News of Monday, 5th January 2026
મોટા મવાના મીતભાઇ ખાનપરાનો વાવડીના પોતાના કારખાનાના ગોડાઉનમાં આપઘાત
અંદર આવેલા ગોડાઉનમાં લટકી જઇ દુનિયા છોડીઃ દોઢ વર્ષના પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું: કારણ અકળ રહેતાં પોલીસ તપાસ યથાવત

રાજકોટ તા. ૫: શહેરના મોટા મવામાં અલ્ટોસા લિવરી એપાર્ટમેન્ટમાં રહેતાં કારખાનેદાર યુવાને વાવડીમાં આવેલા પોતાના જ કારખાનાના ગોડાઉનમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ મોટા મવા અલ્ટોસા લિવરી અપાર્ર્ટમેન્ટમાં રહેતાં મીતભાઇ પ્રફુલભાઈ ખાનપરા (ઉ.વ.૩૧) નામના યુવકે વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા પોતાના ઉમિયાજી પંપનામના કારખાનાના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટના અંગે મજૂરોને જાણ થતાં દેકારો મચાવતા આજુબાજુના કારખાનેદારો દોડી આવ્યા હતાં અને મીતભાઇને હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ થતાં તાલુકા પોલીસે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારા મીતભાઇ એક ભાઈ એક બહેનમાં નાના હતાં. સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની વ્યાપી ગઇ છે.
વધુ વિગતો મુજબ મીતભાઇ રવિવારે સવારે પોતાના નિયત સમય કરતા વહેલા કારખાને ગયા હતાં અને મજુર પાસે ગોડાઉનની ચાવી માંગી હમણા માલ આવે છે તેમ કહ્યું હતું. બાદમાં શેઠ ગોડાઉનમાંથી મોડે સુધી બહાર ન આવતાં તપાસ કરતાં તેણે આપઘાત કરી લીધાનું જણાયું હતું. કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે
(3:10 PM IST)










