News of Wednesday, 11th February 2026
કોઠારીયા રોડ નાડોદાનગરના ગોપાલ વડેરા પર ૪૦ હજારની ઉઘરાણી મામલે વાળંદ બંધુનો કાતરથી હુમલો
ફોન કરી દિપ્તીનગર રોડ પર બંસી પાને હાર્દિકે બોલાવ્યા બાદ મોટા ભાઇ ધવલ સાથે મળી તૂટી પડયોઃ બાવડા, સાથળ, પીઠ,ગરદન પર ઇજાઓઃ ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૧: કોઠારીયા રોડ હુડકો ચોકડી પાછળ નાડોદાનગરમાં રહેતાં અને કારખાનામાં મજુરી કરતાં યુવાન પર પૈસાની ઉઘરાણીના મામલે ઘર નજીકના ચોકમાં હેર ડ્રેસર દુકાન ચલાવતાં બે વાળંદ ભાઇઓએ અષાા અને કાતરથી હુમલો કરી લોહીલુહાણ કરી નાંખતા સારવાર માટે દાખલ કરાયો છે. યુવાને ઉછીના લીધેલા પંચાવન હજાર સામે કટકે કટકે પંદર હજાર આપી દીધા હતાં. બાકીના ચાલીસ હજારની ઉઘરાણી પ્રશ્ને માથાકુટ કરી હુમલો કરાયો હતો.
જાણવા મળ્યા મુજબ નાડોદાનગર-૪ મોમાઇ કૃપા ખાતે રહેતો ગોપાલ અરવિંદભાઇ વડેરા (ઉ.વ.૩૦) નામનો યુવાન રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. પોતાના પર ઘર નજીક ચોકમાં વાળંદ કામની દુકાન ધરાવતાં બે ભાઇઓએ હુમલો કર્યાનું કહેતાં તબિબે પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. જયભાઇ મકવાણાએ હોસ્પિટલે પહોંચી ગોપાલની ફરિયાદ પરથી હાર્દિક અને ધવલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ગોપાલે જણાવ્યું છે કે હું માતા પિતા સાથે રહુ છું અને મજુરી કરુ છું. આજથી દોઢેક વર્ષ પહેલા દિપ્તીનગર મેઇન રોડ ઉપર આવેલ બંસી પાન નામની દુકાને હું અવારનવાર ફાકી ખાવા જતો હોઇ અને તેની લાઇનમાં મોડર્ન હેર સ્ટાઇલ નામની દુકાનવાળા ધવલ અને હાર્દિક પણ આવતાં હોઇ જેથી મારો આ બંને ભાઇઓ સાથે પરિચય થયો હતો. આજથી આશરે દસ મહીના પહેલા મારે પૈસાની જરૂરીયાત ઉભી થતાં મેં હાર્દિક પાસેથી ૫૫ હજાર રૂપિયા ઉછીના લીધા હતાં. જેની સામે કટકે કટકે ૧૫ હજાર ચુકવી દીધા હતાં.
બાકીના ૪૦ હજાર મારે તેને આપવાના હતાં. મંગળવારે સાંજે સાડા છએક વાગ્યે હું કોઠારીયા રોડ માનવધર્મ આશ્રમ બાજુ હતો ત્યારે હાર્દિકે મને ફોન કરી બંસી પાને બોલાવતા હું ત્યાં જતાં હાર્દિકે મારા પૈસા મને આપી દે તેમ કહેતાં મેં તેને કહેલું કે હાલમાં પૈસા નથી. આથી તે અચાનક ઉશ્કેરાઇ ગયો હતો અને મારી સાથે ઝઘડો ચાલુ કર્યો હતો. ત્યાં તેનો મોટો ભાઇ ધવલ પણ આવી ગયો હતો.
હાર્દિકે પેન્ટના ખિસ્સામાંથી કાતર કાઢી હતી અને મને ડાબા હાથે બાવડા પર અને ડાબા પડખામાં ઘા મારી દીધા હતાં. તેમજ પીઠમાં અને ગરદન નીચે પણ ઇજા થઇ હતી. આ ઉપરમાંત ધવલે પણ ઢીકાપાટુ માર્યા હતાં. લોકો ભેગા થતાં બંને ભાગી ગયા હતાં. બાદમાં મેં મારા કાકાના દિકરા જયને ફોન કરતાં તે મને હોસ્પિટલે લઇ ગયો હતો. એએસઆઇ હરસુરભાઇ કે. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.
(2:47 PM IST)










