<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

વિજળી સુધારા બીલ માટે રચાયેલા કાર્યકારી જૂથમાં કર્મચારીઓ તથા ઇજનેરોને સામેલ કરોઃ નહિં તો રાષ્‍ટ્રવ્‍યાપી આંદોલન

એજીવિકાસ તથા જીબીઆએ પણ ફેડરેશનને ટેકો જાહેર કર્યોઃ ૧૪ દિવસની અંદર અહેવાલ તે ભારે ઉતાવળ સમાન

રાજકોટ તા. ૧૮: એજીવિકાસના શ્રી બળદેવભાઇ પટેલ તથા જીબીઆના સેક્રેટરી જનરલ શ્રી એચ. જી. વઘાસીયાએ જણાવ્‍યું છે કે, વીજ ઇજનેરી વીજળી (સુધારા) બિલ ૨૦૨૫ ને અંતિમ સ્‍વરૂપ આપવા માટે રચાયેલા કાર્યકારી જૂથ સામે સખત વાંધો ઉઠાવે છે જો કર્મચારીઓ અને ઇજનેરોને સામેલ કરવામાં નહીં આવે તો રાષ્‍ટ્રવ્‍યાપી આંદોલનની ચેતવણી આપી છે.

ઓલ ઇન્‍ડિયા પાવર એન્‍જિનિયર્સ ફેડરેશને વિધુત (સુધારા) બિલ ૨૦૨૫ના મુસદ્દાને અંતિમ સ્‍વરૂપ આપવા માટે કેન્‍દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા રચવામાં આવેલા કાર્યકારી જૂથ સામે ગંભીર વાંધો ઉઠાવ્‍યો છે. ફેડરેશને સ્‍પષ્ટ ચેતવણી આપી છે કે જો આ કાર્યકારી જૂથના અહેવાલના આધારે સંસદમાં બિલ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો દેશભરમાં ભારે આંદોલન થશે.

ફેડરેશનના ચેરમેન શૈલેન્‍દ્ર દુબેએ જણાવ્‍યું હતું કે કેન્‍દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા ૩૦ જાન્‍યુઆરી ૨૦૨૬ના રોજ આદેશ બહાર પાડીને ગુપ્ત રીતે ર્વકિંગ ગ્રુપની રચના કરવામાં આવી છે. આદેશ મુજબ, કાર્યકારી જૂથે તેની રચનાના માત્ર ૧૪ દિવસની અંદર તેનો અહેવાલ સુપરત કરવો પડશે. જે આવા મહત્‍વપૂર્ણ અને વ્‍યાપક વિષય    માટે   ભારે ઉતાવળ દર્શાવે છે.

ફેડરેશને ઓલ ઇન્‍ડિયા ડિસ્‍કોમ એસોસિએશનના ડાયરેકટર જનરલને કાર્યકારી જૂથમાં સામેલ કરવા સામે ખાસ વાંધો ઉઠાવ્‍યો છે. આ સોસાયટી અધિનિયમ હેઠળ નોંધાયેલી એક ખાનગી સંસ્‍થા છે અને તેના ઘણા પદાધિકારીઓ જાહેરમાં વિતરણ ક્ષેત્રના ખાનગીકરણની હિમાયત કરી રહ્યા છે. નવેમ્‍બર ૨૦૨૫માં યોજાયેલી એક બેઠકમાં ખાનગીકરણને પણ ડિસ્‍કોમના નુકસાનમાંથી પુનઃપ્રાપ્‍ત કરવા માટેનું મુખ્‍ય પગલું કહેવામાં આવ્‍યું હતું. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનના ચેરમેન આશિષ ગોયલ, જેઓ છેલ્લા ૧૪ મહિનાથી પૂર્વીયલ અને દક્ષિણાંયલ પાવર ડિસ્‍ટ્રિબ્‍યુશન કોર્પોરેશનના ખાનગીકરણની પ્રક્રિયા ચલાવી રહ્યા છે. તેઓ ડિસ્‍કોમ ઓર્ગેનાઇઝેશનના જનરલ સેક્રેટરી છે.

ફેડરેશને કહ્યું કે જ્‍યારે કોઈ ખાનગી સંસ્‍થાને કાર્યકારી જૂથમાં સામેલ કરવામાં આવે છે, ત્‍યારે રાષ્‍ટ્રીય સ્‍તરની સંસ્‍થાઓ અને વીજ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ અને ઇજનેરોના સંધોને પણ સમાન પ્રતિનિધિત્‍વ આપવું જોઈએ.

એવું લાગે છે કે કેન્‍દ્ર સરકાર સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં વીજળી (સુધારા) બિલને ઉતાવળમાં અંતિમ સ્‍વરૂપ આપીને રજૂ કરવા માંગે છે. જેને દેશના લગભગ ૨૭ લાખ વીજળી કર્મચારીઓ અને ઇજનેરો કોઈપણ સંજોગોમાં સ્‍વીકારશે નહીં.

જો કર્મચારીઓ અને ઇજનેરોની આશંકાઓને અવગણીને બિલ પસાર કરવામાં આવશે તો તેની સામે દેશવ્‍યાપી આંદોલન થશે. તેવું AIPEF ના ચેરમેન શૈલેન્‍દ્ર દુબે દ્વારા જણાવવામાં આવેલ છે. આ બાબતને GEBEA ના સેક્રેટરી જનરલ શ્રી એચ. જી. વધાસીયા અને AGVKS ના સીનીયર સેક્રેટરી જનરલ શ્રી બળદેવભાઈ પટેલ દ્વારા ગુજરાત ઊર્જા સંયુક્‍ત સંકલન સમિતિ વતી આવનારા આંદોલન માં જોડાશે. જેને લીધે દેશભરમાં ઓધોગિક શાંતિ જોખમાશે. તો તેની સંપૂર્ણ જવાબદારી કેન્‍દ્ર સરકારની થશે. તેમ ઉમેરાયું છે.

(4:44 PM IST)