News of Monday, 8th December 2025
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી'ના મુખ્ય કાર્યાલયનું ઉદ્ધાટન
જળસંચયના મહાઅભિયાનને વેગ : રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા'ના મુખ્ય કાર્યાલયનું દિવ્ય ઉદ્દઘાટન : સૌરાષ્ટ્રમાં ૧,૧૧,૧૧૧ જળસંચય સ્ટ્રક્ચર્સના સંકલ્પને સિદ્ધ કરવા જનજાગૃતિ અને આર્થિક સહયોગ મેળવવો : ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના શ્રી રાધા રમણ સ્વામી, રામકૃષ્ણ મિશનના શ્રી દર્પણાનંદજી સ્વામી અને હરિપ્રબોધન પરિવારના શ્રી ગુરૂપ્રસાદ સ્વામીના હસ્તે ઉદ્ધાટન : આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે કથા યોજાશે

રાજકોટ : સૌરાષ્ટ્રમાં જળસંચયના મહાઅભિયાનને વધુ વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર મહિનામાં વિશ્વવિખ્યાત કવિ અને તત્વચિતક ડો. કુમાર વિશ્વાસ દ્વારા રજૂ થનારી અદ્વુત અને અપૂર્વ 'જલકથાઃ અપને અપને શ્યામ કી'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનના મુખ્ય કાર્યાલયનું દિવ્ય ઉદ્ધાટન તાજેતરમાં રેસકોર્સ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે ભક્તિમય વાતાવરણ અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે સંપન્ન થયું હતું.
આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દરરોજ સાંજે ૭ થી ૧૨ દરમિયાન યોજાનાર જલકથાના મુખ્ય કાર્યાલયનું ઉદ્ધાટન ભૂપેન્દ્ર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરના શ્રી રાધા રમણ સ્વામી, રામકૃષ્ણ મિશન રાજકોટના શ્રી દર્પણાનંદજી સ્વામી અને શ્રી હરિપ્રબોધન પરિવારના ગુરુપ્રસાદ સ્વામીના પવિત્ર હસ્તે કરવામાં આવ્યું હતું.
શ્રી રાધા રમણ સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું કાર્ય માત્ર જળસંચયનું નહીં, પણ આવનારી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવાનું 'ઐશ્વરિક કાર્ય' છે. ટ્રસ્ટના ૧,૧૧,૧૧૧ જળસંચય સ્ટ્રક્ચર્સના સંકલ્પને સિદ્ધ કરવા પ્રત્યેક નાગરિકે તન-મન-ધનથી સહયોગ આપવો જોઈએ. શ્રી દર્પણાનંદજી સ્વામીએ જણાવ્યું હતું કે, જળસંચય ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રયાસોથી જનભાગીદારીનું મહાઅભિયાન બન્યું છે. આ 'જલકથા' દ્વારા પાણીના મૂલ્ય અને સંરક્ષણનો સંદેશ ઘરે-ઘરે પહોંચે તે જરૂરી છે. શ્રી ગુરુપ્રસાદ સ્વામીએ કહ્યું હતું કે, 'જલકથાઃ અપને અપને શ્યામ કી' વિશ્વની પ્રથમ એવી કથા છે, જે ધર્મ અને સંસ્કૃતિને જળસંચયના વૈજ્ઞાનિક અને સામાજિક વિષય સાથે જોડે છે. ગીરગંગાનું કાર્ય પ્રકૃતિ અને પરમાત્માની સેવા છે.
રાજ્યના પૂર્વ મંત્રી શ્રી ગોવિદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટે અત્યાર સુધીમાં ૮,૩૫૪ થી વધુ જળસંચય સ્ટ્રક્ચર્સ પૂર્ણ કર્યા છે, જે સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોની સમૃદ્ધિની ગેરંટી છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, સંસ્થાએ ૧,૧૧,૧૧૧ જળસંચય સ્ટ્રક્ચર્સ બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ 'જલકથા' જળસંચયના આ મહાયજ્ઞમાં આહુતિ સમાન છે. તેમણે નગરજનોને તન, મન અને ધનથી આ ઐશ્વરિક કાર્યમાં જોડાઈને સૌરાષ્ટ્રને જળ-સમૃદ્ધ બનાવવામાં સહભાગી બનવા માટે ભાવપૂર્ણ હાકલ કરી હતી.
આ પ્રસંગે બાલાજી મંદિરના કોઠારી શ્રી વિવેક સ્વામી, રામકૃષ્ણ આશ્રમના શ્રી નિપુણાનંદ સ્વામી, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજ્યના પૂર્વ મંત્રી શ્રી ગોવિદભાઈ પટેલ, રાજકોટના પૂર્વ મેયર શ્રી અશોકભાઈ ડાંગર, ડોક્ટર પંપવાળા શ્રી પરષોત્તમભાઈ, કરુણા ફાઉન્ડેશનના શ્રી મિતલભાઇ કોઠારી, બોલબાલા ટ્રસ્ટના શ્રી જયેશભાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ ધારૈયા, હરીવંદના કોલેજના શ્રી મહેશભાઈ ચૌહાણ, કવિ શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી ઉમેશભાઈ મહેતા, શ્રી રમેશભાઈ રૂપારેલીયા, ભારતની ૧૧૧ પવિત્ર નદીઓનું પાણી એકત્રીકરણ કરનાર સખીયા પરિવાર તેમજ ખોડલધામ અને ઉમાધામના બહેનો સહિત મોટી સંખ્યામાં જન સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મધ્યસ્થ કાર્યાલયના ઇન્ચાર્જ શ્રી ભરતભાઈ દોશી, સહ ઇન્ચાર્જ શ્રી સંજયભાઈ ટાંક, શ્રી વીરાભાઈ હુંબલ, શ્રી જમનભાઈ ડેકોરા, ટર્બો બેરિગવાળા શ્રી પ્રતાપભાઈ પટેલ, શ્રી મનોજભાઈ કલ્યાણી, શ્રી રમેશભાઈ ઠક્કર, શ્રી ભરતભાઈ સખીયા, શ્રી પરષોત્તમભાઈ, શ્રી જેન્તીભાઇ .કે. સરધારા, શ્રી ગિરીશભાઈ દેવડીયા, શ્રી શૈલેષભાઈ જાની, શ્રી વસંતભાઈ લીંબાસીયા, કૌશિકભાઈ સરધારા, ડો. દેવાંગીબેન મૈયડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
આ ઐશ્વરિક કાર્યમાં સહયોગ આપવા ઈચ્છતા પ્રબુદ્ધજનો મધ્યસ્થ કાર્યાલય મોબાઈલ નંબર ૭૬૦૦૩ ૧૪૦૧૪ નો સંપર્ક કરી શકે છે.
(2:41 PM IST)










