News of Monday, 22nd December 2025
એઇમ્સ રાજકોટ ખાતે વધુ ૬ અત્યાધુનિક ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન
હવે કુલ ૧૦ ઓપરેશન થિયેટર સેવામાં : સર્જિકલ વિભાગોની ક્ષમતામાં વધારો : ગુણવત્તા, કાર્યક્ષમતા અને સમયબદ્વતામાં પણ સુધારો

રાજકોટ : સૌરાષ્ટ્ર, ગુજરાત અને આસપાસના પ્રદેશોમાં આરોગ્ય સંભાળ સેવાનું માળખું વધુ મજબૂત બનાવવા દિશામાં એઇમ્સ રાજકોટ ખાતે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સીધા માર્ગદર્શન હેઠળ એઇમ્સ રાજકોટમાં ૬ નવા અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ સાથે હવે એઇમ્સ રાજકોટમાં દર્દીઓની સેવા માટે કુલ ૧૦ ઓપરેશન થિયેટર કાર્યરત થયા છે. નવનિયુક્ત પ્રેસિડેન્ટ પદ્મશ્રી ડો. જીવનસિંહ ટિટિયાલ, એક્ઝિકયુટિવ ડાયરેક્ટર ડો. એલ. એન. દોરૈરાજન અને ડેપ્યુટી ડાયરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ અંકુર પ્રતાપસિંહના સતત પ્રયાસોથી સંસ્થામાં ઝડપી વિકાસ સાથે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે. અત્યંત આધુનિક સર્જિકલ સાધનો અને ટેકનોલોજીથી સજ્જ નવા ઓપરેશન થિયેટર આરોગ્ય સંભાળ માળખાને મજબૂત બનાવશે તથા સર્જિકલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. નવા ઓપરેશન થિયેટર નું ઉદ્ધાટન એક્ઝિકયુટિવ ડાયરેક્ટર ડો.એલ. એન. દોરૈરાજનનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી ડાયરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ અંકુર પ્રતાપ સિંહ, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. પિન્કી સાહુ, સહિત ર્નસિંગ સ્ટાફ તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા ઉદ્ધાટન થયેલા તમામ ઓપરેશન થિયેટર અદ્યતન એનેસ્થેસિયા વર્કસ્ટેશન, આધુનિક સર્જિકલ સાધનો અને ઉચ્ચ સ્તરની સલામતી સુવિધાઓથી સજ્જ છે. જેના પરિણામે સર્જિકલ સેવાઓની ગુણવત્તા, કાર્યક્ષમતા અને સમયબધ્ધતા વધુ સુધરશે. આ નવા ઓપરેશન થિયેટરથી એઇમ્સ રાજકોટના વિવિધ સર્જિકલ વિભાગોની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તેમજ રાજકોટ, સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાત અને આસપાસના પ્રદેશોના દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ સેવાઓનો સીધો લાભ મળશે
(4:00 PM IST)










