિટી હોલની જરૂરી સુવિધાઓ પૂરી પાડી તેમજ ગરીબ તથા ઘરવિહોણા માટે રેન બસેરા, વિગેરે પાયની જરૂરિયાત માટે ૧.૬૦ લાખ (એક કરોડ સાઇઠ લાખ) તેમજ આરોગ્ય સેવાઓને પ્રથમ પ્રાધ્યાન આપતા અને ગ્રામીણ કક્ષાએ દર્દીને ત્વરિત સારવાર ઉપલબ્ધ થાય તેને લક્ષમાં લઇને ઉપલેટા, વિંછીયા અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કુલ ત્રણ જગ્યાએ ૭પ લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવી છે.
આ તમામ કાર્યો માટે કુલ મળીને રૂપિયા અંદાજે ર કરોડની માતબર રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આરોગ્ય સેન્ટરોમાં કયારેક વીજળી જતી રહેવાને કારણે દર્દીઓ હેરાન ના થાય તે માટે પી.એચ.સી. સેન્ટરોમાં જનરેટર સેટ ફાળવવા માટે કુલ ર૪ લાખ તથા પોલીસ વિભાગમાં બેડમિન્ટન હોલ બનાવવા માટે ૩૦ (ત્રીસ લાખ) જેવી માતબર રકમ ફાળવી છે આમ દરેક ક્ષેત્રોમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા દ્વારા ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે.
રામભાઇ મોકરીયાની આ દ્રઢ અને દુરંદેશી શકિતને કારણે રાજકોટ તથા જિલ્લા વિકાસના નવા શિખરો સર કરી રહ્યા છે. બાળવિકાસ, શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રકચરના ક્ષેત્રમાં લેવાયેલા આ પગલાંઓથી જિલ્લાની આવનારી પેઢીને લાંબા ગાળાનો લાભ મળશે.
રાજકોટ તથા જિલ્લાના નાગરિકો, સામાજિક સંસ્થાઓ તથા સ્થાનિક આગેવાનો દ્વારા સંસદસભ્ય રામભાઇ મોકરીયાના આ વિકાસલક્ષી અને જનહિતકારી અભિગમને વ્યાપક સમર્થન અને પ્રશંસા મળી રહી છે. આવનારા સમયમાં પણ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તેઓ આવા લોકહિતકારી કાર્યોને સતત આગળ વધારતા રહેશે તેવો વિશ્વાસ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા દ્વારા વ્યકત કરવામાં આવી રહ્યો છે. (૭.૩૦)
(4:43 PM IST)










